Sports

રોમાંચક મેચમાં ચહલ-બટલરે રાજસ્થાનને જીતાડ્યું

મુંબઇ: ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL) આજે અહીં રમાયેલી 30મી મેચમાં (Match) જોસ બટલરની આક્રમક સદી અને દેવદત્ત પડ્ડીકલ સાથે 97 ઉપરાંત સંજૂ સેમસન સાથેની 67 રનની ભાગીદારીની મદદથી રાજસ્થાન રોયલ્સે મુકે્લા 218 રનના લક્ષ્યાંક સામે કોલકાતા નાઇટ રાઇડર્સ શ્રેયસ અય્યર અને એરોન ફિન્ચની આક્રમક અર્ધસદીઓ છતાં અંતિમ ઓવરમાં ચોથા બોલે 210 રનના સ્કોર પર ઓલઆઉટ થતાં રાજસ્થાન રોયલ્સ 7 રને જીત્યું હતું.

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી કોલકાતા નાઇટ રાઇડર્સે પહેલા બોલે જ સુનિલ નરેનની વિકેટ ગુમાવી હતી. જો કે તે પછી એરોન ફિન્ચ અને શ્રેયસ અય્યરે મળીને 9 ઓવરમાં જ બોર્ડ પર 107 રન મુકી દીધા હતા. ફિન્ચ 28 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 58 રન કરીને આઉટ થયો હતો. તે પછી 148 રનના સ્કોરે નીતિશ રાણા આઉટ થયો હતો અને આન્દ્રે રસેલ શૂન્ય રને આઉટ થતાં કેકેઆરનો સ્કોર 4 વિકેટે 149 રન થયો હતો. વેંકટેશ અય્યર ફરી એકવાર ફેલ ગયો હતો. અય્યર 51 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 85 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 180 રન હતો. આ જ સ્કોર પર શિવમ માવી પણ આઉટ થયો હતો અને પેટ કમિન્સ પણ આઉટ થતાં યુઝવેન્દ્ર ચહલે પોતાની અંતિમ ઓવરમાં હેટ્રિક સહિત કુલ ચાર વિકેટ ઉપાડી હતી. ઉમેશ યાદવે બોલ્ટની એક જ ઓવરમાં 20 રન લઇને મેચમાં રોમાંચકતા આણી હતી, જો કે ઓબેદ મેકોયે અંતિમ ઓવરમાં ઉપરાછાપરી બે વિકેટ ઉપાડીને રાજસ્થાનને 7 રને મેચ જીતાડી હતી.

ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમને બટલર અને પડ્ડીકલે મળીને પ્રથમ વિકેટની 97 રનની ભાગીદારી કરીને મજબૂત શરૂઆત અપાવી હતી. પડ્ડીકલ 18 બોલમાં 24 રન કરીને આઉટ થયો હતો. બટલર સાથે તે પછી સેમસન જોડાયો હતો. બટલરની આક્રમકતામાં જો કે તે પછી પણ કોઇ ફરક દેખાયો નહોતો અને તેણે કેકેઆરના બોલરોને ફટકારવાનું ચાલુ રાખ્યું હતું. સંજૂ સેમસન 19 બોલમાં 38 રન બનાવીને તે પછી આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 164 રન હતો. 17મી ઓવરમાં સ્કોર 183 પર પહોંચ્યો ત્યારે બટલર 61 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 103 રન કરીને આઉટ થયો હતો. તે પછી રાજસ્થાને રિયાન પરાગ અને કરુણ નાયરની વિકેટ ગુમાવી હતી. શિમરોન હેટમાયર 13 બોલમાં 26 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. કેકેઆર તરફથી સુનિલ નરેને 2 જ્યારે શિવમ માવી, પેટ કમિન્સ અને આન્દ્રે રસેલે 1-1 વિકેટ ખેરવી હતી. ટીમના સ્ટાર બોલર ઉમેશ યાદવે 4 ઓવરમાં 44 રન આપ્યા હતા અને તેને એક પણ વિકેટ મળી નહોતી.

Most Popular

To Top