National

પેટ્રોલના ભાવ ઘટતા આ લોકોની દિવાળી બગડી, રાતોરાત થયું 1000 કરોડનું નુકસાન: કહ્યું, અમારી સાથે સરકારે દગો કર્યો

કેન્દ્ર સરકારે દેશના કરોડો વાહનચાલકોને દિવાળીની (Diwali) ભેટ આપી છે. બુધવારે રાત્રે સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં (Excise Duty) ઘટાડો જાહેર કર્યો છે. આ સાથે જ રાજ્ય સરકારોએ પણ વેટમાં (Vat) રાહત જાહેર કરી છે, જેના લીધે દેશના વિભિન્ન શહેરોમાં પેટ્રોલ (Petrol) અને ડીઝલની (Diesel) કિંમતમાં 10થી 12 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે, જે આજે ગુરુવારે દિવાળીના દિવસથી અમલી બન્યો છે. ભાજપ પેટાચૂંટણીમાં હારી ગયું એટલે ભાવ ઘટાડ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે, તો બીજી તરફ દેશમાં એક એવી કોમ્યુનિટી છે જે આ ભાવઘટાડાથી નારાજ છે. આ લોકોને સીધેસીધું લાખો કરોડોનું નુકસાન થયું છે.

સરકારે મોડી જાહેરાત કરતાં દ.ગુજરાતના પંપડીલર્સને 1000 કરોડનું નુકસાન થયું

સુરતના એક પંપ ડીલર્સે (Dealers) બળાપો કાઢતાં કહ્યું કે, સરકારે દેશના લાખો પંપડીલર્સની દિવાળી બગાડી નાંખી છે. બે-ત્રણ દિવસ દિવાળીની રજાના લીધે ઓઈલ કંપનીઓ (Oil Company) બંધ રહેવાની હોય બુધવારે દેશભરના ડીલર્સે ત્રણથી ચાર દિવસ ચાલે એટલો પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખરીદી લીધો હતો, જે જૂના 105 અને 106ના ભાવના હતા. સરકારે બુધવારે મોડી રાત્રે જાહેરાત કરી એટલે હવે સ્થિતિ એવી ઉભી થઈ છે કે 105ના ભાવે ખરીદેલું ડીઝલ 89ના ભાવે વેચવું પડશે. આ આખોય બોજો ડીલર્સના માથા પર આવી ગયો છે. સરકાર વાહવાહી લૂંટે છે અને નુકસાન ડીલર્સે ભોગવવાનો વારો આવ્યો છે. ખરેખર જો સરકાર દિવાળી ભેંટ આપવા માંગતી હતી તો મંગળવારે જ જાહેરાત કરી દેવી જોઈતી હતી.

સુરતમાં 56 અને દક્ષિણ ગુજરાતમાં 178 પંપ છે. આ તમામ ડીલર્સે દિવાળીની રજાના લીધે 3થી 4 ગાડીઓ ઉતરાવી આખી ટાંકી ફૂલ કરાવી હતી. એક ગાડીમાં 20 હજાર લિટર પેટ્રોલ હોય. એક ગાડી પર ડીલર્સને 2 લાખનું સરેરાશ નુકસાન થયું છે તે જોતાં એક પંપડીલર્સને 5 લાખનું એવરેજ નુકસાન થયું છે.

સુરતમાં હવે નવા ભાવ આ મુજબ છે.

ડીઝલના જૂના ભાવ 105.99 હતા તે હવે 16.98 રૂપિયા ઘટીને 89.01 થયા છે. તો બીજી તરફ પેટ્રોલની કિંમત 109.40 હતી તે ઘટીને 95.01 થઈ છે.

સરકારે પેટ્રોલ પર 5 અને ડિઝલ પર લિટરે 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી

વાત જાણે એમ છે કે, સરકારે બુધવારે રાત્રે પેટ્રોલ અને ડિઝલના આસમાને આંબતા ભાવોને ઘટાડવા માટે પેટ્રોલ પર લિટરે રૂ. 5 અને ડિઝલમાં લિટરે રૂ. 10 એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. આ એક્સાઇઝ ડ્યુટી ઘટાડો 4થી નવેમ્બરથી અમલી બનાવાયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ હાલ રૂ. 110.04 છે એ ઘટીને રૂ. 105.04 અને ડિઝલના રૂ. 98.42થી ઘટીને રૂ. 88.42 થશે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારત સરકારે આવતી કાલથી પેટ્રોલ અને ડિઝલ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી અનુક્રમે લિટરે રૂ. 5 અને 10 ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ એ મુજબ ઘટી જશે. નિવેદનમાં જણાવાયું કે રાજ્યોને પણ ગ્રાહકોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડિઝલ પરનો વેટ સાથે સાથે ઘટાડવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે વેટમાં ઘટાડો કર્યો

કેન્દ્ર સરકારના અનુરોધના પગલે ગુજરાત સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો છે. પેટ્રોલ પર અત્યાર સુધી 20.10 ટકા વેટ હતો તે ઘટાડી 13.7 ટકા કરાયો છે, જ્યારે ડીઝલમાં 20.2 ટકા વેટ હતો તે હવે ઘટાડીને 14.9 ટકા કરી દેવાયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ભાવ ઘટાડતા પેટ્રોલ પર 12 અને ડીઝલ પર 17 રૂપિયાનો લોકોને ફાયદો થયો છે. છેલ્લા કેટલાંક સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઑઇલના ભાવો વધતા પેટ્રોલ અને ડિઝલના ભાવ નીત નવા રેકોર્ડ સર્જી રહ્યા હતા. તમામ મોટા શહેરોમાં પેટ્રોલ 100ને પાર છે જ્યારે દોઢ ડઝન રાજ્યોમાં ડિઝલના ભાવ 100ને પાર છે. વિપક્ષે સરકારની આકરી ટીકાઓ કરી હતી.

Most Popular

To Top