SURAT

સુરત લવ જેહાદ: સગીરા સાથે લગ્ન કર્યા બાદ યુવકે કહ્યું, તારે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવો પડશે

સુરત: (Surat) સુરતમાં લવ-જેહાદનો (Love Jehad) બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પુણામાં રહેતી એક સગીરાને મુસ્લિમ યુવકે હિન્દુ (Muslim Hindu) નામ આપીને તેને લગ્નની લાલચે વડોદરા ભગાડી ગયા બાદ લગ્ન કરી લીધા હતા. વડોદરાના કરજણ પાસે એક વીલામાં આ યુવકે સગીરાને કહ્યું કે, હું મુસલમાન છું અને તારે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવો પડશે. આ વાત સાંભળીને સગીરા પણ ચોંકી ઉઠી હતી. બનાવ અંગે મુસ્લિમ યુવકની સામે પુણા પોલીસમાં (Police) ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પુણાગામ નારાયણ નગર પાસે મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતો મહંમદ ઉર્ફે રાહુલ પટેલ અલીભાઇ મલીક ફોટોગ્રાફીના કામ સાથે સંકળાયેલો છે. સોસીયલ મીડિયા ઇન્સ્ટ્રાગ્રામ ઉપર તેની મુલાકાત પુણાગામમાં જ રહેતી સગીરાની સાથે થઇ હતી. આ સગીરા અને રાહુલની વચ્ચે મિત્રતા બાદ પ્રેમસંબંધ પણ થયો હતો. રાહુલે સગીરાને લગ્નની લાલચ આપીને વડોદરા નજીક કરજણ પાસે આવેલા ઓસ્ટીલા ધ વીલામાં લઇ ગયો હતો. અને ત્યાં થોડો સમય રાખ્યા બાદ તેની સાથે લગ્ન કર્યા હતા અને શરીરસંબંધ પણ બાંધ્યો હતો.

લગ્ન કરી લીધા બાદ રાહુલે સગીરાને કહ્યું કે, ‘‘હું મુસલમાન છું, તારે મુસલમાન ધર્મ અંગિકાર કરવો પડશે, સવાર-સાંજ નમાઝ પઢવી પડશે અને બુરખો પણ પહેરવો પડશે’’. આ વાત સાંભળીને સગીરા ચોંકી ઉઠી હતી. બે-ત્રણ દિવસ બાદ તક મળતા જ સગીરા ત્યાંથી ભાગી છૂટી હતી અને બસ મારફતે સુરત આવી પહોંચી હતી. બનાવ અંગે પરિવારને જાણ કરતા પોલીસે મહમદ ઉર્ફે રાહુલ પટેલની સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ (સુધારા) 2021ની કલમ-4 મુજબ ગુનો નોંધીને મહંમદની ધરપકડ પણ કરી હતી.

મહંમદે રાહુલ નામ ધારણ કરીને હાથમાં ટેટુ પણ બનાવ્યું હતું
પોલીસના જણાવ્યા પ્રમાણે મહંમદે રાહુલ નામનું ટેટુ બનાવ્યું હતું. તે મુસલમાન હોવા છતાં પણ રાહુલ નામ ધારણ કર્યું હતું અને સોશિયલ મીડિયા ઇન્સ્ટ્રાગ્રામ ઉપર પોતાની આઇડી બનાવી હતી. આ આઇડીના આધારે સગીરા અને મહંમદ ઉર્ફે રાહુલ પટેલની મુલાકાત થઇ હતી. બાદમાં મહંમદે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. પોતાની વિવિધ વાતોમાં ભોળવી દઇને રાહુલે સગીરાને સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

દોઢ મહિના પહેલા જ સગીરાની મિસિંગની ફરિયાદ નોંધાઇ હતી
મહંમદ ઉર્ફે રાહુલ પટેલ સગીરાને એક-દોઢ મહિના પહેલા પુણા વિસ્તારમાંથી અપહરણ કરીને લઇ ગયો હતો. સગીરા ગુમ થવા અંગે પુણા પોલીસમાં મીસીંગની ફરિયાદ પણ નોંધાઇ હતી. જો કે, પોલીસ સગીરાને શોધી શકી ન હતી. ત્યાં જ સગીરા એક-દોઢ મહિનાના સમયગાળા બાદ જાતે જ ઘરે આવી પહોંચી હતી, પરિવારને આ સમગ્ર ઘટના કહેતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. આ બાબતે મહંમદની સામે લવજેહાદની ફરિયાદ કરવામાં આવી હતી.

Most Popular

To Top