National

550 કી.મી. સુધી ચાલુ ટ્રેનમાં સફાઈકર્મીએ કરી યુવતીની છેડતી, યુવતીએ આખી રાત ભયમાં કાઢી

નવી દિલ્હી: ટ્રેનમાં યુવતીની છેડતીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લખનઉ સ્ટેશનથી મુઝફ્ફરપૂર સ્ટેશન સુધી 550 કી.મી. સુધી ટ્રેનમાં યુવતી સાથે છેડતી કરાઈ હતી. મહત્વની વાત એ છે કે યુવતી સાથે ટ્રેનના સફાઈકર્મી દ્વારા છેડતી કરાઈ હતી. યુવતીએ આખી રાત લગભગ 12 કલાક ભયમાં કાઢ્યા હતા. અંતે આરોપી સફાઈ કર્મીની મુઝફ્ફરપૂર સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી યુવતીને લખનઉથી હાજીપુર સુધી છેડતો રહ્યો હતો.

ચાલુ ટ્રેનમાં યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. યુવતી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેન (garib rath express train) માં પરીક્ષા આપવા જાલંધરથી બિહારના મોતીહાર જઈ રહી હતી ત્યારે ટ્રેનમાં હાજર એક સફાઈ કર્મીએ યુવતી સાથે છેડતી કરી હતી. આરોપી સફાઈકર્મી લખનઉ સ્ટેશનથી હાજીપુર સ્ટેશન સુધી યુવતીની છેડતી કરતો રહ્યો હતો. અંતે આરોપી મુઝ્ફ્ફરપુર સ્ટેશન ઉપર ઝડપાયો હતો. આ દરમિયાન યુવતીએ 12 કલાક સુધી ભયમાં મુસાફરી કરી હતી. જણાવી દઈએ કે લખનઉથી મુઝફ્ફરપુરનું અંતર 550 કી.મી.થી પણ વધુ છે.

પીડિતા જાલંધરમાં એ.એન.એમ.નો અભ્યાસ કરે છે. સ્વાસ્થ્ય વિભાગની પરીક્ષા આપવા માટે યુવતી પોતાની મિત્ર સાથે મોતીહાર જઈ રહી હતી. જેથી તે જાલંધર-સાહરસા ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. બધુ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ લખનઉ આવતા એક સફાઈકર્મીની ગંદી નજર યુવતી ઉપર પડી અને અહીંથી જ સફાઈ કર્મીએ યુવતીને હેરાન કરવાનું શરુ કરી દીધું હતું. સૂત્રોના કહ્યા અનુસાર આરોપી યુ.પીના આગરા જિલ્લાના પિનાહટ થાણા ક્ષેત્રમાં અર્જુનપુર ગામમાં રહે છે. તેનું નામ સૌરભ શર્મા છે. અને ઉત્તર રેલવેના ફિરોઝપુર ડિવિઝનમાં કોઈક સફાઈ એજન્સી સાથે કાર્ય કરે છે.

યુવતીએ આપવીતી કહી
યુવતી એ કહ્યું કે તે ગરીબ રથ એક્સપ્રેસના G-1 કોચમાં મુસાફરી કરી રહી હતી. બુધવારે સવારે 5:15 કલાકે જાલંધરથી ટ્રેનમાં બેઠી હતી. રાત્રે 9 કલાકની આસપાસ ટ્રેન લખનઉ પહોંચી. જ્યાં તે ઉપરની બર્થ માંથી ફોન ચાર્જ કરવા નીચે આવી હતી જ્યાં એક સફાઈ કર્મી સાથે તેનો ભેટો થયો હતો. સફાઈકર્મીએ યુવતીનો ફોન ચાર્જમાંથી કાઢી પોતાનો ફોન ચાર્જમાં મૂકી દીધો હતો. પછી યુવતીનો નંબર માંગાવા લાગ્યો અને યુવતીએ ના કહ્યું તો તેની સાથે જબરદસ્તી કરવા લાગ્યો હતો. એટલું જ નહિ પરંતુ તે વારંવાર યુવતી પાસે આવી જબરદસ્તી ખાવાનો સામાન આપતો હતો. સફાઈકર્મી વારંવાર યુવતીની છેડતી કરતો રહ્યો હતો જેથી પીડિતા આખી રાત સુઈ ન શકી. અને સફાઈકર્મી તેને વારંવાર પરેશાન કરતો રહ્યો.

આ રીતે પકડાયો સફાઈકર્મી
સવાર થતાજ એક પોલીસકર્મીની નજર સૌરભની હરકતો ઉપર પડી. યુવતી સહીત બીજા યાત્રીઓએ પણ ફરિયાદ કરી. ત્યારબાદ મુઝફ્ફરપુર રેલવે એ.સી.પી.ને ફરિયાદ કરવામાં આવી. દરમિયાન કેટલાક યાત્રીઓએ સૌરભને દબોચી લીધો. જયારે મુઝફ્ફરપુર આવ્યું ત્યારે તેને જી.આર.પી. જવાનને સોંપી દેવામાં આવ્યો. આ બાબતે રેલ ડી.સી.પી.એ જણાવ્યું કે સફાઈકર્મી વિરૂદ્ધ એફ.આઈ.આર. દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top