SURAT

અંધેર કારભાર, સુરત એરપોર્ટના રન-વે પર એપ્રોચ લાઈટ અપગ્રેડ કરવાનું જ ભૂલી જવાયું!

સુરત (Surat) : સુરત એરપોર્ટ (Surat Airport) ડાયરેક્ટર અમન સૈનીના આગમન પછી કોઈ કામ સમયસર પૂરાં થયાં નથી. ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણ, એપ્રન, ટેક્સી-વે સહિતનાં કામો માટે બેથી ત્રણવાર સમયમર્યાદા વધારી આપવામાં આવી છે. રન-વે એક્સટેન્શન હોય કે ડોમેસ્ટિક કાર્ગો સર્વિસ અગાઉના એપીડી જે પ્રોજેક્ટ શરૂ કરાવી ગયા એ જ પ્રોજેક્ટ પૂરા થયા છે. સુરત એરપોર્ટના રન-વે એક્સટેન્શન પછી સિમ્પલ લાઈટ એપ્રોચ સિસ્ટમ (SALS)ને CAT-1 એપ્રોચ લાઈટ લગાવી અપગ્રેડ કરવાનું પણ તંત્ર ભૂલી જતાં ચોમાસા અને શિયાળાની ઋતુમાં કેટ-1 એપ્રોચ લાઈટના અભાવે ફ્લાઈટ ડાયવર્ટ કે રદ થાય નહીં એ માટે WWWAS એ સુરત એરપોર્ટ ડિરેક્ટરને આવેદનપત્ર આપી યાદ અપાવવી પડી છે.

ગ્રુપના અગ્રણી લિનેશ શાહ અને સંજય જૈને ગુરુવારે સુરત એરપોર્ટ ડિરેક્ટર અમન સૈનીની મુલાકાત લઈ તેમને રન-વેના છેડા પર એપોર્ચ લાઈટ અને કેટ-1 સિસ્ટમ લગાવવા રજૂઆત કરી હતી. રન-વેના એપ્રોચ પર કેટ-1 સિસ્ટમ લગાવવાથી વરસાદ અને ધુમ્મસભર્યા વાતાવરણમાં વિઝિબિલટી ઓછી થઈ જાય છે, ત્યારે ફ્લાઇટ લેન્ડિંગ કરી શકતી નથી કે તકલીફ પડે છે. ઓછી વિઝિબિલિટીને લીધે ઘણીવાર ફ્લાઇટ ડાઈવર્ટ કરવી પડે છે, ક્યાં તો રદ કરવી પડે છે. જો કે, આ સિસ્ટમ લગાવવાથી મહદ અંશે આ સમસ્યા ઘટાડી શકાય એમ છે. એરપોર્ટ ડિરેક્ટર અમન સૈનીએ ઝડપથી નિર્ણય લઈ એપ્રોચ લાઈટ લગાવવાની ખાતરી આપી હતી. વર્ષ-2009માં જ્યારે અત્યારનું એરપોર્ટ AAI દ્વારા બનાવવામાં આવ્યું ત્યારથી જ સુરત એરપોર્ટ પર SALS (સિમ્પલ અપ્રોચ લાઈટ સિસ્ટમ) 22 વેસુ તરફ ઇન્સ્ટોલ કરેલી હતી.

રન-વે એક્સટેન્શન બાદ એને SALSમાંથી CAT-1 એપ્રોચ લાઈટ લગાવી અપગ્રેડ કરવાની હતી. પણ રન-વે એક્સટેન્શન થયા બાદ ઓબ્સ્ટેકલ સરવેમાં વેસુ સાઈડમાં 615 મીટર રન-વે ઓછો કરી દેવામાં આવ્યો હોવાથી CAT-1 અપ્રોચ લાઈટની જગ્યાએ ફરીથી SALS લાઇટ્સને 615 મીટર ટુંકાવેલા રન-વેના સરફેસ પર જ લગાવી દેવામાં આવી હતી. જેથી રન-વે અપ્રોચ ઓછો થઈ ગયો હતો. અને એના કારણે ફ્લાઈટ લેન્ડિંગ વખતે જો ધુમ્મસ, વરસાદ સાથે હવામાન ખરાબ હોય ત્યારે ફ્લાઈટ લેન્ડિંગમાં પાઇલોટને તકલીફ પડતી હોય છે.

આથી જો હાલમાં જે રન-વે SALS અપ્રોચ છે એને હયાત જગ્યામાં તકનીકી સહાયતા લઇ CAT-1 અપ્રોચ લાઈટમાં અપગ્રેડ કરવામાં આવે તો પ્લેનને લેન્ડિંગ કરવામાં વધારે સરળતા રહે અને પ્લેન, પાઇલટ, પ્રવાસીની સેફ્ટીમાં પણ સુધારો કરી શકાય. હાલમાં જે એરપોર્ટ પાસે જે હયાત જગ્યા છે, એની અંદર જ CAT-1 અપ્રોચ લાઈટ લાગી શકે એમ છે. CAT-1 એપ્રોચ લાઇટ્સને 900 મીટર જમીનની જરૂર હોય છે અને એના માટે હાલ 450 મીટર SALS અને 500 મીટરથી વધુ જમીન એપ્રોચ લાઇટ્સ માટે એરપોર્ટની અંદર ઉપલબ્ધ જ છે. આ અંગે એરપોર્ટ ડાયરેક્ટરનો સંપર્ક કરતાં તેઓ પ્રતિક્રિયા માટે ઉપલબ્ધ ન હતા.

Most Popular

To Top