SURAT

પયગંબર મોહમ્મદ સાહેબના જન્મ દિવસ નિમિત્તે સુરતમાં નિકળ્યું ભવ્ય ઇદે-મિલાદુન્નબીનું જુલૂસ

સુરત: (Surat) શહેરમાં શુક્રવારે ઇદે-મિલાદુન્નબીનાં (Eid-e-Miladunnabi) પ્રસંગે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતું. ઝાંપાબજારથી શરૂ થઈ આ જુલૂસ બડેખા ચકલા હઝરત ખ્વાજા દાના સાહેબની દરગાહ ખાતે પૂર્ણ થયું હતું. શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નિકળેલ આ જુલૂસમાં લગભગ એક લાખથી વધુ મુસ્લિમ (Muslim) બિરાદરો શામેલ થયા હતા. જુલૂસ દરમ્યાન ભાગળ ખાતે અસરની તેમજ ભાગળ ખાતે મગરિબની નમાઝ પઢવામાં આવી હતી. જાહેર માર્ગ પર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ પઢાતા માહોલ ભક્તિમય બન્યું હતું.

સુરત શહેરમાં ગુરુવાર 28 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન તેમજ ઇદ-એ-મિલાદનો પર્વ એક સાથે ઉજવાયો હતો. જોકે ગુરુવારે ઇદ-એ-મિલાદનું જુલૂસ કાઢવામાં આવ્યું ન હતું. એકજ દિવસે બંને પ્રસંગ હોવાથી રાજમાર્ગ પર બંને જુલૂસ એક સાથે શક્ય ન હોવાથી સુરતની સિરાતુન્નબી કમિટી, મુસ્લિમ સમાજના આગેવાનો અને ધર્મગુરુઓએ ઇદે-મિલાદુન્નબીનું જુલૂસ બીજા દિવસે કાઢવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે મુસ્લિમ સમાજે વર્ષો જુની પરંપરાને કાયમ રાખી જુલૂસ કાઢ્યું હતું.

શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી જુલૂસ સ્વરૂપે મુસ્લિમ બિરાદરો ઝાંપાબજાર ખાતે પહોંચ્યા હતા. અહીં ઝાંપાબજાર ઇસ્તેગબાલ કમિટી દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. આ અવસરે સુરતના મેયર દક્ષેશ મેવાણી, પોલીસ કમિશનર અજય તોમર, પૂર્વ મેયર કદીર પીરઝાદા, ધારાસભ્ય અરવિંદ રાણા, સિરાતુન્નબી કમિટીના પ્રમુખ સૈયદ સિરાજ શાહબુદ્દીન તેમજ અન્ય સામાજીક અગ્રણીઓએ સાંજે 4.30 કલાકે જુલૂસને પ્રસ્થાન કરાવ્યું હતું. ઝાંપા બજાર ટાવર થઈ જુલૂસ નાત શરીફ અને દુરૂદ શરીફ પઢતા પઢતા ભાગળ ચાર રસ્તા ખાતે પહોંચ્યું હતું જ્યાં સમાજ સેવી સંસ્થાઓ દ્વારા જુલૂસનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ જુલૂસ ચૌટાપુલ થઈ ભાગાતળાવ ખાતે પહોંચ્યું હતું જ્યાં મગરીબની નમાઝ પઢવામાં આવી હતી. અહીંથી જુલૂસ ચોક સ્થિત કમાલગલી થઈ બડેખાં ચકલા ખાતે હઝરત ખ્વાજા દાના સાહેબની દરગાહ ખાતે પૂર્ણ થયું હતું. જુલૂસમાં લગભગ એક લાખ લોકો જોડાયા હતા.

Most Popular

To Top