SURAT

લાગે છે પોલીસને નજીકનું દેખાતું નથી, સુરત રેલવે પોલીસ મથક પાછળ ચાલતો દારૂનો અડ્ડો સ્ટેટ વિજિલન્સે પકડ્યો

સુરત : (Surat) વિજીલન્સ (Vigilance) વિભાગે સુરત રેલવે પોલીસ સ્ટેશનની (Railway Police Station) પાછળ જ ધમધમતા દારૂના (Liquor) અડ્ડા ઉપર રેડ પાડી હતી. પોલીસે અહીંથી એક બુટલેગરને પકડીને રૂા.22 હજારની કિંમતનો દારૂ, એક મોબાઇલ તેમજ રોકડા રૂા. 8 હજાર મળી અંદાજીત 34 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.

સુરત રેલવે પોલીસ સ્ટેશનની બરાબર પાછળ આવેલા રેલવે પમ્પિંગ સ્ટેશનમાં દારૂ વેચાતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે સ્ટેટ વિજીલન્સ વિભાગે રેડ પાડીને ત્યાંથી રૂા.22 હજારનો દારૂ પકડ્યો હતો. અહીં આનંદકુમાર ઉર્ફે ભોલો કનૈયાલાલ મોર્ય નામનો બુટલેગર બિન્ધાસ્ત દારૂ વેચી રહ્યો હતો. કેટલાક લોકો ત્યાં દારૂ પીવા માટે પણ આવતા હતા. વિજીલન્સે આનંદકુમારને પકડી પાડ્યો હતો અને રોકડ સહિત 34 હજારનો મુદ્દામાલ કબજે લીધો છે. બીજી તરફ બરાબર રેલવે પોલીસ મથકની પાછળ જ ધમધમતા આ દારૂના અડ્ડા ઉપર રેલવે પોલીસની નજર કેમ ગઇ નહીં..? તે એક તપાસનો વિષય બન્યો છે. અસામાજીક તત્ત્વો અહીં જ નશો કરીને રેલવે સ્ટેશન તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં ગેરકાયદેસરની પ્રવૃતિઓ પણ કરતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ઉમરગામમાં દારૂના નશામાં બાંદ્રા-વાપી પેસેન્જર ટ્રેન ઉથલાવી પાડવા ટ્રેક પર પથ્થર મૂકનારા ઝડપાયા
વાપી : ઉમરગામ રેલવે સ્ટેશન પાસે ટ્રેક પર પથ્થર મૂકી બાંદ્રા- વાપી પેસેન્જર ટ્રેન ઉથલાવી પાડવાના બનાવમાં વાપી રેલવે પોલીસે કચરા વણતાં બે યુવક અક્ષય શીવરાજ હળપતિ અને નૂરમહંમદ શેખને પકડી પાડ્યા છે. આ બંને ઉમરગામના સ્થાનિક યુવકોએ દારૂના નશામાં આ કામ કર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં કબૂલ કર્યુ હોવાનું જાણવા મળે છે. વાપી રેલવે પોલીસે બંને આરોપીઓને બુધવારે સુરત રેલવે કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ બનાવની વિગત એવી છે કે, ઉમરગામ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક ઉપર ૨૭ એપ્રિલના સાંજે બાંદ્રા-વાપી પેસેન્જર ટ્રેન વાપી તરફ આવતી હતી ત્યારે ટ્રેક પર મોટો પથ્થર મૂકી દીધો હોવાથી ટ્રેનના એન્જિન સાથે પથ્થર ટકરાયો હતો. પથ્થર ટકરાવાને કારણે ટ્રેનના એન્જિનનું કેટલ ગાર્ડ તુટી ગયું હતું. ટ્રેનના ડ્રાઇવરે જાણ કરતા વાપી આરપીએફના અધિકારીઓ બનાવ સ્થળે ધસી ગયા હતા. તેમની સાથે ઉમરગામ રેલવે સ્ટેશન માસ્તર પણ પહોંચ્યા હતા.

આરપીએફના રાકેશકુમાર શર્માએ ફરિયાદ આપતા રેલવે પોલીસે આઇપીસી ૩૩૬ તેમજ રેલવે અધિનિયમની કલમ ૧૫૨ હેઠળ અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધ્યો હતો. આમ ટ્રેન ઉથલાવી પાડવાના ઇરાદે પથ્થર મૂકાયો હતો. આ બનાવમાં રેલવે પોલીસે ઉમરગામ રેલવે સ્ટેશન પરથી બે આરોપીને ઝડપી પાડી સુરત રેલવે કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ પ્રકરણમાં વાપી રેલવે પોલીસ વધુ તપાસ કરી રહી છે. જોકે આરોપીઓનો કોઈ ગુનાહિત ભૂતકાળ નહીં હોવાનું પોલીસ કહી રહી છે. આરોપીઓએ ટ્રેન આવવાની હતી તે પહેલા દારૂના નશામાં ટ્રેક પર પથ્થર રમત રમતમાં મૂકી દીધો હતો. જોકે એન્જિન સાથે પથ્થર ટકરાયો હોવા છતાં સદ્નસીબે કોઈ મોટી દુર્ઘટના નહીં થઈ હતી.

Most Popular

To Top