Charchapatra

સોશ્યલ મિડિયાના રાગરંગ

આજના સમયમાં  રોજ રોજ વેર અને ધિક્કારની કથાઓ આપણી આસપાસ સાંભળવા મળે છે. માણસ ધીરે ધીરે એક એવા પશુમાં પરિવર્તિત થતો જાય છે, જે માણસજાતને જ ખતમ કરવા તૈયાર થતો જાય છે. વળી સોશ્યલ મિડિયા જેવું સાધન મળ્યું છે ત્યારથી કોઈ એકાદ સફળ વ્યક્તિને કે સેલિબ્રિટીને એના વિશે જેમ તેમ લખવાનો શોખ – ટ્રોલિંગ એ વિચિત્ર પ્રકારની માનસિક વિકૃતિને સંતોષ આપે છે. સારી વાત કે સાચી વાતને તોડી-મરોડીને એમાંથી ગંદકી શોધી કાઢવી એવો સ્વભાવ બનતો જાય છે. હવે દરેક વ્યક્તિ રીલ બનાવે છે. ફેસબુક – ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ફોલોઅરની સંખ્યાની સરખામણી આપોઆપ થાય છે.

  ફોમો કિપર ઓફમિસિંગ આઉટ એક એવી લાગણી છે જેથી એમાંથી નિરાશામય ઈર્ષા, ઈર્ષામાં વેર અને વેરમાંથી હિંસા જન્મે છે. કલા, સાહિત્ય, ફિલ્મ કે ક્રિકેટ રાજકારણમાં એક વાર દલીલ શરૂ થાય તો ગમે તેમ ગાઢ સંબંધને ખતમ થઈ જતાં વાર નથી લાગતી. ખાસ તો ધર્મની વાત આવે ત્યારે તો મગજ કોઈ મશાલની જેમ સળગવા લાગે છે. ન હોય ત્યાંથી પણ મુદ્દો ઊભો કરી એ મુદ્દાને વધુ ને વધુ સળગાવવાની પ્રવૃત્તિ કેટલાંક લોકો માટે ફુલટાઈમ શોખ થઈ છે. એમાં વળી ન્યૂઝ ચેનલવાળાઓ તો માઝા મૂકીને જાણે સમાચારની ભાષા યુદ્ધમાં જેમ સામસામે ગોળીબાર થતા રહે એવી રીતે જ સમાચારમાં ગરમાટો લાવી નાખે છે જે સાંભળનારને ઉશ્કેરે છે.
ગંગાધરા- જમિયતરામ હ.શર્મા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

હવે મહિલા ચેઇન સ્નેચરોથી પણ સાવધાન
21 ડિસેમ્બર ‘ગુજરાતમિત્ર’ દૈનિકના પૃષ્ઠ 4ના અહેવાલ મુજબ મહિલા ચેઈન સ્નેચર જૈન ધર્મના ધાર્મિક પ્રસંગે સોનાની ચેઈનની તફડંચી કરતી હતી! મુખ્ય સૂત્રધાર ‘અતિ અનુભવી’છે! શું હવે સોનાના દાગીના પહેરવા એ પણ જોખમ થઈ ગયું છે? શુભ પ્રસંગે બહેનો દાગીના તો પહેરે જ ને! પણ આ પ્રકારની લૂંટ અતિ નિંદનીય ગણાય.  ઘણી વાર બાઈકસવાર ચોર પણ મહિલાઓના ચેઈન તીવ્રગતિથી ખેંચી જાય છે. પણ આ તો મહિલા ‘ચેઇન સ્નેચર’! બહેનો પુરુષ સમોવડી તો થઈ, પણ ‘ચૌર્યકળા’માં સમોવડી બનશે એ તો દુ:ખદ આશ્ચર્ય જ ગણાય! એમની ‘મોડ્સ ઓપરન્ડી’પણ અત્યંત ચાલાકીયુક્ત છે! મહિલા હોવાની સહાનુભૂતિ ઉઘરાવી લોકટોળું ભેગું કરી પોલીસને પણ ચકમો આપી દે છે!

શું પ્રામાણિકતાથી આર્થિક ઉર્પાજન ન થઈ શકે? કે આવા હીનમાર્ગ એક મહિલા થઈ અપનાવો છો! સમાજમાં બહેનોએ સોનાના દાગીના પહેરવા નહીં અને ‘ઈમીટેશન જ્વેલરી’ પહેરવાનો સમય આવી ગયો લાગે છે! સોનાના ભાવ આસમાન આંબે છે એ સમયે ચેઈન ચોરી થઈ જાય તો આઘાત તો અવશ્ય લાગે! આ પ્રકારની અન્ય ગેંગની ધરપકડ પણ અવશ્ય થવી જોઈએ. આ તો સામાન્ય જનતાને મોટી આર્થિક ખોટ સહન કરવી પડે એવા સંજોગો ઉપસ્થિત થાય. મહિલાઓએ સચેત અને જાગ્રત રહેવું જરૂરી.
સુરત     – નેહા શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top