Gujarat

પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર, 11.56 લાખ આવાસનું બાંધકામ પૂર્ણ

ગાંધીનગર: પ્રધાનમંત્રી આવાસ યોજનાના (Pradhan Mantri Awas Yojana) અમલીકરણમાં ગુજરાત (Gujarat) દેશના અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 11.56 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 7.50 લાખ આવાસો, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું છે.

શહેરી વિસ્તારના લોકોને ઝૂંપડપટ્ટીમાંથી મુક્ત કરવા તેમજ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોસાય તેવી કિંમતે ઘર મળી રહે તે હેતુથી પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) જાહેર કરી હતી. ત્યારબાદ, ગ્રામીણ વિસ્તારના લોકોને પોતાનું ઘરનું ઘર મળે તેવા ઉદ્દેશ્યથી વર્ષ 2016માં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અમલમાં મૂકવામાં આવી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્ય માટે અંદાજિત માંગ મુજબ 7.64 લાખ આવાસોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જેની સામે આજ દિન સુધીમાં કુલ 9.54 લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર થયેલ આવાસોમાંથી 7.50 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને બાકી રહેલા આવાસોની કામગીરી વિવિધ તબક્કાઓમાં પ્રગતિ હેઠળ છે. વર્ષ 2022-23 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 1 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે રૂ.1066 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં આજ દિન સુધીમાં વિવિધ યોજનાઓનું કન્વર્જન્સ કરીને માળખાગત સુવિધાઓ સાથે 4,06,000થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માટે આ યોજના હેઠળ કુલ રૂ. 4877.72 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. વર્ષ 2022-23 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 1,84,605 આવાસો બાંધવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે અંતર્ગત લાભાર્થીઓને રૂ.2215.26 કરોડની સહાય ચૂકવવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રાજય સરકાર દ્વારા મહિલા લાભાર્થીઓને ધ્યાનમાં રાખીને આવાસની સાથે સાથે બાથરૂમના બાંધકામ માટે પ્રતિ લાભાર્થી દીઠ રૂ.5000ની વધારાની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન 38,000થી વધુ લાભાર્થીઓને રૂ. 19.03 કરોડની સહાય ચૂકવવામાં આવેલ છે. આ ઉપરાંત, રાજય સરકાર દ્વારા પ્રથમ હપ્તાની ચુકવણી બાદ છ માસની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરનારા લાભાર્થીઓને ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના’ હેઠળ લાભાર્થી દીઠ રૂ.20,000ની પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન 22,500થી વધુ લાભાર્થીઓને રૂ. 45.13 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાની અમલવારીમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રસ્થાને છે. ગુજરાતમાં ક્રેડિટ લિંક સબસીડી ઘટક (શહેરી) હેઠળ 5.20 લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત અગ્રસ્થાને છે. વર્ષ 2022માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 7 કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી – ઇન્ડિયાના લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે ગુજરાતના રાજકોટની પસંદગી કરવામાં આવી છે, જ્યાં મોનોલિથિક કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આવાસો બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, રાજકોટ ખાતે EWS-2 પ્રકારના 39.77 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા કુલ 1144 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top