Madhya Gujarat

ઇસરો સ્પાય કેસ : જેણે એક પ્રતિભાશાળી વિજ્ઞાનીની કારકીર્દિ ખતમ કરી

ભારતનું પોલીસતંત્ર અને રાજકારણીઓ ઘણી વખત પોતાનો કોઈ એજન્ડા સિદ્ધ કરવા માટે નિર્દોષ લોકોને જૂઠા કેસમાં ફસાવી દેતું હોય છે, જેને કારણે તેમની જિંદગી બરબાદ થઈ જતી હોય છે, પણ જૂઠો કેસ કરનારા અધિકારીઓને કોઈ સજા નથી થતી. ભારતનું ન્યાયતંત્ર પણ એટલું ઢીલું અને ધીમું છે કે તે કોઈની જિંદગી બરબાદ કરનારા સરકારી કર્મચારીઓનો ઝડપી ન્યાય તોળી શકતું નથી.

ભારતના મીડિયાને સનસનાટી મચાવવામાં એટલો રસ છે કે કોઈ પણ તથાકથિત કૌભાંડ બહાર આવે ત્યારે તેનું સત્ય ચકાસ્યા વગર મીડિયા ટ્રાયલ ચલાવે છે અને આરોપી કોર્ટમાં અપરાધી પુરવાર થાય તે પહેલાં તેને સજા ફરમાવી દે છે. કોર્ટના ખટલામાં કોઈ આરોપી નિર્દોષ પુરવાર થાય તો પણ સરકાર તેણે જેટલાં વર્ષો જેલમાં ગાળ્યાં હોય તે પાછાં આપી શકતી નથી. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘રોકેટરી : ધ નામ્બી ઇફેક્ટ’માં ઇસરોના ભૂતપૂર્વ વિજ્ઞાની નામ્બી નારાયણનની જિંદગીની સાચી ઘટનાની દર્દનાક છણાવટ કરવામાં આવી છે.

ઇસરો સ્પાય કેસ તરીકે જાણીતા થયેલા પ્રકરણનો પ્રારંભ ૧૯૯૪ ના ઓક્ટોબરમાં થયો હતો, જ્યારે મરિયમ રશીદા નામની માલદીવી મહિલાની કેરળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મરિયમ રશીદા તેની મિત્ર ફૌઝિયા હુસૈન ત્રિવેન્દ્રમની હોટેલ સમ્રાટમાં રહેતાં હતાં. મરિયમના વીસાની મુદત વીતી ગઈ હતી, તો પણ તે ભારતમાં રહેતી હતી. મરિયમે વીસાની મુદ્દત વધારવા પોલીસનો સંપર્ક કર્યો તો તેની ધરપકડ કરવામાં આવી હતી.

મરિયમનું કહેવું હતું કે તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વળી માલદીવમાં પ્લેગનો ડર હોવાથી માલદીવ જતી ફ્લાઇટો બંધ હોવાથી તેને ભારતમાં વધુ રહેવાની ફરજ પડી હતી. કેરળની પોલીસે તેની દલીલો સાંભળી નહોતી અને તેનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો. મરિયમે પાછળથી આક્ષેપ કર્યો હતો કે ઇન્સ્પેક્ટર એસ. વિજયને તેની જાતીય સતામણી કર્યા પછી તેની ધરપકડ કરી હતી.

મરિયમની ધરપકડના થોડા દિવસ પછી તેની સહેલી ફૌઝિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી અને કેરળની પોલીસ દ્વારા ચોંકાવનારી જાહેરાત કરવામાં આવી હતી કે તેમના દ્વારા જાસૂસીનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે, જેમાં ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના કેટલાક વિજ્ઞાનીઓ પણ સંડોવાયેલા છે. આ કેસની તપાસ માટે એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) ની રચના કરવામાં આવી હતી, જેના વડા કેરળના તત્કાલીન ડીઆઇજી સિબી મેથ્યુઝ હતા.

ભારતની જાસૂસી સંસ્થા ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી) પણ આ કેસની તપાસમાં જોડાઈ ગઈ હતી. તેમણે શોધી કાઢ્યું હતું કે માલદીવની મહિલાઓ દ્વારા તેમના હોટેલ રૂમમાંથી ઇસરોના લિક્વિડ પ્રોપલ્ઝન સિસ્ટમ સેન્ટરના પ્રોટો ફેબ્રિકેશન વિભાગના જનરલ મેનેજર સસીકુમારનની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછના આધારે તેમના ઉપરી અધિકારી નામ્બી નારાયણનની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેઓ તે સમયે ઇસરોના ક્રાયોજેનિક એન્જિન પ્રોજેક્ટના વડા હતા. નામ્બી નારાયણનની ધરપકડ પછી કેરળની પોલીસે કહ્યું હતું કે તેઓ આ કેસ હેન્ડલ કરવાને સક્ષમ નથી; માટે ૧૯૯૪ ના ડિસેમ્બરમાં તે કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો. આ દરમિયાન મીડિયામાં આ કેસની જોરદાર ચર્ચા ચાલુ થઈ ગઈ હતી.

કેરળની પોલીસ દ્વારા એવી વાર્તા ઘડી કાઢવામાં આવી હતી કે ‘‘માલદીવની મહિલાઓ દ્વારા સસીકુમારન અને નામ્બી નારાયણનને હની ટ્રેપમાં ફસાવી દેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ઇસરોને લગતા ટોચના ખાનગી દસ્તાવેજો કઢાવી લેવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોમાં ભારતના વિકાસ નામના રોકેટ એન્જિનની ડિઝાઇન, ક્રાયોજેનિક એન્જિનની વિગતો વગેરેનો સમાવેશ થતો હતો. ઇસરોના વિજ્ઞાનીઓ દ્વારા આ સંવેદનશીલ માહિતી પાકિસ્તાનના એક અણુવિજ્ઞાનીને પહોંચતી કરવામાં આવી હતી, જેણે ભારતના વિજ્ઞાનીઓને લાખો ડોલર આપ્યા હતા.’’

આ સ્ટોરીની સચ્ચાઈ તપાસ્યા વિના મીડિયા તેમાં કૂદી પડ્યું હતું. ડાબેરી પક્ષોના કન્ટ્રોલમાં રહેલા મીડિયા દ્વારા તત્કાલીન કોંગ્રેસી મુખ્ય પ્રધાન કે. કરુણાકરન અને તત્કાલીન સધર્ન રેન્જ આઇજી શ્રીવાસ્તવ પર પણ આરોપીઓનો બચાવ કરવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. શ્રીવાસ્તવનો ગુનો એટલો હતો કે તેઓ માલદીવી મહિલાને અગાઉ મળ્યા હતા. તેઓ મુખ્ય પ્રધાન કરુણાકરનની નજીક હતા અને તેમનો ભાઈ તત્કાલીન વડા પ્રધાન નરસિંહ રાવની ઓફિસમાં કામ કરતો હતો. કે. કરુણાકરનને તો રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી.

સીબીઆઈના હાથમાં કેસ આવ્યા પછી તરત તેમને ખ્યાલ આવી ગયો હતો કે નામ્બી નારાયણન સામેનો કેસ ખોટો છે અને ઉપજાવી કાઢવામાં આવેલો છે. ત્યાં સુધી નામ્બી નારાયણન બે મહિના જેલમાં રહી ચૂક્યા હતા. તેમને ૧૯૯૫ ના જાન્યુઆરીમાં જામીન પર છોડવામાં આવ્યા હતા, પણ તેમની સામેનો કેસ ચાલુ જ રહ્યો હતો. બીજા ૧૬ મહિના સુધી કોર્ટના ચક્કર કાપ્યા પછી સીબીઆઇની કોર્ટે છએય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. સીબીઆઇના ૧૦૪ પાનાંના ક્લોઝર રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે સમગ્ર કેસ જૂઠો અને ઉપજાવી કાઢવામાં આવેલો હતો.

હવે સવાલ એ થતો હતો કે જો નામ્બી નારાયણન સામેના આક્ષેપો જૂઠા હતા તો તે આક્ષેપો શા માટે કરવામાં આવ્યા હતા? કોના દ્વારા કરવામાં આવ્યા હતા? તેની પાછળ આક્ષેપો કરનારાનો શું સ્વાર્થ હતો? તેના જવાબમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે ૧૯૯૦ ના દાયકામાં ભારતે ક્રાયોજેનિક એન્જિનની ટેકનોલોજીનો વિકાસ કરવા માટે રશિયા સાથે કરારો કર્યા હતા, જેનો અમેરિકા વિરોધ કરતું હતું. તેને કારણે સરકારે ઇસરોને ક્રાયોજેનિક એન્જિનનો વિકાસ કરવાનું કાર્ય ઇસરોને સોંપ્યું હતું, જે પ્રોજેક્ટના વડા નામ્બી નારાયણન હતા. નામ્બી નારાયણનને લાગે છે કે ભારતના ક્રાયોજેનિક એન્જિન બનાવવાના પ્રોજેક્ટને તોડી પાડવાના અમેરિકાનાં કાવતરાંના ભાગરૂપે તેમની ધરપકડ કરવામાં આવી હતી? તો શું પેલી માલદીવી મહિલાને અમેરિકા દ્વારા ભારત મોકલવામાં આવી હતી? કેરળની પોલીસ અમેરિકાના ઇશારા પર કામ કરતી હતી?

સીબીઆઈ દ્વારા નામ્બી નારાયણનને ક્લિન ચીટ મળ્યા પછી પણ તેમની યાતનાનો અંત આવ્યો નહોતો. કોંગ્રેસને હરાવી કેરળમાં સત્તા પર આવેલી ડાબેરી સરકારે તે કેસ ફરીથી ખોલાવ્યો હતો. ૧૯૯૮ માં સુપ્રિમ કોર્ટે કેરળ સરકારનો કેસ ક્વોશ કર્યો હતો. હવે બદલો લેવાનો નિર્ણય નામ્બી નારાયણને કર્યો હતો. તેમણે કેરળ હાઈ કોર્ટમાં કેસ કર્યો હતો કે તેમને ખોટા કેસમાં ફસાવી દેનારા પોલીસ અધિકારીઓને જેલમાં નાખવામાં આવે અને તેમને વળતર ચૂકવવામાં આવે. છેક ૨૦૧૨ ના સપ્ટેમ્બરમાં આ કેસનો ચુકાદો આવ્યો હતો.

હાઈ કોર્ટે તેમને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. કેરળ સરકાર તેની સામે સુપ્રિમ કોર્ટમાં ગઈ હતી. સુપ્રિમ કોર્ટે વળતરની રકમ વધારીને ૫૦ લાખ કરી આપી હતી. આ કાવતરાંની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં કેરળ પોલીસના અને આઇબીના ૧૮ અધિકારીઓ સામે કેસ કરવાની ભલામણ કરવામાં આવી હતી. તેમાંના એક પણ આરોપીની આજ દિન સુધી ધરપકડ કરવામાં આવી નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top