Health

સુરતના આ વિસ્તારની એક બિલ્ડિંગમાં કોરોનાના 9 કેસ, તંત્ર દોડતું થયું

સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતાં રાજ્ય સરકાર દ્વારા હજુ શુક્રવારે સાંજે જ રાત્રિ કરફ્યૂમાં છૂટછાટ આપવા સાથે નવરાત્રિમાં શેરીગરબા રમવાની છૂટ આપી છે, ત્યારે સુરતના અઠવા ઝોનમાંથી (Surat Corona Cases) એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીંના એક એપાર્ટમેન્ટમાં કોરોનાના 9 કેસ નોંધાયા છે, જેના પગલે સુરત મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. શહેરમાં જ્યારે રોજ માંડ 2-3 કેસ નોંધાઈ રહ્યાં હોય ત્યાં એક જ એપાર્ટમેન્ટમાંથી 9 કેસ બહાર આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.

પ્રતિકાત્મક તસ્વીર.
  • અઠવા ઝોનના એપાર્ટમેન્ટમાં વોચમેન સહિત 9 લોકો કોરોનાની બિમારીમાં સપડાયા
  • ધાર્મિક સ્થળની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 1 પરિવારના 2 સભ્યો પોઝીટીવ આવ્યા બાદ સંક્રમણ ફેલાયું
  • પાલિકાની અપીલ: વેક્સીન લીધી હોવા છતાં પણ લોકોએ તકેદારી રાખીને કોવિડની ગાઈડ લાઈનનો અમલ કરવો જરૂરી

સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાંની સાથે જ લોકો બિંદાસ્ત બની રહ્યાં છે તેની સાથેજ બિલ્લી પગે સુરત અઠવા ઝોનના એક જ એપાર્ટમેન્ટમાં 4 દિવસમાં 9 લોકો પોઝીટીવ આવતાં પાલિકાએ બિલ્ડીંગ સીલ કરવાની કામગીરી કરી છે. અઠવા ઝોનમાં મેઘમયુર એપાર્ટમેન્ટ આવેલું છે. અહીં 4 દિવસમાં વોચમેન સહિત 9 લોકો પોઝીટીવ આવ્યા છે. જેમાં એક જ ઘરના 2 લોકો પોઝીટીવ હોય તેવા 2 ઘર છે. પહેલાં 2 લોકો પોઝીટીવ આવ્યા હતા. તેઓની ધાર્મિક સ્થળની ટ્રાવેલ હિસ્ટ્રી છે જ્યાં ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ પરિવારના 2 લોકો પોઝીટીવ આવ્યા બાદ 4 દિવસમા બિલ્ડીંગમાં 9 લોકો પોઝીટીવ આવતાં પાલિકા તંત્ર ચોંકી ઉઠયું છેે. પોઝીટીવ લોકોને કોરોન્ટાઈન કરવા સાથે બિલ્ડીંગ સીલ કરાઇ છે.

હાલ જે લોકો પોઝીટીવ આવી રહ્યાં છે તેમાં વેક્સીન લીધેલા લોકોનું પ્રમાણ પણ નોધપાત્ર છે. પાલિકા તંત્રના જણાવ્યા પ્રમાણે જે લોકોએ વેક્સીન લીધી છે તેઓ બિંદાસ્ત બની જાય છે અને જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ કરતાં નથી તેથી તેઓ સંક્રમણનો ભોગ બની રહ્યાં છે. અઠવા ઝોનની જેમ રાંદેર ઝોનમાં પણ છેલ્લા કેટલાક દિવસથી પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે પાલિકા તંત્રએ લોકોને અપીલ કરી છે કે, વેક્સીન લીધી હોવા છતાં પણ લોકોએ તકેદારી રાખીને કોવિડની ગાઈડ લાઈનનો અમલ કરવો જરૃરી છે. જાહેર જગ્યા પર વધુ લોકો ભેગા થતાં હોય ત્યાં માસ્ક પહેરવું આવશ્યક છે.

ડો. રણદીપ ગુલેરિયા, AIIMS દિલ્હીના ડિરેક્ટર

હજુ બે દિવસ પહેલાં જ AIIMS ના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરીયાએ એવું કહ્યું હતું કે, હવે દેશમાં કોરોનાનું જોર ઘટ્યું છે. તે સામાન્ય શરદી-ખાંસી જેવો થઈ ગયો છે. ખબર પડશે તો પણ ખ્યાલ નહીં આવશે. બસ, લોકો વેક્સીનના બંને ડોઝ મુકાવી દે અને તહેવારો તથા જાહેર મેળાવડામાં ભીડથી બચે. ડો. ગુલેરિયાની આ વાત બાદ સુરતમાં 4 દિવસમાં એક જ એપાર્ટમેન્ટમાં 9 કેસ નોંધાતા સુરત મનપા તંત્રની ઊંઘ ઉડી ગઈ છે.

Most Popular

To Top