Business

ઉદ્દઘાટનના બીજા જ દિવસે સુરતના મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજને પાનની પિચકારી મારી ગંદો કરી દેવાયો

સુરત: (Surat) સુરતમાં હજુ ગઈકાલે રવિવારે તા. 19 જૂનના રોજ સાંજે 5 કલાકે ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (CR Patil) દ્વારા જે મલ્ટીલેયર ફ્લાય ઓવર બ્રિજનું (Multilayer Fly Over Bridge) ઉદ્દઘાટન કરાયું તેની પર આજે બીજા દિવસે સોમવારે જ ગંદકી (Dirt) જોવા મળી. કોઈ વાહનચાલક દ્વારા અહીં બ્રિજની રેલિંગ પર પાનની પિચકારી મારી ગંદકી ફેલાવવામાં આવી છે. પાનની પિચકારી મારી ગંદી કરાયેલી બ્રિજની રેલિંગના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. લોકો આવી ગંદી હરકત કરનાર પર ફીટકાર વરસાવી રહ્યાં છે. હજુ ગઈકાલે તો સોશિયલ મીડિયા પર દેશનો પહેલા મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજનું સુરતીઓ ગૌરવ લેતા હતા અને આજે તે જ બ્રિજને ગંદો કરી નાંખવામાં આવ્યો છે.

  • સુરત મનપા દ્વારા રૂ.૧૩૩.૫૦ કરોડના ખર્ચે સાકાર થયેલો સહરા દરવાજા રેલવે ગરનાળા પરનો રાજ્યનો પ્રથમ થ્રી લેયર અને મલ્ટિ ડિરેક્શન તેમજ શહેરનો 117મો બ્રિજ 19મી જૂને ખુલ્લો મુકાયો

બ્રિજ સિટી સુરત મનપાની યશકલગીમાં રવિવારે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત-મુંબઈ વેસ્ટર્ન રેલવે લાઈન પર સહરા દરવાજા રેલવે ગરનાળા ઉપર, સુરત-બારડોલી રોડ પર કરણીમાતા જંક્શનને સાંકળીને રૂ.૧૩૩.૫૦ કરોડના ખર્ચે સાકાર કરાયેલા રાજ્યના પ્રથમ થ્રી લેયર અને મલ્ટિ ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ/ફ્લાય ઓવરબ્રિજનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે રવિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મનપા દ્વારા સહરા દરવાજા નજીક યોજાયેલા લોકાર્પણ સમારોહમાં સંબોધન કરતા સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરતનો જે ચારેબાજુ વિકાસ થયો અને વસતી પણ વધી તેની સાથે સાથે શહેરમાં શ્રેણીબદ્ધ રિવર બ્રિજ, ફ્લાયઓવર બ્રિજ પણ સમયસર બનતા રહ્યા તેના કારણે શહેરમાં અન્ય શહેરીની સરખામણીએ વાહન વ્યવહાર સરળ-સુગમ બન્યો છે. શહેરના 117મા બ્રિજના લોકાર્પણમાં ઉપસ્થિત કેન્દ્રીય રેલવે મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, સુરત શહેરે બ્રિજ નિર્માણમાં રેકોર્ડ કરીને દેશમાં આગવી ઓળખ ઊભી કરી છે તે બદલ સુરત મનપા અભિનંદનને પાત્ર છે.

હજુ તો ઉદ્દઘાટન થયાને 24 કલાકનો સમય પણ થયો નહોતો ત્યાં બ્રિજ પર પાનની પિચકારી મારી લોકો દ્વારા ગંદકી ફેલાવવાના દ્રશ્યો સામે આવ્યા છે. બ્રિજની રેલિંગ પર ત્રણથી વધુ ઠેકાણા પર પાનની પિચકારીના ડાઘા જોવા મળી રહ્યાં છે. એટલું જ નહીં કેટલાંક વાહનચાલકો જોખમી રીતે બ્રિજ પર રોંગસાઈડ પણ જતા જોવા મળ્યા છે.

આ બ્રિજના કારણે થનારા ફાયદા

  • રિંગ રોડ ફ્લાય ઓવરબ્રિજ પરથી સીધા સુરત-કડોદરા રોડ તરફ રેલવે લાઈન ક્રોસ કરીને જઈ શકાય તેમ હોય તેમજ શહેરના વરાછા વિસ્તાર થઈ સુરત-કામરેજ રોડ તરફ જવા માટે પણ અલગ રેમ્પ આપવામાં આવ્યો છે.
  • રિંગ રોડથી વરાછા વિસ્તાર થઈ સુરત-કામરેજ રોડ તરફ જવા માટે પણ એક નવી કનેક્ટિવિટી ઊભી થશે. રેલવે સ્ટેશન તરફથી સુરત-કડોદરા રોડ તરફ જતાં ટ્રાફિકને પણ આ બ્રિજનો ઉપયોગ કરી ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળી શકે તેમ છે.
  • સુરત-મુંબઈ રેલવે લાઈન ઉપર આવેલ રેલવે ગરનાળા 445માંથી પણ રસ્તા લેવલ વાહન વ્યવહાર બંને દિશામાં અવર જવર કરશે. ઉપરાંત ગરનાળાની ઉપરથી રેલવે મુંબઈ તરફ તેમજ સુરત તરફ બંને દિશામાં અવરજવર થઇ શકશે.
    ચોમાસામાં ગરનાળામા પાણી ભરવાથી કે અન્ય કારણોસર અવરોધાતા ટ્રાફિકની સમસ્યા હવે નહીં રહે.
    ત્રણેય લેયરમાં ટ્રાન્સપોર્ટ સુવિધા એકસાથે જોવા મળશે.

Most Popular

To Top