SURAT

સુરતની 190 શાળા અને 26 કોલેજમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાશે, 75 હજાર ઉમેદવાર હાજર રહેશે

સુરત: (Surat) રવિવારે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાશે. સુરતની 190 શાળા અને 26 કોલેજોમાં આ પરીક્ષા (Exam) યોજાશે, જેમાં 74,940 ઉમેદવાર હાજર રહેનાર છે. પેપર ફૂટે નહીં એ માટે ટ્રેકિંગ સિસ્ટમનો અમલ કરાશે. પેપરનું બંડલ સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા સેન્ટર સુધી પહોંચે, ત્યાં સુધી જીપીએસ (GPS) સિસ્ટમથી ટ્રેકિંગ કરાશે.

કલેક્ટર આયુષ ઓક તેમજ જિલ્લા શિક્ષણાધિકારી ડો.દીપક દરજીએ જણાવ્યું હતું કે, સુરત શહેર જિલ્લાનાં 216 પરીક્ષા કેન્દ્રમાં 74,940 ઉમેદવાર પરીક્ષા આપવાના છે. ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી સ્કૂલોની સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજોને પણ પરીક્ષા કેન્દ્ર બનાવાયાં છે. 190 શાળા અને 26 કોલેજમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાશે. 2,498 પરીક્ષા ખંડમાં 74,940 ઉમેદાવર હાજર રહેનાર છે. 216 પરીક્ષા કેન્દ્ર મુજબ 216 નિયામક, 216 બોર્ડ પ્રતિનિધિ અને 216 સીસીટીવી ઓબ્સવર્સ તેમજ 49 રૂટ સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ રૂટ સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે.

પેપર ફૂટે નહીં એ માટે પેપર ટ્રેકિંગ સિસ્ટમનો અમલ કરનારી છે. છેલ્લાં ત્રણેક વર્ષથી રાજ્ય પરીક્ષા બોર્ડ ધોરણ-10 અને 12ની મુખ્ય જાહેર પરીક્ષામાં પેપર ટ્રેકિંગ સિસ્ટમ અપનાવાઈ રહી છે. પેપરનાં બંડલો સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા સેન્ટર સુધી પહોંચે, ત્યાં સુધી જીપીએસ સિ સિસ્ટમથી ટ્રેકિંગ કરવામાં આવે છે. આટલું જ નહીં, પેપરનાં બંડલ ખોલતાં પહેલાં 6 બાજુથી ફોટા પાડી સોફ્ટવેરમાં અપલોડ કરાતા હોય છે. આ પછી પરીક્ષા પૂર્ણ થાય ત્યારે પણ ફોટો પાડીને અપલોડ કરવામાં આવે છે. આવી જ રીતે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં ટ્રેકિંગ સિસ્ટમનો અમલ કરાશે. પેપર ફૂટે નહીં એ માટે બોર્ડ પરીક્ષામાં પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેસિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓએ ઓળખપત્ર લાવવાનું રહેશે, ચહેરાનો ફોટો પાડી ખંડમાં પ્રવેશ અપાશે
પરીક્ષા આપનાર દરેક ઉમેદવારે ઓળખ માટે ફરજિયાતપણે પોતાનું ઓરિજિનલ ઈલેક્શન કાર્ડ કે ડ્રાઈવિંગ લાઇસન્સ કે પાનકાર્ડ કે પછી આધારકાર્ડમાંથી કોઈપણ એક ઓળખપત્ર સાથે લાવવાનું રહેશે. દરેક પરીક્ષા કેન્દ્રો પર ઉચ્ચ ગુણવત્તાવાળા સી.સી.ટી.વી. કેમેરા કે જેનાથી ઉમેદવારના ચહેરા વ્યવસ્થિત અને સ્પષ્ટ કેપ્ચર થાય એ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે.

પેપર ફોડવા જેવી પ્રવૃત્તિ કરવા ગયું તો એક કરોડનો દંડ અને 10 વર્ષની જેલ
ધ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મિન્સ) બિલ-૨૦૨૩ના કાયદા હેઠળ જો કોઈ અસામાજિક તત્ત્વો કે ઈસમો કે પછી સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરવામાં આવશે કે તેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતાં હોવાનું જણાશે તો કાયદાની જોગવાઈ મુજબ સાત વર્ષથી ઓછી નહીં તેટલી અને વધુમાં વધુ દસ વર્ષ સુધીની કેદ અને રૂ. એક કરોડના દંડને પાત્ર ઠરશે. પરીક્ષા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે યોજાય એ માટેની તમામ પ્રકારની તૈયારી જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.

Most Popular

To Top