SURAT

સુરત: મોત સામે લડતા 14 વર્ષના પુત્રની સારવાર માટે માતાએ 19 લાખના હીરા ચોરી લીધા

સુરત (Surat): ગોડાદરામાં રહેતી મહિલાએ તેના 14 વર્ષિય પુત્રના (Son) બ્રેઇન હેમરેજની (Brain hemorrhage) સારવાર (Treatment) કરાવવા હીરાના કારખાનામાં (Diamond Factory) નોકરી કરી છેલ્લા દોઢ મહિનામાં જ 19 લાખના હીરાની ચોરી (Theft) કરી બજારમાં સસ્તા ભાવે વેચી દીધા હતા. પોલીસે આ મહિલા સામે ચોરીનો ગુનો નોંધી તેની ધરપકડ (Arrest) કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોડાદરા નહેર રોડ ઉપર રૂપસાગર રો હાઉસમાં રહેતા શૈલેષ મથુર છોટાળા કતારગામના વસ્તાદેવડી રોડ ઉપર શ્રી જ્વેલર્સના નામે હીરાનું કારખાનું ચલાવે છે, જેમાં તેઓએ હરિપુરા લીમડા શેરીમાં ધનલક્ષ્મી રેસિડેન્સીમાં રહેતી પ્રિયંકા વિકી સોલંકીને નોકરી ઉપર રાખી હતી. પ્રિયંકાનું કામ હીરાના સ્ટોકનો હિસાબ રાખવા, હીરા અલગ કરવા તેમજ હીરાને બોઇલ કરી આપવા ઉપરાંત ડેટા એન્ટ્રીનું કામ કરવાનું હતું. પ્રિયંકાને દર મહિને રૂ.15 હજાર પગાર પણ આપવામાં આવતો હતો. પ્રિયંકા દરરોજ હીરા તપાસી તેનો હિસાબ કરીને કારખાનાના ચોથા માળે સેઇફ રૂમમાં મૂકવા જતી હતી. પરંતુ છેલ્લા દોઢ મહિનાથી હીરાની ચોરી થતી હોવાની શંકા ગઇ હતી.

દરમિયાન ઓફિસના મેનેજર લાલજી કલસરિયાએ પ્રિયંકાની પાસે હીરાના પેકેટ મંગાવ્યાં હતાં, જેમાં એક હીરાના પેકેટમાં 5.37 કેરેટ હીરા ઓછા જોવા મળ્યા હતા. ત્યારબાદ લાલજીભાઇએ છેલ્લા દોઢ મહિનાનો તમામ હિસાબ ચેક કરતાં તેમાંથી રૂ.19.09 લાખની કિંમતના 31.50 કરેટ હીરા ઓછા જોવા મળ્યા હતા. આ બાબતે પ્રિયંકાને તેના પતિની હાજરીમાં કડકાઇપૂર્વક પૂછવામાં આવતાં તેણીએ કહ્યું કે, આ તમામ હીરા તેને ચોરી લીધા હતા. રાત્રે સેઇફ બોક્સમાં મૂકવાને બદલે પ્રિયંકા હીરા ઘરે લઇ જતી હતી.

આ બનાવ અંગે કતારગામ પોલીસે પ્રિયંકાની સામે ચોરીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. કતારગામ પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રિયંકાના 14 વર્ષિય પુત્રને બ્રેઇન હેમરેજ થયું છે, અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રિયંકાનો પતિ વિકી ભાગળની જ્વેલર્સમાં કામ કરે છે, અને પ્રિયંકા પણ કમાણી કરે છે. પરંતુ આ બંનેની કમાણી દવાખાનામાં ઓછી પડતી હતી. પુત્રને સાજો કરવાની ઝંખનાને લઇ પ્રિયંકાએ કારખાનામાંથી હીરા ચોરી કરીને તેને બજારમાં સસ્તા ભાવે વેચી દીધા હતા અને તે રૂપિયા દવાખાનામાં વાપર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પ્રિયંકાની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

Most Popular

To Top