SURAT

સુરતના સહરા દરવાજા પાસે બેકાબૂ એસટી બસે એક્ટિવાને અડફેટે લેતાં 7 વર્ષીય બાળકીનું મોત

સુરત: સહરા દરવાજા પાસે બેકાબૂ એસ.ટી. બસે બાઇકને અટફેટે લેતાં બાઇક પર સવાર સાત વર્ષીય બાળકીને ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ફૂલવાડી ભરીમાતા રોડ પર સુભાનભાઇ શાહ રહે છે. શુક્રવારે સાંજે અંદાજે દસેક વાગ્યાના અરસામાં સુભાનભાઇ સાત વર્ષીય બાળકી ઉમેરા શાહને એક્ટિવા બાઇક પર લઇ સહરા દરવાજા પરથી પસાર થઇ રહ્યા હતા. એ દરમિયાન અચાનક એસટી બસે બાઇકના પાછળના ભાગે ટક્કર મારતાં સુભાનભાઇ ઘવાયા હતા. બાઇક પર સવાર સાત વર્ષીય બાળકી ઉમેરાને ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ ઘટનાને લઇ ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. જેને પગલે ત્યાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ બનાવ અંગે મહિધરપુરા પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે તાબડતોબ દોડી આવી હતી. પોલીસે બાળકીનું પીએમ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે હજુ થોડા દિવસ પહેલાં જ 3 મેના રોજ સુરતમાં સ્ટેશન રોડ દિલ્હી ગેટ પાસે સીટી બસ એક હોટલમાં જઈ ઘૂસી ગઈ હતી. સીટી બસ (City Bus) ચાલકને ચાલુ બસે ખેંચ આવી જતા બસના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અકસ્માત (Accident) સર્જાયો હતો. બસ કારને ટક્કર મારી સીધી હોટલમાં ઘૂસી ગઈ હતી. બસ હોટલ (Hotel) સ્ટે ઈનમાં (stay Inn) જઈ અથડાઈ ગઈ હતી. બસમાં સવાર મુસાફરો ઘાયલ થતા તાત્કાલિક 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

અકસ્માતનો ધડાકાભેર અવાજ આવતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. બસ ડ્રાઈવરને ચાલુ બસે ખેંચ આવી જતા અને બેભાન થઈ જતા બસ બેકાબૂ બની હોટલની દિવાલમાં જઈ ઘૂસી ગઈ હતી. બસે કારના ભાગે ટક્કર મારી અન્ય બે બાઈકને પણ ટક્કર મારી હોટલ સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ સાથે ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંતી હતી. બસમાં કેટલા મુસાફરો સવાર હતા તે હાલ સામે આવ્યું નથી.

Most Popular

To Top