SURAT

સુરત: ભટારની વિદ્યાભારતી સ્કૂલના લેડિઝ ટોયલેટમાંથી ભ્રૃણ મળતા ચકચાર

સુરત : ભટાર (Bhatar) વિસ્તારની વિદ્યા ભારતી સ્કૂલના (School) ગર્લ્સ ટોયલેટમાંથી (Toilet) મૃત ભ્રૃણ મળી આવતા ચકચાર મચી ગઈ છે. શાળાના સંચાલકો દ્વારા આ બાબતે ખટોદરા પોલીસને (Police) જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી હતી. કોઈ મહિલાએ પોતાનું પાપ છુપાવવા આ કૃત્ય કર્યું હોવાની આશંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી છે.

ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભટારની વિદ્યા ભારતી સ્કૂલના ઈંગ્લીશ મીડિયમના ગર્લ્સ ટોયલેટની અંદર એક ત્યજી દેવાયેલું મૃત ભ્રૃણ મળી આવ્યું હતું. આ અંગે શાળાના કર્મચારી અને સિટી લાઈટ રોડ પર સાંઈ આશિષ સોસાયટીમાં રહેતા 69 વર્ષીય જીતેન્દ્રકુમાર ભેજનાથ પાંડેએ ખટોદરા પોલીસને ફરિયાદ આપી છે. સ્કૂલના ટોયલેટમાં મૃત ભ્રૃણ મળી આવ્યું હોય અનેક પ્રકારના પ્રશ્નો ઉઠ્યા છે. શું શાળામાં કામ કરતી કોઈ મહિલા કર્મચારી કે પછી વિદ્યાર્થિનીએ પોતાનું પાપ છુપાવવા આ કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. વિદ્યાભારતી શાળાની અંગ્રેજી માધ્યમ વિભાગના ગર્લ્સ ટોયલેટમાંથી મૃત ભ્રૃણ મળી આવ્યું હોય પોલીસે ઈંગ્લીશ મીડિયમના સ્ટાફ અને વિદ્યાર્થીનીઓની પૂછપરછ શરૂ કરી છે.

સફાઈ કર્મી સફાઈ માટે ગયો ત્યારે ભ્રૃણ દેખાયું હતું
ભ્રૃણનો કબ્જો લઇ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોક્લવામાં આવ્યું છે તેમજ પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે જે ટોયલેટમાંથી ભ્રૃણ મળી આવ્યું છે તે જનરલ ટોયલેટ છે મતલબ કે બહારથી આવતા મહિલા વાલીઓ, સ્કૂલનો સ્ટાફ તેમજ વિદ્યાર્થિની ઉપયોગ કરે છે. જેથી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ઘટના પાછળ સ્કૂલની કોઈ વિદ્યાર્થિની, સ્ટાફ અથવા તો બહારથી આવતા વાલી પણ હોય શકે છે. પીએસઆઇ પી.એમ.દેસાઈએ જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે એક સફાઈ કર્મચારી ટોયલેટમાં ચેકીંગ અને સફાઈ અર્થે ગયા હતા ત્યારે તેમણે ત્યાં ભ્રૃણ જોયું અને પછી સ્કુલ મેનેજમેન્ટ તેમજ પોતાના મેનેજરને જાણ કરી હતી. આ ટોયલેટ સ્કૂલની જમણી બાજુમાં આવેલું છે.

સીસીટીવી કેમેરા દૂર હોવાથી તપાસમાં વિલંબ
પીએસઆઇ પી.એમ.દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે ટોયલેટમાંથી ભ્રૃણ મળી આવવાની ઘટનામાં તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા છે પરંતુ કેમેરા ટોયલેટથી દૂર છે. આ સિવાય જે સ્થિતિમાં ભ્રૃણ મળી આવ્યું છે તેના પરથી એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બહાર જન્મ આપ્યા બાદ તે ટોયલેટમાં નાખી દેવામાં આવ્યું હોય.

Most Popular

To Top