SURAT

સુરત: ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા જોવાનો સુરતીઓએ લ્હાવો લીધો

સુરત: (Surat) શહેરના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આજથી એટલેકે 20 સપ્ટેમ્બરથી 36મી નેશનલ ગેમ્સનો (National Games) દબદબાભેર પ્રારંભ થયો હતો. મંગળવારે બપોરે 11 વાગ્યાથી ઈન્ડોર સ્ટેડિયમમાં મહિલા અને પુરૂષ ટીમોની ટેબલ ટેનિસ (Table Tennis) સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. આ પહેલાં મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા આજે વહેલી સવારે જ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચીને સ્પર્ધા અંગેની તૈયારીઓ સંદર્ભેનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ ગેમ્સમાં રમવા માટે 115 ખેલાડી શહેરમાં પહોંચ્યા છે. તેમના માટે શ્રેષ્ઠ રહેવાની સુવિધાઓ સાથે રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર વેલકમ ડેસ્ક અને પિકઅપ અને ડ્રોપ માટેની પરિવહન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

  • શહેરના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આજથી 36મી નેશનલ ગેમ્સનો (National Games) દબદબાભેર પ્રારંભ
  • નેશનલ ગેમ્સમાં રમવા માટે 115 ખેલાડી શહેરમાં પહોંચ્યા
  • 24 સપ્ટેમ્બર સુધી યોજાનાર ટેબલ ટેનિસ સ્પર્ધામાં દેશના તમામ રાજ્યોના 43 મહિલા અને 42 પુરૂષ મળીને કુલ 85 ખેલાડીઓએ ભાગ લીધો

ગુજરાતમાં સુરત સહિત છ શહેરોમાં 36મી નેશનલ ગેમ્સ માટેની તડામાર તૈયારીઓ વચ્ચે આજથી સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસ સ્પર્ધાનો ભારે ઉત્સાહ વચ્ચે પ્રારંભ થયો હતો. આગામી 24 સપ્ટેમ્બર સુધી યોજાનાર ટેબલ ટેનિસ સ્પર્ધામાં દેશના તમામ રાજ્યોના 43 મહિલા અને 42 પુરૂષ મળીને કુલ 85 ખેલાડીઓએ ભાગ લીધો છે. આજે પહેલા જ દિવસે ત્રણ રાઉન્ડની સ્પર્ધામાં 24 મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ડોર સ્ટેડિયમમાં રાષ્ટ્રીયકક્ષાની ટેબલ ટેનિસની સ્પર્ધા જોવા માટે સુરતીઓમાં પણ ભારોભાર ઉત્સાહ જોવા મળ્યો હતો. લગભગ છ હજારથી વધુ નાગરિકો ઈન્ડોર સ્ટેડિયમમાં મેચ જોવા માટે પહોંચ્યા હતા.

જણાવી દઈએ કે રાજ્યનાં 6 શહેરમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં તા.20થી 24 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે. કુલ 85 ટેબલ ટેનિસ ખેલાડીઓ જેમાં 43 મહિલા અને 42 પુરુષ ખેલાડીઓ સાત ગોલ્ડ મેડલ માટે પાંચ દિવસ સુધી પોતાની આગવી રમત રમશે અને ગોલ્ડ જીતવા માટે સ્પર્ધા કરશે. જ્યારે તા.1થી 6 ઓક્ટોબર સુધી બેડમિન્ટન સ્પર્ધા યોજાશે. 20–24 સપ્ટેમ્બર દરમિયાન પીડીડીયુ ઈનડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસની રમત શરૂ થશે. ત્યારબાદ આ જ સ્થળે તા.1 ઓક્ટોબરથી બેડમિન્ટન સ્પર્ધા યોજાશે. બીજી તરફ ડુમસ બીચ ખાતે બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલનું આયોજન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top