SURAT

સુરત એરપોર્ટ પર ચેન્નાઈથી આવેલા પેસેન્જર ને હાર્ટએટેક આવ્યો

સુરત: આજે બપોરે 15:40 કલાકે ચેન્નાઇથી સુરત એરપોર્ટ (Surat Airport) ઉપર લેન્ડ થયેલી ફ્લાઇટમાંથી (Flight) બહાર નીકળી રહેલા માઈકલ કુટ્ટી મેથ્યુ નામનો પેસેન્જર (Passenger) એરોબ્રિજમાંથી બહાર નીકળી અચાનક બેભાન થઈ જતાં મેડિકલ ઇમરજન્સીમાં (Medical emergency) ઓક્સિજન એમ્બ્યુલન્સ (Ambulance) માટે દોડા દોડી થઈ હતી. પેસેન્જરે એરોબ્રિજ પાસે જ ગભરામણની ફરિયાદ કરતાં ઈન્ડિગો એરલાઇન્સનો સ્ટાફ તેમને મુકવા માટે વહીલ ચેરમાં ટર્મિનલ બિલ્ડિંગ સુધી આવ્યો હતો. અહીં 65 વર્ષીય મેથ્યુ હૃદય રોગના હુમલાથી ઢળી પડતાં ઇન્ડિગોના સ્ટાફે પ્રાથમિક સારવાર આપી ટર્મિનલ બિલ્ડિંગમાં બેસતાં એરપોર્ટ નજીકની સ્થાનિક હોસ્પિટલનાં બ્રધર નર્સને જાણ કરી હતી. દર્દીની છાતી પમ્પ કરી સ્ટેબલ કરવાCPR આપવામાં આવ્યું હતું.

એ પછી ખાનગી હોસ્પિટલનાં ડોક્ટર એમ્બ્યુલન્સ લઈને આવી પહોંચતા દર્દીને આઇસીયુ માં ખસેડવામાં આવતાં જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઇન્ડિગોની 6797 ક્રમાંકની ફ્લાઈટમાં બેઠક નંબર 20-A પર બેસી ચેન્નાઈથી માઈકલ મેથ્યુ નામના સિનિયર સિટીઝન સુરત આવ્યાં હતાં.ત્યારે એરોબ્રિજ બહાર ટર્મિનલમાં હાર્ટ એટેક આવ્યો હતો.

એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય હોવા છતાં ખાનગી હોસ્પિટલની રાહ જોવાઇ
સુરત એરપોર્ટના એરોડ્રામ જિયોગ્રાફિકલ એન્ડ એડમિનિસ્ટ્રેશન ડેટા મુજબ સુરત એરપોર્ટ પર ઇમરજન્સીની સ્થિતિમાં ફાયર સ્ટાફ અને 2 એમ્બ્યુલન્સનો સ્ટાફ ફ્લાઈટ આવે ત્યારે હાજર રહેતો હોય છે. એરપોર્ટ પર બે એમ્બ્યુલન્સની સુવિધા છતાં ચેન્નાઈથી આવેલા પેસેન્જરોમાં ચાલેલી ચર્ચા મુજબ ઇન્ડિગોના સ્ટાફ, ટર્મિનલમાં હાજર હોસ્પિટલનાં સ્ટાફ અને સીઆઈએસએફનાં સ્ટાફે 10 મિનિટ સુધી દર્દીને ભાનમાં લાવવા જે પ્રયાસ કર્યા એને લીધે જ દર્દી બચી શક્યા, જોકે સુરત એરપોર્ટ પર બે સ્ટેન્ડ બાય એમ્બ્યુલન્સની સુવિધા છતાં ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સની રાહ જોવામાં આવી હતી.

ઓક્સિજન સમયસર મળ્યું, પ્રાથમિક સારવાર સમયસર મળી
ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ કેટેગરી 7 માં આવે છે. એ મુજબ નિયમ પ્રમાણે 2 એમ્બ્યુલન્સ અને ફાયર સ્ટાફ સ્ટેન્ડબાય રહે છે. પ્રોટોકોલ મુજબ એરસાઇડ જે એમ્બ્યુલન્સ હોય છે તે એરપોર્ટની પ્રીમાઇસીસ બહાર જઇ શકતી નથી. બહુ ઇમરજન્સી સ્થિતિ હોય તો જ એમ્બ્યુલન્સને બહાર જવાની મંજૂરી મળે છે. ચેન્નાઈથી આવેલા દર્દીને તાત્કાલિક CPR આપી સ્ટેબલ કરવામાં આવ્યા પછી સીઆઇએસએફના જવાનો સ્ટ્રેચરમાં એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતાં. જ્યાંથી તેમને નજીકની એરપોર્ટ સાથે સંકળાયેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ આ કિસ્સામાં ઓક્સિજન સમયસર મળ્યું, પ્રાથમિક સારવાર સમયસર મળી, સ્ટ્રેચર સમયસર આવ્યું, ખાનગી હોસ્પિટલનાં તબીબ ડોક્ટર લઈ ઇમરજન્સીમાં તાત્કાલિક આવ્યા એ બાબતે દર્દી માઈકલ મેથ્યુ અને એમના પરિવારના સભ્યો જ સ્પષ્ટ કરી શકે છે.

Most Popular

To Top