SURAT

સુરતના કતારગામમાં કેજરીવાલના રોડ શો પર પથ્થરમારો, આપ-ભાજપના કાર્યકર્તા બાખડ્યા

સુરત (Surat) ખાતે આવેલા આમ આદમી પાર્ટીના (Aam Admi Party) રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) રોડ શો પર પથ્થરમારો થયો હતો. કતારગામ વિસ્તારમાં આ રોડ શો યોજાયો હતો. આ પહેલા સુરતના મીની બજાર ચોકસી બજાર ખાતે હીરા વેપારી સાથે કેજરીવાલનો સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. અને ત્યારબાદ રોડ શો (Road Show) કતારગામની સોસાયટીઓમાંથી પસાર થયો હતો. જે દરમ્યાન પથ્થરમારો થયો હતો. ઉપરાંત રોડ શોમાં ભાજપ અને આપના કાર્યકર્તાઓ બાખડ્યા હતા. તેઓ વચ્ચે ડંડા ઉછળ્યા હતા. રોડ શો પહેલા કેજરીવાલે જાહેરસભાને સંબોધી હતી.

કેજરીવાલનો રોડ શો

સુરતના મીની બજાર ચોકસી બજાર ખાતે હીરા વેપારી સાથે કેજરીવાલના સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. હીરા વેપારીઓએ કરેલી માંગો પણ કેજરીવાલે સ્વીકારી હતી. ત્યારબાદ કતારગામ વિસ્તારમાં નિકળેલા અરવિંદ કેજરીવાલના રોડ શો પર પથ્થરમારો કરાયો હતો. પથ્થરમારો થતા તંગદીલી વ્યાપી ગઈ હતી. કેજરીવાલના ગાર્ડઝ એ ટોળાં સામે ગન તાણી દેતા અફરાતફરી મચી ગઈ હતી. મગનનગર નજીક ધનમોરા કોમ્પલેક્સ પાસે પથ્થર મારો થયો હતો. આ ઘટનામાં પથ્થરો કારના બોનેટ પર પડ્યાં હતાં. ઘટના બનતા તુરંત જ પોલીસ કાફલો અને સુરક્ષા દળના જવાનોએ મોટી સંખ્યામાં કેજરીવાલની આસપાસ સુરક્ષા ઘેરો બનાવી લીધો હતો. જોકે પથ્થર મારાનાર યુવાનને પોલિસે ઝડપી પાડયા હોવાનું પણ સામે આવ્યું છે.

ભાજપ અને આમ આદમી પાર્ટીના સમર્થકો વચ્ચે દંડા ઉછળ્યા

બીજી તરફ ભાજપના ખેસમાં આવેલા ટોળાને આમ આદમી પાર્ટીના લોકો મારવા દોડ્યા હતાં. જેને લઈને પણ વાતાવરણ તંગ બન્યુ હતું. મગન નગર પાસે ભારતીય જનતા પાર્ટીના કેટલા કાર્યકર્તાઓ દ્વારા મોદી મોદીના નારા લગાવવામાં આવ્યા હતા. તેમણે ભાજપનો ખેસ પહેર્યો હતો. આ ટોળું ત્યાંથી પસાર થઈ રહ્યું હતું તે સમયે બંને પક્ષો વચ્ચે વાતાવરણ તંગ બન્યુ હતું. બંને પક્ષો વચ્ચે ઝપાઝપીના દૃશ્યો પણ સર્જાયા હતા. જોકે પોલીસે સમયસૂચકતા વાપરી મામલો બિચકતા પહેલા કાબૂમાં લઈ લીધો હતો.

આ પહેલા કેજરીવાલના રોડ શો માટે આપના કાર્યકર્તાઓએ ડિવાઈડર તોડી નાંખતા પાલિકા કર્મચારીઓ સાથે ઝપાઝપી થઈ હતી. કતારગામ ધનમોરા વિસ્તારમાં આપના કાર્યકર્તાઓએ રેલી માટે ડિવાઈડર તોડી નાખ્યા હતાં. આ મામલે પાલિકાને ફરિયાદ મળતા પાલિકાની ટીમ ફરી ડિવાઈડર બનાવવા પહોંચી હતી. જેને કારણે આપના કાર્યકર્તાએ દાદાગીરી કરી ડિવાઈડર બનાવવાના સાધનો તોડયા હતાં. જેથી આપ અને મનપાના કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ મામલે પોલીસે આપના કાર્યકરોને ડિટેન કર્યા હતાં.

Most Popular

To Top