Business

વાર્તા વિટામિન્સની બ્યૂટીફુલ B કોમ્પ્લેક્સ

ઇજનેરીના સ્નાતક નવયુવાને એક વાર બીકોમ્પ્લેક્સ અંગે જાગૃતિ લાવવા ભલામણ કરી. પહેલો જ પ્રશ્ન થાય કે કેમ? તો આજે કોઈકને થાક લાગવો, લોહીની કમી વર્તાવી, ચીડિયાપણું આવવું, જીભ પર સોજો આવવો, મોંની આસપાસ તિરાડો આવવી, ચામડી પર ચકામા કે લિસોટા જેવું થવું, હોઠની ચામડી સુકાવી કે ખરવી, પગ તથા હાથમાં કળતર આવવી કે નિષ્ક્રિયતા લાગવી વગેરે જેવી તકલીફોમાંથી કોઈ ને કોઈ તકલીફ રહેતી હોય છે. આવા દર્દીઓને મોટાભાગે વિટામિન બી કોમ્પ્લેક્સની ઊણપ હોય છે પરંતુ અજાણ રહે છે. આ જે ચિહ્નો છે એ વિટામિન Bની ઊણપનાં હોઈ શકે પરંતુ આપણે એ નજરઅંદાજ કરી દેતાં હોઈએ છીએ. તો આજે શોર્ટ એન્ડ સ્વીટમાં વિટામિન બી કોમ્પ્લેક્સ શું છે? કઈ રીતે કાર્ય કરે છે? શામાંથી મળી શકે? વગેરે જેવા મુદ્દાઓ પર થોડો પ્રકાશ ફેંકીએ!

વિટામિન B ને B કોમ્પ્લેક્સ કેમ કહેવાય છે?

એટલા માટે કે વિટામિન B એ વિવિધ પ્રકારનાં જુદાં જુદાં વિટામિનોનો સમૂહ છે. જેમાં B1, B2, B3, B5, B6, B7, B9, B12નો સમાવેશ થાય છે. જેમાં B1ને થાયેમિન, B2ને રિબોફ્લેવિન, B3ને નિએસિન, B5ને પેન્ટોથેનિક એસિડ, B6ને પાયરિડોક્સિન, B7ને બાયોટીન, B9ને ફોલિક એસિડ તથા B12ને કોબાલેમિન તરીકે ઓળખવામાં આવે છે.

B4, B8, B10, B11 વગેરે શા માટે આ લિસ્ટમાં નથી?

આવો પ્રશ્ન માનવસહજ ઉત્કંઠા ધરાવતા મગજને જરૂર થાય તો એમાં કંઈ એવું છે કે ફક્ત આ જ નહીં B13, B14 વગેરે જેવા અન્ય ઘણાં વિટામિન આ લિસ્ટમાં હતાં. જેમાં પાછળથી સંશોધન દ્વારા બહાર આવ્યું કે તેઓ જીવન માટે જરૂરી હોય એવાં વિટામિનો નથી અને શરીર પોતે બનાવી શકે એવાં હોય વિટામિનની વ્યાખ્યામાં બંધબેસતાં નથી અને એટલે B કોમ્પ્લેક્સનાં લિસ્ટમાં સમાવિષ્ટ થતાં નથી.

ફાયદા શું છે?

ચેતાઓના યોગ્ય કાર્ય માટે, સરસ રીતે મગજનાં કાર્ય માટે, કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ માટે, સારી ભૂખ, સારા પાચન, સારી દૃષ્ટિ, શક્તિ માટે, કોષોના નિરંતર કાર્ય માટે, લાલ રક્તકણો RBCના વિકાસ માટે, અંતઃસ્ત્રાવ તથા કોલેસ્ટરોલના ઉત્પાદન માટે, સ્નાયુઓના વ્યવસ્થિત ટોન વગેરેમાં ફાયદાકારક છે.

શામાંથી મળી શકે? સ્ત્રોત શું છે?

 દૂધ, દૂધની બનાવટો, ચીઝ, ઈંડાં, માંસ (ચિકન, લાલ માંસ), માછલી, લીલાં પાંદડાંવાળાં શાકભાજી, અન્ય શાકભાજી જેવાં કે બીટ, બટાકા વગેરે; અનાજ, કઠોળ, ચણા, ફળો જેવાં કે કેળાં, તરબૂચ તથા સોયાની બનાવટો વગેરેમાંથી મળી રહે છે.

કયા રોગો શરીરમાં વિટામિન Bનું શોષણ અટકાવે છે?

સિલિઆક ડિસીઝ, ક્રોહ્નસ ડિસીઝ, કિડનીના રોગો, અલ્સરેટિવ કોલાઇટિસ, HIV, સંધિવા જેવા રોગોને કારણે વિટામિન Bનું શોષણ થઇ શકતું નથી અને ઊણપ વર્તાઇ શકે.

ઊણપ વર્તાય તો શું જોખમ વધે?

વિટામિન Bની ઊણપની સમયસર ટ્રીટમેન્ટ ના કરીએ તો એનિમિયા, પાચનતંત્રના રોગો, ચામડીના રોગો, પેરિફેરલ ન્યૂરોપથી, ચેપ, મગજના અમુક રોગો વગેરેનું જોખમ રહેલું છે.

કોને વધુ જરૂર છે?

વૃદ્ધ વ્યક્તિઓને તથા પ્રેગનન્ટ સ્ત્રીઓને વિટામિન Bની જરૂર વધુ રહેલી છે. ગર્ભાવસ્થા દરમ્યાન વિટામિન B9 ફોલિક એસિડની ઊણપ બાળકમાં જન્મજાત ખામીઓ જેવી કે ન્યુરલ ટ્યૂબની ખામીઓ (સ્પાઇના બાઇફિડા કે એનસેફાલી) સર્જે છે.

આલ્કોહોલ અને વિટામિન B નો સંબંધ?

બિયર બનાવવા વપરાતાં યીસ્ટ એ વિટામિન Bનો અદભુત સ્ત્રોત છે. પરંતુ આલ્કોહોલનું સેવન કરતાં એમાં રહેલો ઇથેનોલ B1, B2, B3, B7, B9 વગેરેનું શોષણ અટકાવે છે અને આખરે વિટામિન Bની ઊણપ સર્જે છે.

શું વધુ પડતું વિટામિન B સપ્લિમેન્ટ તરીકે લેવું નુકસાનકારક છે?

હા, અમુક પ્રકારના જેમ કે B3, B6, B9 વધુ પડતાં પ્રમાણમાં લેવાં નુકસાનકારક છે. બાકીના પ્રકારોના વિટામિન B વધુ લો તો ખાસ કોઈ ઝેરી લક્ષણો નથી સર્જતાં કે નુકસાન નથી કરતા. વિટામીન B આમ ઘણી રીતે ખૂબ જ મહત્ત્વનું અને ઉપયોગી વિટામિન છે. બધાં વિટામિન્સના બોસ કહીએ તો ખોટું નહીં. અલગ-અલગ પ્રકારના વિટામિન Bની ઊણપથી કયા રોગો થાય, ચોક્કસપણે કયા પ્રકારનું વિટામિન B શું કાર્ય કરે અને જે-તે વિટામિન B કયા આહારમાંથી મળે એ વિશે વધુ અન્ય કોઈ અંકમાં!

-:: ઇત્તેફાક્ ::-

  • યહી વો શહર હૈ જો મેરે લબો સે બોલતા થા,
  •  યહી વો શહર હૈ જો મેરી જુબાન દેખતા હૈ,
  • મેં જબ મકાન કે બહાર કદમ નિકાલતા હૂં,
  • અજબ નિગાહ સે મુજકો મકાન દેખતા હૈ!
  •             – શકીલ આઝમી

Most Popular

To Top