SURAT

સુરતમાં L&Tનાં કર્મચારીને ઓનલાઈન ખરીદેલો 10 હજારનો મોબાઈલ 1.70 લાખમાં પડ્યો

સુરત(Surat): શહેરના અમરોલી(Amroli) છાપરાભાઠા ખાતે રહેતા એલએન્ડટી(L&T)ના કર્મચારીને ફ્લીપ કાર્ડમાંથી ખરીદેલો 10 હજારનો મોબાઈલ પરત કરવાનું 1.70 લાખમાં પડ્યું હતું. ભેજાબાજે એનિડેક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આ રૂપિયા ઉપાડી લીધા હોવાની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ છાપરાભાઠા અક્ષરપાર્ક સોસાયટીમાં રહેતા 31 વર્ષીય તેજસ રાજેશ પટેલ એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાક્ટમાં ફિટરનું કામ કરે છે. અઢી મહિના પહેલાં ફ્લીપ કાર્ડ ઉપરથી 10 હજારની કિંમતનો મોબાઈલ ખરીદ્યો હતો. મોબાઈલની ડીસ્પ્લે ખરાબ હોવાથી મોબાઈલ રિટર્ન કરવા ઓનલાઈન અરજી કરી હતી.

  • અમરોલીમાં યુવકે ફ્લીપ કાર્ડ પર મંગાવેલો 10 હજારનો મોબાઈલ પરત કરવાના ચક્કરમાં 1.70 લાખ ગુમાવ્યા
  • ફ્લીપ કાર્ડ કંપનીના કર્મચારીની ઓળખ આપી એનિડેક્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આઠ તબક્કામાં પૈસા ટ્રાન્સફર કર્યા

કર્મચારી તરીકે ઓળખ આપી બે ઠગબાજોએ ઠગાઈ કરી
ગત તા.22 માર્ચે તેમના ઉપર અજાણ્યાનો ફોન આવ્યો હતો અને પોતાની ઓળખ ફ્લીપ કાર્ડ કંપનીના કર્મચારી તરીકે આપી બે કલાકમાં ટેક્નિશિયન ઘરે આવીને મોબાઈલ પરત લઈ જશે તેવું કહી ફોન કાપી નાંખ્યો હતો. બાદ પરત ફોન આવતાં તેમની પાસે એનિડેક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તબક્કાવાર 1.70 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા. અમરોલી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

નાનપુરામાં યુવતીના નામે ફેક ઇન્સ્ટા આઈડી પરથી મિત્રને મેસેજ કરી સેક્સની માંગણી કરનાર ઝડપાયો
સુરત: સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવી એ એકાઉન્ટમાં પ્રોફાઇલ પિક્ચરમાં યુવતીનો ફોટોગ્રાફ મૂકી તેના મિત્રને મેસેજ કરી સેક્સની માંગણી કરનાર આરોપીને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસ પાસેતી મળતી માહિતી મુજબ નાનપુરામાં રહેતી યુવતીના નામે અજાણ્યા દ્વારા ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવવામાં આવ્યું હતું. અને આ આઈડી પરથી તેના મિત્રને મેસેજ મોકલી બીભત્સ ફોટો મેસેજ કર્યા હતા. બાદમાં મિત્ર પાસે સેક્સની માંગણી કરતો મેસેજ કર્યો હતો. આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતાં ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી આરોપી અનુરાગ ઉર્ફે અક્ષય ગણપત ભીમસંગ ચૌહાણ (ઉં.વ.૧૯) (ધંધો-નોકરી) (રહે.,પટેલ ફળિયું, ગામ-કોટેશ્વર, તા.જંબુસર, જિ.ભરૂચ)ને ઝડપી પાડ્યો હતો.

Most Popular

To Top