SURAT

સુરતીઓના દિલમાં વસતી ચોપાટીની હાલત તો જુઓ કેવી બદતર થઈ ગઈ છે…

સુરત(Surat) : સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા મોટા ઉપાડે પ્રોજેક્ટો તો બનાવી દેવામાં આવે છે પરંતુ તેની જાળવણી કરવામાં આવતી નથી. શહેરમાં ઘણા ગાર્ડન (Garden) બનાવાયા છે. પરંતુ લોકોને આપવામાં આવતી સગવડોની જાળવણી પણ કરાતી નથી. પ્રજાના પૈસે બનાવાતા આવા પ્રોજેક્ટોમાં જાણવણીના નામે રૂપિયા તો ખર્ચાઇ છે પરંતુ હકીકત એ છે કે આ દિશામાં તંત્ર ધ્યાન આપતું નથી. સુરત શહેરની સૌથી જૂની એવી અઠવાલાઈન્સ ચોપાટીની (Chopati) હાલત બદતર થઈ ચૂકી છે. પરંતુ તંત્ર જાણે પોતાની મસ્તીમાં જ મગ્ન હોય તેમ અહીં મેઈન્ટેનન્સ કરવામાં આવી રહ્યું નથી. જેથી શહેરીજનો પણ નિરાશ થઈ રહ્યા છે.

કારણ કે, અઠવાલાઈન્સ ચોપાટીમાં ઘણા લોકો જતા હોય છે તેમજ સાંજે નાના બાળકોને રમાડવા પણ લોકો જાય છે પણ રમતગમતના સાધનો પણ તૂટેલી હાલતમાં હોવાથી બાળકો રમી શકતા નથી તેમજ ચોપાટી ગાર્ડનમાં મોટાભાગના લાઈટપોલ તૂટી ગયા છે. રાત્રે વોક માટે જતાં લોકોને ગાર્ડનમાં અંધારામાં ચાલવાનો વારો આવ્યો છે. જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટનાઓ બને તો તેના માટે જવાબદાર કોણ? મનપા દ્વારા અહીં રમતગમતના ઘણા સાધનો મુકવામાં આવ્યા છે પણ આ સાધનો તૂટેલી હાલતમાં છે. હિંચકાના કળા અને સાંકળ પણ તૂટેલી હાલતમાં છે.

પીવાના પાણીની પરબમાં ગંદકી અને એક પણ નળ નથી
ચોપાટી ગાર્ડનમાં એક મોટી પાણીની પરબ બનાવવામાં આવી છે. પરંતુ આ પાણીની પરબમાં જ પારાવાર ગંદકી છે. જેના કારણે અહીં પાણી પીવું તો દૂર, ઊભા રહેવું પણ મુશ્કેલ છે તેમજ પાણીની પરબમાં એક પણ નળ નથી. તમામ નળ તુટેલા છે કે ચોરાઈ ગયા છે જે અંગે પણ તંત્રને કોઈ દરકાર નથી.

ચોપાટી ગાર્ડનમાં હવે જવા જેવું પણ રહ્યું નથી, તંત્ર ધ્યાન આપે તે જરૂરી: વિનોદ પટેલ, મુલાકાતી
વિનોદ પટેલે જણાવ્યું હતું કે, પહેલા અમે પરિવાર સાથે ઘણીવાર ચોપાટી ગાર્ડન ફરવા જતાં હતાં. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ગાર્ડનની યોગ્ય જાળવણી થઈ રહી નથી. સફાઈ પણ નથી થતી અને સાધનો પણ તૂટેલા છે. જેથી હવે ચોપાટી ગાર્ડનમાં જવા જેવું રહ્યું નથી. સુરત મનપા દ્વારા આટલો વેરો વસૂલવામાં આવે છે જેમાં આડેધડ પ્રોજેક્ટ સાકાર કરવાની જગ્યાએ મનપા આવા જૂના અને સારા પ્રોજેક્ટોની જાળવણી કરે તે ખુબ જરૂરી છે.

ગાર્ડન રિપેરિંગની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે: એસ.ગૌતમ (ગાર્ડન સુપરિન્ટેડન્ટ, સુરત મનપા)
આ અંગે સુરત મનપાના ગાર્ડન સુપરિન્ટેડન્ટ એસ. ગૌતમે જણાવ્યું હતું કે, આ ગાર્ડનની સમસ્યા વિશે અમને જાણ છે જ. ગાર્ડનમાં લાઈટ પોલની રિપેરિંગનું કામ જલદી જ શરૂ કરવામાં આવશે તેમજ અન્ય સાધનોની રિપેરીંગ પણ કરવામાં આવશે અને લોકોને જલદી જ સુવિધાથી સજ્જ ગાર્ડન આપવામાં આવશે.

Most Popular

To Top