Editorial

રિઝર્વ બેંકએ રેપોરેટ વધારી દીધો પણ સરકારે મોંઘવારીને કાબુમાં રાખવી પડશે

લડાઈ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહી છે પરંતુ સહન કરવાનું ભારતે આવી રહ્યું છે. દોઢ મહિના કરતાં પણ વધારે દિવસથી ચાલી રહેલા આ યુદ્ધે પહેલા ક્રુડ ઓઈલના ભાવો વધાર્યા અને તેને કારણે ભારતમાં પેટ્રોલ અને ડિઝલ મોંઘું થઈ જતાં લોકોએ મોંઘવારીનો માર સહન કરવાનો આવ્યો. આટલું બાકી હોય તેમ બુધવારે અચાનક રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં વધારો કરી દેવામાં આવ્યો. બેંકના ચેરમેન દ્વારા અચાનક બપોરે સંબોધન કરવામાં આવ્યું અને વ્યાજદરમાં વધારો કરી દેવામાં આવ્યો. બેંકના ગવર્નર શશીકાંત દાસે બેંચમાર્ક પોલિસી રેટ વધાર્યો હતો. રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીએ રેપોરેટમાં 40 બેઝિસ પોઈન્ટ એટલે કે 0.4 ટકાનો વધારો કર્યો.

આ વધારા સાથે રેપોરેટ 4.40 ટકા થઈ જવા પામ્યો છે. રેપોરેટ એટલે કે વ્યાજદરમાં વધારો કરવાને કારણે હવે આગામી દિવસોમાં લોન મોંઘી થઈ જશે. જેની લોન ચાલી રહી છે તેના હપ્તા વધી જશે. રિઝર્વ બેંકનું આ પગલું હાલના મોંઘવારીના સમયમાં લોકો માટે કમરતોડ સમાન છે. 2018માં ઓગષ્ટ માસમાં અગાઉ રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ પ્રથમ વખત રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 12 વખતથી રેપોરેટમાં વધારો કરવામાં આવતો નહોતો. રિઝર્વ બેંક દ્વારા સીઆરઆરમાં પણ 50 બેઝિસ પોઈન્ટનો વધારો કરવામાં આવતાં નવો સીઆરઆરનો દર પણ 4.50 ટકા થઈ ગયો છે. રિઝર્વ બેંકના ચેરમેને રેપોરેટમાં વધારો કરવા પાછળ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને જવાબદાર બતાવ્યું અને તેવું કહ્યું કે વ્યાજદર વધારવા માટે કમિટીમાં સર્વાનુમતિ હતી. રિઝર્વ બેંકએ રેપોરેટમાં વધારાને વ્યાજબી ઠેરવવા માટે એવું કારણ રજૂ કર્યું હતું કે યુદ્ધની અસરને આઈએમએફ દ્વારા પણ સમજવામાં આવી છે અને આ સ્થિતિને કારણે બેંકએ પોતાના ઉદાર વલણને પણ છોડવાની ફરજ પડી છે. રેપોરેટ પર રિઝર્વ બેંક બેંકોને તેમની જરૂરીયાત પુરી કરવા માટે લોન આપે છે. જ્યારે રિવર્સ રેપોરેટ એટલે કે બેંક પોતાના વધારાના નાણાં રિઝર્વ બેંકને આપે છે અને રિઝર્વ બેંક દ્વારા આ નાણાં પર જે તે બેંકને વ્યાજ આપવામાં આવે છે.

રેપોરેટ અને સીઆરઆરમાં રિઝર્વ બેંક દ્વારા વધારો કરવાને કારણે સામાન્ય જનને જે સસ્તી લોન મળતી હતી તેમાં હવે વધારો થઈ જશે. હોમ લોનથી શરૂ કરીને ઓટો લોન, એજ્યુકેશન લોન સહિતની તમામ લોનના વ્યાજદર વધી જશે. હાલમાં સામાન્ય વ્યક્તિને સસ્તી લોન મળતી હોવાથી પોતાની અનેક જરૂરીયાત તે વ્યક્તિ પુરી કરી શકતો હતો પરંતુ હવે રેપોરેટમાં વધારા સાથે આ સ્થિતિમાં બદલાવ આવશે. ક્રુડ ઓઈલના વધારા સાથે મોંઘવારી વધવાની શરૂ થયેલી પરિસ્થિતિ રેપોરેટના વધારા સાથે આગળ વધી રહી છે. રિઝર્વ બેંકના ચેરમેને ત્યાં સુધી કહી દીધું હતું કે, મોંઘવારીનો દર 7 ટકા થઈ ગયો છે અને હજુ વધશે. ક્રુડ ઓઈલ હજુ પણ લોકોને દઝાડશે. જેને કારણે લોકોએ ખિસ્સા ખાલી કરી દેવા માટે તૈયાર રહેવું પડશે.

રિઝર્વ બેંકના ચેરમેનની જાહેરાત સાથે એ વાત સ્પષ્ટ થઈ જવા પામી છે કે, મોંઘવારીના મામલે સરકાર હવે લોકોને બચાવવા માટે તૈયાર નથી. લોકોએ જાતે જ મોંઘવારીનો સામનો કરવો પડશે. કેવી રીતે ઘરનો ખર્ચ ઘટાડી શકાયથી માંડીને કેવી રીતે નવી આવક ઊભી કરી શકાય તે મામલે મધ્યમવર્ગએ ધ્યાન આપવું પડશે. સરકાર તો રેપોરેટમાં વધારો કરીને બજારમાંથી લિક્વિડિટી ખેંચી લેવા માટે તૈયાર થઈ ગઈ છે ત્યારે અનેક પરોક્ષ અસરો માટે પણ ભારતીયોએ તૈયાર રહેવું પડશે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે મોંઘવારી વધી તેવું સરકારે કારણ ભલે આપ્યું હોય પરંતુ સરકારની તે જવાબદારી છે કે મોંઘવારીને તે કાબુમાં રાખે. યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ હાલમાં સમી જાય તેવી કોઈ સંભાવના દેખાતી નથી ત્યારે કેન્દ્ર સરકારે મોંઘવારીને વધતી અટકાવવા માટે એકશન પ્લાન બનાવવો જોઈએ. લોકો મોંઘવારીથી કંટાળી ગયા જ છે પરંતુ જો સરકાર દ્વારા ઝડપથી પગલાઓ લેવામાં નહીં આવે તો શક્ય છે કે લોકોમાં ભારે રોષ ઊભો થાય. સરકાર આ મુદ્દો નહીં સમજે તો લોકોના વિરોધ માટે તેણે તૈયાર રહેવું પડશે તે નક્કી છે.

Most Popular

To Top