વિશ્વ ફેમિલી ફિઝિશિયન દિવસે ‘ગુજરાતમિત્ર’ અખબારમાં ડો. વિનોદ સી. શાહ સાહેબે શહેરમાં ફેમિલી ફિઝિશિયન બાબતે ચિંતાનો સૂર પ્રકટ કર્યો છે. તે વ્યાજબી છે. એક જમાનામાં આ શહેર દરેક વિસ્તારમાં ઠેર ઠેર ફેમિલી ડોક્ટરના દવાખાનાની કોઇ અછત નહોતી. અમારા વાડીફળિયા વિસ્તારમાં ડો. નવનીતભાઇ નાગરવાડિયાની બોલબાલા હતી. અહીં દર્દીઓની બહુ ભારી ભીડ જોવા મળતી હતી. એમના મીઠા મધુરા સ્વભાવથી દર્દીઓનાં દિલ જીતી લીધાં હતાં.
દરેક પરિવાર સાથે તેઓ નિકટતાનો નાતો ધરાવતા હતા. અમારા માટે તેઓ ગોડફાધર સમાન હતા. શરદી-ખાંસી તાવ જેવી બિમારીમાં તેઓની દવાથી દર્દી બે દિવસમાં સારો થઇ જતો. નાનાં બાળકોને બળિયા બાપજી પધારતા એમના માટે રડતુ બાળક એમના હાથમાં શાંત થઇ જતું. એમની આ એક વિશેષતા હતી. મોટે ભાગે એમના દવાખાનાની હવાથી દર્દી તાજો માજો થઇ જતો. ભાગ્યે જ બહારની દવા લખતા. ધંધાદારી નહીં પણ સેવાભાવી ડોક્ટર હવે આજે રહ્યા નથી.
એમની યાદ આવે છે. હવે આજે એ ડોક્ટર પણ રહ્યા નથી. વધતી વયના કારણે તેઓએ વિદાય લીધી. એમનુ ક્લિનીક સાવ સૂનું પડી ગયું છે. માનવસેવા એ જ પ્રભુસેવા એમનો જીવનમંત્ર હતો. ગરીબ દર્દી પાસે તેઓ ફી લેતા નહોતા. આવા ડોક્ટર હવે મળવા મુશ્કેલ છે. ફેમિલી ફિઝિશિયન ડો. નવનીતભાઇ નાગરવાડિયા સાહેબને વિનમ્ર નમન.
સુરત – જગદીશભાઇ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.