Columns

શ્રીલંકાની નાદારી… અને તેની જેમ હજુ કેટલાય દેશો તે સ્થિતિમાં છે…

4 ફેબ્રુઆરી 1948ના રોજ શ્રીલંકા આઝાદ થયું. શ્રીલંકાનું આઝાદીનું અમૃત વર્ષ આવતા વર્ષે આરંભવાનું છે પણ આપણે ત્યાં જેમ હાલ આઝાદીના અમૃત વર્ષની ઉજવણી થઈ રહી છે તેવું ત્યાં થાય તે શક્યતા નહિવત્ છે. શ્રીલંકામાં ફેલાયેલી અરાજકતાને હવે પૂરું વિશ્વ જાણી ચૂક્યું છે. રોજેરોજ ત્યાં સરકાર વિરોધી પ્રદર્શન થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનનું ઘર સુધ્ધાં પ્રદર્શનકારીઓના નિશાના પર આવી ચૂક્યું છે. શ્રીલંકા આઝાદ થયું ત્યારથી આવી સ્થિતિ શ્રીલંકામાં ક્યારેય આવી નથી. તે હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને કંઈક અંશે શાંત પણ. તમિલ વિદ્રોહનો ઇતિહાસ શ્રીલંકામાં રહ્યો છે પણ તેમ છતાં પ્રવાસીઓ માટે શ્રીલંકા પસંદીદા દેશ રહ્યો છે. શ્રીલંકાનું અર્થતંત્ર વિકાસશીલના ખાનામાં આવે છે. ‘હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ’માં શ્રીલંકાનો ક્રમ દક્ષિણ એશિયામાં 2 છે અને વિશ્વમાં 72 છે. ભારત અને અન્ય દક્ષિણ એશિયાઈ દેશો શ્રીલંકાથી ખૂબ પાછળ છે. વ્યક્તિદીઠ સરેરાશ આવકમાંય શ્રીલંકાનો ક્રમ ઉપર આવે છે.

અર્થતંત્રનું આ ગણિત જોઈએ ત્યારે 6 મહિના અગાઉ શ્રીલંકાની આવી સ્થિતિ કોઈએ કલ્પી નહોતી અને શ્રીલંકા આઝાદ થયું તેના 2 દાયકા પછીનો તેમના અર્થતંત્ર અને સામાજિક માપદંડ જોઈએ તો તે જાપાનની તોલે આવે એવા હતા. અન્ય એશિયાના દેશોથી શ્રીલંકા અનેકગણું પ્રગતિશીલ ગણાતું હતું. વીસમી સદીના આઠમા દાયકા સુધી શ્રીલંકા આ રીતે પ્રગતિના માર્ગે રહ્યું, તેમાંય સંકટ આવ્યા પણ તે ખાળી શકાયા.

તે પછીના સમયગાળામાં શ્રીલંકા માર્કેટ ઓરિએન્ટેડ અર્થતંત્રમાં પ્રવેશ્યું અને જે અર્થતંત્રમાં જે સમાજવાદી અભિગમ હતો તેના સ્થાને માર્કેટની સ્પર્ધામાં શ્રીલંકા આવ્યું. આ દરમિયાન જ શ્રીલંકામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું અને ફરી વાર શ્રીલંકા આર્થિક સંકટમાં આવ્યું પણ તે પછી તમિલ જૂથ સાથે સમાધાન કરી આર્થિક ગાડી ફરી પાડે આવી. તે માટે પ્રાઈવેટાઈઝેશનનો સહારો ભરપૂર લેવામાં આવ્યો. પ્રાઈવેટાઈઝેશન તો થયું પણ સાથે તમિલો અને સરકાર વચ્ચેનું ગૃહયુદ્ધ ફરી શરૂ થયું. એક દાયકાથી વધુ સમય શ્રીલંકા તેમાં ઘમરોળાયું અને અંતે આંતરરાષ્ટ્રિય સ્પર્ધામાં તેની પીછેહઠ થઈ.

પ્રાઈવેટાઈઝેશન આધારિત અર્થતંત્રમાં ગાબડા પડવા માંડ્યા અને એકાએક ચીજવસ્તુઓના ભાવ વધવા માંડ્યા. ફુગાવો વધ્યો અને શ્રીલંકાની સ્થિતિ નાજુક બની. તેમ છતાં શ્રીલંકા તેની ભૌગોલિક સ્થિતિના કારણે ટકી શક્યું. શ્રીલંકાનું કોલંબો બંદર દક્ષિણ એશિયામાં વહાણવ્યવહાર માટેની સૌથી કિ પોઝિશન ધરાવે છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં પણ શ્રીલંકાએ દમખમ દાખવ્યો અને ગૃહયુદ્ધ પછી તો પ્રવાસન ઉદ્યોગ પણ ધમધમ્યો. શ્રીલંકાની આવકનો એક મોટો હિસ્સો પ્રવાસનથી આવે છે.

આ રીતે શ્રીલંકા અન્ય કોઈ પણ દેશમાં થતાં હોય તેવા નાનાં-મોટાં આર્થિક સંકટોથી અહીં સુધી પહોંચ્યો. હવે એકાએક આ સ્થિતિ આવી પડે તે શ્રીલંકાના લોકો માટેય આશ્ચર્ય પમાડે તેવી છે. તેમણે પણ આ કલ્પ્યું નહોતું કે આઝાદી કાળથી સ્થિરતા ટકાવી રાખનારો દેશ આ રીતે ભાંગી પડશે. જે દેશ ગૃહયુદ્ધમાં પણ ટકી શક્યો આજે તેની અરાજકતા પૂરા વિશ્વમાં ચર્ચાઈ રહી છે. આવું થવાનું કારણ વર્તમાન સરકારના પ્રતિનિધિઓ કોવિડની મહામારી દર્શાવી રહ્યા છે. તેમના મુજબ મહામારીમાં શ્રીલંકાનો પ્રવાસન ઉદ્યોગ પડી ભાંગ્યો અને તે પછી તેમાં કોઈ સુધાર ન થયો.

જો કે અર્થતંત્રના નિષ્ણાત શ્રીલંકાની સરકારની આ દલીલને માન્ય રાખતા નથી. તેમના મતે સરકારના અણઘડ આયોજનથી આ સ્થિતિ આવી છે. 2019માં ગોટાબાયે રાજપક્ષે રાષ્ટ્રપતિ બન્યા તે પછી તેમણે ટેક્સમાં ખૂબ મોટી રાહત આપવા માંડી. આ પગલાંથી સરકારની તિજોરી ખાલી થવા લાગી અને વિદેશી મુદ્રા જેનાથી તેઓ આયાત કરીને ચીજવસ્તુઓ ખરીદી શકે તેમાં પણ ઘટ આવી. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આ પછી જે નિર્ણય લીધો તે આયાત પર પ્રતિબંધ મૂકવાનો હતો. તેમાં રાસાયણિક ખાતર પર પણ પ્રતિબંધ આણ્યો. આ કારણે ખેડૂતોએ પોતાના પાક બચાવવા માટે અન્ય ઘરેલુ ખાતર પર આધાર રાખ્યો પણ તેનાથી તેમનો પાક બચી ન શક્યો અને શ્રીલંકામાં એ વર્ષે ખૂબ ઓછું ઉત્પાદન થયું. તેમાં મહામારી આવી. પ્રવાસનની આવક ઘટી. આ બધું જ થયું ત્યાં સુધી શ્રીલંકા પાસે બહારથી જરૂરી ચીજવસ્તુઓ મંગાવવા અર્થે જે વિદેશી મુદ્રા જોઈએ તે ખલાસ થઈ ચૂકી હતી અને દેશ નાદારીની કગાર પર પહોંચ્યો અને અંતે તેના પરિણામે રાષ્ટ્રપતિ ગોટાબાયે રાજપક્ષે દેશ છોડી નાસી ગયા.

એક દેશ જેનો ભૂતકાળ આટલો ગુલાબી લાગતો હતો તે એકાએક એવી સ્થિતિમાં આવી પડ્યો કે તેના નાગરિક આજે જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે રઝળી રહ્યા છે. અત્યારે જે ચર્ચા થાય છે તેમાં માત્ર આર્થિક કારણ દર્શાવાય છે પણ અત્યારે બરખાસ્ત થઈ ચૂકેલી સરકારે ધર્મ આધારિત રાજકારણનો પણ ખૂબ સહારો લીધો, જેના કારણે શ્રીલંકાના બૌદ્ધ, તમિલ, મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજ વચ્ચે ખાઈ વધતી ગઈ અને તેની અસર અર્થતંત્ર પર પડી. રાષ્ટ્રપતિ ગોટાબાયે રાજપક્ષે ફરાર છે પણ તેઓ એક સમયે ‘વૉર હિરો’તરીકે ઓળખાતા હતા કારણ તેમણે તમિલો સામેના ગૃહયુદ્ધમાં સફળતા મેળવી. વિશેષ કરીને તમિલ જૂથના નેતા પ્રભાકરનને મારીને તેમણે દેશમાં ખ્યાતિ મેળવી હતી.

જો કે તમિલના આ પૂરા ઓપરેશન દરમિયાન પશ્ચિમી દેશો અને સંયુક્ત રાષ્ટ્ર સાથેના શ્રીલંકાના સંબંધો કથળ્યા અને તે સંબંધોની ભરપાઈ કરવા અર્થે ચીન પાસે શ્રીલંકાએ મદદ માંગી. ભારતને ઘેરવા અર્થે શ્રીલંકા ભૌગોલિક રીતે કેન્દ્રબિંદુ છે અને તેથી ચીને શ્રીલંકાને છુટ્ટા હાથે મદદ કરવાની શરૂઆત કરી. આ મદદમાં કેટલીક અતિ મોંઘીદાટ યોજનાઓ આરંભાઈ અને તે રીતે ચીનના દેવામાં શ્રીલંકા ડૂબતું ચાલ્યું. ગોટાબાયે રાજપક્ષે પહેલાં તેમના ભાઈ મહિન્દ્રા રાજપક્ષે રાષ્ટ્રપતિ હતા અને ત્યારે ચીનના દેવામાં ડૂબવાના કારણે શ્રીલંકાએ હંબનટોટા નામનું આખું બંદર ચીનને 99 વર્ષના પટ્ટા પર આપી દેવું પડ્યું. આવી અનેક ભૂલો છે જેના કારણે શ્રીલંકા આ સ્થિતિમાં આવી પડ્યું છે.

શ્રીલંકાની જેમ આપણા પાડોશી દેશ પાકિસ્તાન પણ આર્થિક રીતે આ સ્થિતિમાં છે. ત્યાં પણ ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. ડોલરના મુકાબલે પાકિસ્તાનનો રૂપિયો 210 સુધી પહોંચી ચૂક્યો છે. વિદેશી મુદ્રા ભંડાર પણ ખત્મ થયા છે જેથી નિકાસ માટે પાકિસ્તાન પાસે કોઈ નાણાં નથી બચ્યાં. પાકિસ્તાનમાં સરકારે પોતાના ખર્ચ પર કાપ મૂકવાનો શરૂ કર્યો હોવા છતાં સંકટ ટાળી શકાય એમ લાગતું નથી. યુક્રેન પણ યુદ્ધના કારણે એ સ્થિતિમાં આવી પડ્યું છે. )આમાં સ્પેન, મેક્સિકો, ગ્રીસ, વેનેઝુએલા અને રશિયા જેવા દેશો પણ આવી ચૂક્યા છે. શ્રીલંકાની આ સ્થિતિ જોઈને ભારતની પણ આવી સ્થિતિ થશે તેવાં કેટલાંક નિવેદનો આવ્યાં છે.

રાહુલ ગાંધીનું પણ આવું જ નિવેદન આવ્યું છે. સ્વાભાવિક છે કે અત્યારે તે નિવેદનને ગંભીરતાથી ન લેવાં જોઈએ પણ ભારતની આર્થિક સ્થિતિ તો તપાસવી રહી. હવે સૌ પ્રથમ તો ભારત શ્રીલંકા કરતાં અનેકગણો મોટો દેશ છે. ભારત પાસે સંસાધનો પણ વધુ છે. શ્રીલંકા વિદેશી દેવાના કારણે બરબાદ થયું. આ ઉપરાંત શ્રીલંકા કરતાં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર અનેકગણો વધુ છે અને વર્તમાન સરકારના કાર્યકાળમાં આ વિદેશી મુદ્રા ભંડાર વધ્યો પણ છે. 2014માં આ વિદેશી મુદ્રા ભંડાર 19 લાખ કરોડ હતો જે હવે વધીને 46 લાખ કરોડ થયો છે. ભારતમાં છેલ્લાં વર્ષોમાં ભાવો અતિશય વધ્યા છે તે વાસ્તવિકતા છે પણ હજુય ભારતની સ્થિતિ શ્રીલંકા જેવી થશે તેવા કોઈ આસાર દેખાતા નથી.

Most Popular

To Top