SURAT

સુરતમાં ત્રણ વર્ષ પહેલા થયેલી હત્યાનું આવ્યું આવું પરિણામ

સુરત: (Surat) પાંડેસરામાં વડોદ ગામ વિસ્તારમાં આવેલા મહાવીરનગરમાં ત્રણ વર્ષ પહેલાં પતિની હત્યા (Murder) કરનાર પત્ની અને તેના પ્રેમીને (Lover) કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પરિણીતાએ પ્રેમીને પામવા ચાર સંતાનની નજર સામે જ પ્રેમી સાથે મળી પત્નીએ (Wife) પતિની હત્યા કરી  હતી.

  • પાંડેસરામાં પતિની હત્યા કરનારી પત્ની અને પત્નીના પ્રેમીને આજીવન કેદની સજા
  • પ્રેમીને પામવા પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી

કેસની વિગત એવી છે કે, પાંડેસરાના વડોદ ગામ વિસ્તારમાં આવેલા મહાવીરનગરમાં રહેતો પ્રેમચંદ સોનકર (ઉં.વ.35) મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતી. અહીં શાકભાજીનો વ્યવસાય કરીને પરિવારનું ભરણપોષણ કરતો હતો. તા.28 જાન્યુઆરી-2020ના રોજ સવારે પાંચ વાગ્યાના સમય દરમિયાન ચાર નકાબધારક ઇસમો ઘરમાં ઘૂસી આવી પ્રેમચંદના ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને હત્યા કરીને નાસી ગયા હતા. પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢી પ્રેમચંદની પત્ની સુધા (ઉં.વ.32)ની ધરપકડ કરી હતી. ચાર માસૂમ બાળકોની નજર સમક્ષ જ પત્નીએ પોતાના પ્રેમી સંતોષ પ્રજાપતિ સાથે મળીને પતિની હત્યા કરી હતી. માસૂમ બાળકોએ જ માતાની કરતૂત પોલીસને જણાવતાં પોલીસે સુધાની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું કે, બનાવની મધરાત્રે 1.30 વાગ્યે સંતોષ પ્રજાપતિ સુધાના રૂમમાં આવ્યો હતો. જેના કારણે પ્રેમંચદનો સંતોષ સાથે ઝઘડો થયો હતો. એ સમયે પત્ની સુધાએ પતિના બે હાથ પકડી રાખ્યા અને પ્રેમીએ પહેલા પ્રેમચંદને દોરીથી ગળે ટૂંપો આપ્યો ત્યાર પછી તેના માથામાં હથોડી મારી અને પ્રેમી સંતોષે  પ્રેમચંદ્રનું ગળું કાપી નાંખ્યું હતું. હત્યા કર્યા બાદ પત્ની ઘરને તાળું મારી ચાર સંતાનો સાથે સામેના રૂમમાં જ રહેતા પ્રેમી સંતોષના ઘરે ચાલી જઈ આખી રાત વિતાવી હતી. રૂમમાં પતિની લોહીથી લથપથ હાલતમાં લાશ પડી હતી.

વહેલી સવારે સંતોષ બેગ લઈને ફરાર થઈ ગયો ત્યાર પછી મહિલા તેના રૂમનું તાળું ખોલવા માટે પડોશીઓને વાત કરી હતી. જો કે, પડોશીએ ખોલવાની ના પાડતાં આખરે તેણે ઘરનો દરવાજો ખોલી બૂમાબૂમ કરી હતી. જેથી આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. રૂમમાં પતિની લોહીથી લથપથ હાલતમાં લાશ પડી હતી. પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરીને સુધા અને સંતોષની ધરપકડ કરી હતી. પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરતાં આ કેસ ઈન્સાફી કાર્યવાહી હેઠળ હતો. જે કેસ ચાલી કોર્ટે આરોપી સુધા સોનકર અને તેના પ્રેમી સંતોષ છોટેલાલ પ્રજાપતિને કસૂરવાર ઠેરવી આજીવન કેસની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

Most Popular

To Top