National

કેરળમાં વેસ્ટ નાઇલ ફીવરનો પ્રકોપ, ત્રણ જિલ્લામાં એલર્ટ જારી

કોઝિકોડ: અમેરિકામાં કોરોનાના ફ્લર્ટ વેરિઅન્ટના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે વિશ્વભરમાં ફરી કોવિડનો ખતરો મંડરાઈ રહ્યો છે. દરમિયાન ભારતના કેરળમાં (Kerala) વેસ્ટ નાઇલ વાયરસના (West Nile virus) કેસ નોંધાઈ રહ્યા છે. કેરળના ઘણા જિલ્લાઓમાં આ વાઇરસના કેસ નોંધાયા છે. જેના કારણે કેરળનું આરોગ્ય વિભાગ (Department of Health) પણ આ અંગે એલર્ટ પર છે.

વેસ્ટ નાઇલ વાયરસ એ મચ્છરજન્ય રોગ છે જે સામાન્ય રીતે ચેપગ્રસ્ત મચ્છરોના કરડવાથી ફેલાય છે. ત્યારે આ રોગના લક્ષણો લોકોમાં દેખાયા બાદ હાલમાં ચેપગ્રસ્ત દર્દીઓને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કેરળના આરોગ્ય વિભાગે લોકોને તાવના લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવા જણાવ્યું હતું. જોકે વેસ્ટ નાઈલના ગંભીર લક્ષણો અત્યારે દેખાઈ રહ્યા નથી, પરંતુ નિષ્ણાતોએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

કેરળમાં વેસ્ટ નાઈલ ફીવરને લઈને રાજ્ય સરકાર એલર્ટ પર છે. ત્યારે ગયા અઠવાડિયે મળેલી આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રીએ ચોમાસા પૂર્વે સફાઈની પ્રવૃત્તિઓને વધુ સઘન બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ જિલ્લા તબીબી અધિકારીઓને ગતિવિધિઓ વધુ તીવ્ર બનાવવા સૂચના આપવામાં આવી હતી.

તાવથી બચવા માટે જાગૃતિ અભિયાન શરૂ
જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે સંકલિત પ્રવૃત્તિઓ હાથ ધરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ વેક્ટર કંટ્રોલ યુનિટે વિવિધ ભાગોમાંથી સેમ્પલ એકત્ર કર્યા હતા અને તેમને પરીક્ષણ માટે મોકલ્યા હતા. આ ઉપરાંત તાવથી બચવા માટે જાગૃતિ પ્રવૃતિઓને વધુ મજબૂત કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બાબતે રાજ્યકક્ષાના મંત્રીએ જનતા એવી પણ વિનંતી કરી હતી કે કોઈપણ વ્યક્તિને તાવ કે અન્ય લક્ષણો હોય તેણે તાત્કાલિક સારવાર લેવી જોઇયે.

કેરળમાં 10 કેસ નોંધાયા છે
સમગ્ર મામલે બુધવારે માહિતી સામે આવી હતી કે કોઝિકોડ અને મલપ્પુરમ જિલ્લામાં પશ્ચિમ નાઇલ વાયરસના ચેપના ઓછામાં ઓછા 10 કેસ નોંધાયા હતા. ઉત્તર કેરળના બંને જિલ્લામાં પાંચ-પાંચ કેસ નોંધાયા હતા. ચેપગ્રસ્ત 10માંથી 9 સ્વસ્થ થયા છે જ્યારે એક વ્યક્તિ હાલ કોઝિકોડની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વેસ્ટ નાઇલ વાયરસ શું છે?
વેસ્ટ નાઇલ વાયરસ એ મચ્છરજન્ય રોગ છે, જે સામાન્ય રીતે ચેપગ્રસ્ત મચ્છરોના કરડવાથી ફેલાય છે. આ વાઇરસ વિવિધ પ્રજાતિઓ દ્વારા ફેલાતો રોગ છે, જેમાં પ્રાથમિક પ્રજાતિ ક્યુલેક્સ પિપિયન્સ છે. વેસ્ટ નાઇલ વાયરસ વ્યક્તિના શરીરમાં થોડા દિવસોથી કેટલાક અઠવાડિયા સુધી રહી શકે છે. આ વાયરસથી સંક્રમિત 80 ટકા લોકોમાં કોઈ લક્ષણો દેખાતા નથી. તેમજ ભાગ્યે જ કિસ્સાઓમાં કાયમી ન્યુરોલોજીકલ નુકસાન પણ કરી શકે છે.

Most Popular

To Top