Vadodara

ભાયલી વિસ્તારમાં ચાર ફળિયામાં હાઈ વોલ્ટેજથી વીજળી ગુલ, ફ્રીજ-ટીવી-RO ઠપ્પ

ઘરવખરીને નુકસાન, વળતર કોણ આપશે ? લોકોએ સવાલ ઉઠાવ્યા

( પ્રતિનિધિ )વડોદરા,તા.25

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા અને અચાનક હાઈ વોલ્ટેજ આવતા નાગરિકોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ડીસી પાવર વધવાથી અનેક ઘરોમાં ફ્રીજ, ટીવી, પાણીના RO, લાઈટ અને પંખા બળી જવાની ઘટના બની હતી. વીજળી ગુલ થતા લોકો ગરમીમાં મુશ્કેલીમાં મૂકાયા હતા.

વડોદરામાં ગરમીએ ભારે કરી છે. શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં વીજળી ગુલ, વીજ વાયરો સળગવા , શોર્ટ સર્કિટથી ઓવરહિટિંગના કારણે આગ લાગવાના અનેક બનાવો નોંધાયા હતા. ત્યારે, હવે હાઈ વોલ્ટેજના કારણે લોકોના ઘરોમાં ઈલેક્ટ્રીક ઉપકરણોમાં નુકસાન થયું હોવાનો બનાવ સામે આવ્યો હતો. શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા સુથાર ફળિયું, રબારી ફળિયું સહિત ભાયલીના અનેક વિસ્તારોમાં હાઈ વોલ્ટેજની સમસ્યા સર્જાઈ હતી. વોલ્ટેજ ફ્લક્ચ્યુએશનને કારણે ઘરગથ્થુ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી જતાં રહીશોને મોટું નુકસાન થયું છે. ફરિયાદ મળતા મધ્ય ગુજરાત વીજ કંપનીની ટીમ સ્થળ પર પહોંચી અને વાયરિંગ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. જોકે રિપેરિંગ બાદ પણ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો. વીજ વિભાગની કામગીરી સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક નિકુલ પરમારે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, ઘરગથ્થુ નુકસાનનું વળતર કોણ આપશે? વીજળી ગુલ થવાને કારણે લોકોની રોજિંદી કામગીરી પણ ખોરવાઈ ગઈ છે. 70 થી 80 ઘરોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. લાઈટ ચાલુ કરી આપી વાયરિંગ બદલી આપ્યું પરંતુ જે ચારથી પાંચ લાખનું લોકોના ઘરોમાં નુકસાન થયું છે. એ કોણ આપશે ? સવાલો કરતા વીજ કંપનીના કર્મચારીઓએ કોઈ યોગ્ય જવાબ નહિ આપ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top