Columns

હિમ નદીની દુર્ઘટના કુદરતી નહોતી, પણ તેમાં મનુષ્યોનો ફાળો હતો

ઉત્તરાખંડમાં જ્યારે જ્યારે કોઇ દુર્ઘટના બને છે ત્યારે ત્યારે દોષનો ટોપલો કુદરતના માથા પર ઢોળી દેવામાં આવે છે. હકીકત એ છે કે ઉત્તરાખંડમાં કુદરત સાથે એટલી બધી છેડછાડ કરવામાં આવી છે કે તેને કારણે કુદરતનું સંતુલન ખોરવાઈ ગયું છે. આ સંયોગોમાં નાનકડી પણ દુર્ઘટના થાય તો તેથી મોટી જાનહાનિ થાય છે.

કેટલાંક વર્ષો પહેલાં કેદારનાથમાં વાદળ ફાટવાની ઘટના બની તેને કારણે ભારે જાનહાનિ થઈ હતી. પાછળથી બહાર આવ્યું હતું કે લાલચુ મનુષ્યો દ્વારા નદીઓના પટમાં મકાનો બાંધીને નદીનો પ્રવાહ રોકવામાં આવ્યો તેને કારણે જાનહાનિ વધી ગઈ હતી. વર્તમાન દુર્ઘટના માટે પણ ઉત્તરાખંડમાં સરકાર દ્વારા આડેધડ ખોદવામાં આવતાં બોગદાંઓ, પથ્થરોની ખાણો અને હિમાલયની નદીઓ આડે બાંધવામાં આવેલા બંધો જવાબદાર જણાય છે.

હિમાલયની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તેને સમજ્યા વિના ત્યાં વિકાસના નામે કુદરત સાથે ભારે છેડછાડ કરવામાં આવી રહી છે. હિમાલયની પર્વતમાળા હજુ કાચી છે અને ત્યાં વારંવાર શિલાઓ ધસી પડવાની ઘટનાઓ બનતી હોય છે.

આ હકીકતની ઉપેક્ષા કરીને હિમાલયના પ્રદેશમાં પહાડો તોડીને ફોર લાઇન હાઇ વે તૈયાર થઈ રહ્યો છે અને રેલવે લાઇન લાવવાની પણ તૈયારી ચાલી રહી છે. હિમાલયમાંથી નીકળતી નદીઓમાંથી વીજળી પેદા કરવા કુદરતના કાનૂનોથી વિરુદ્ધ જઈને પહાડોમાં વહેતી નદીઓ પર ૧૬ બંધો બાંધવામાં આવ્યા છે અને બીજા ૧૩ બંધાઇ રહ્યા છે.

ઉત્તરાખંડ સરકારની યોજના ઋષિકેશ ઉપરના પ્રદેશમાં ૫૪ જેટલા બંધો બાંધવાની છે. પર્યાવરણવિદો દ્વારા તેની સામે કોર્ટમાં કેસો કરવામાં આવ્યા છે તો પણ સરકાર તે યોજનાઓમાં આગળ વધી રહી છે. હિમનદી પીગળવાની ઘટના બની ત્યારે તેમાંના બે બંધ ધોવાઈ ગયા છે. માનવજાતે કુદરતનો સંકેત સમજી હિમાલયની નદીઓ પર બંધો બાંધવાની તમામ યોજનાઓ પડતી મૂકવી જોઈએ. જો તેમ નહીં થાય તો ભવિષ્યમાં વધુ મોટી જાનહાનિ પણ થઈ શકે છે.

હિમાલયના ઉત્તર ભાગમાં જળઊર્જાની યોજનાઓ અને ચાર ધામને જોડતા ફોર લાઈન રોડ માટે વૃક્ષોનો સંહાર કરવામાં આવી રહ્યો છે, જેને કારણે ધરતી વેરાન થઈ રહી છે. આ વેરાન પહાડી પર જરાક વરસાદ પડે ત્યારે શિલાઓ પડવા લાગે છે.

ચમોલી જિલ્લામાં ઋષિગંગા નદી પર જે વિરાટ બંધ બંધાઈ રહ્યો છે તેના પટમાં પણ ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું હતું. આ નદીના કિનારે આવેલાં રાઈની ગામના લોકો દ્વારા ૨૦૧૯ ના મે મહિનામાં ઉત્તરાખંડ હાઈ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી કે નદી આડે બંધ બાંધવા માટે પહાડો તોડવામાં આવી રહ્યા છે અને તેનો ભંગાર નદીના પટમાં ઠાલવવામાં આવી રહ્યો છે, જેને કારણે નદીનો પ્રવાહ રોકાઇ રહ્યો છે.

હાઈ કોર્ટે ચમોલીના કલેક્ટરને તપાસ કરવાનો આદેશ કર્યો હતો. ચમોલીના કલેક્ટરે તપાસ કરીને જે રિપોર્ટ આપ્યો તેમાં ગામના લોકોના આક્ષેપોમાં તથ્ય હોવાનું જણાયું હતું. તેમ છતાં કામ ચાલુ રહ્યું હતું.

ઇ.સ. ૨૦૧૩ ના જૂન મહિનામાં યાત્રાની મોસમ પૂરજોશમાં હતી ત્યારે કેદારનાથની ઉત્તરે આવેલાં તળાવમાં ગાબડું પડ્યું હતું અને મોટી દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં આશરે ત્રણ હજાર લોકોના જીવ ગયા હતા અને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારે પણ નદીની આડે બાંધવામાં આવેલા બંધો તણાઇ ગયા હતા.

જો ઉત્તરાખંડમાં નદીના કિનારે મોટી સંખ્યામાં ગેરકાયદે મકાનો બાંધવામાં ન આવ્યા હોત તો આટલી મોટી જાનહાનિ ન થઈ હોત. ઉત્તરાખંડમાં એક જ દાયકામાં આ બીજી મોટી કુદરતી દુર્ઘટના થઈ છે. વિજ્ઞાનીઓ કહે છે કે ૧૯૭૫ અને ૨૦૦૦ ની સાલ વચ્ચે હિમનદીઓ પીગળવાની જે ઝડપ હતી તે ઝડપ ૨૦૦૦ અને ૨૦૨1 વચ્ચે બમણી થઈ ગઈ છે.

ધરતીનું તાપમાન વધી રહ્યું છે તેને કારણે પણ હિમનદીઓના પીગળવાની ઝડપ વધી રહી છે. કાઠમંડુમાં રહેલી ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે હિમાલય અને હિંદુકુશ પર્વતમાળાઓમાં જે હિમનદીઓ આવેલી છે તેના પાણીના જથ્થામાં ૨૧૦૦ ની સાલ સુધીમાં ૩૬ ટકાનો ઘટાડો થવાનો છે.

તેનું કારણ છે કે ૨૧૦૦ સુધીમાં પૃથ્વીના તાપમાનમાં ૧.૫ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. ગંગા, યમુના, સિંધુ, સતલજ, બ્રહ્મપુત્રા વગેરે નદીઓની ખીણમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લા દેશના આશરે ૬૦ કરોડ લોકો વસવાટ કરે છે.

તેઓ પીવાનાં પાણી તેમ જ સિંચાઈ માટે હિમનદીઓ પર નિર્ભર છે. જો હિમનદીઓ સંકોચાઈ જશે તો ગંગા વગેરે નદીઓના પાણીનો જથ્થો પણ ઘટી જશે. તેને કારણે ઉત્તર ભારતમાં આગામી દાયકાઓમાં દુષ્કાળની પરિસ્થિતિ પણ પેદા થઈ શકે છે.

ગંગા નદીને પ્રદૂષણથી જેટલું જોખમ નથી, એટલું જોખમ તેના પ્રવાહને રૂંધતા બંધોથી છે. ગંગોત્રી અને ઉત્તરકાશી વચ્ચે ભાગીરથી ઉપર બાંધવામાં આવેલા ૬૦૦ નાના-મોટા બંધોની યોજના જો અટકાવવામાં નહીં આવે તો હિમાલયની પહાડીઓ વચ્ચે ક્યાંય ગંગાનાં દર્શન પણ દુર્લભ બની જશે. આ ૬૦૦ બંધો વીજળી પેદા કરવા માટે બંધાઇ રહ્યા છે.

તેઓ ગંગા નદીનો વિનાશ કરે તેવા છે. ગોમુખમાં હિમનદીમાંથી પ્રગટ થતી ગંગા છેક ઋષિકેશ સુધી પહાડોમાં વહે છે. ઉત્તરાખંડ સરકારની યોજના મુજબ આ ગંગાના પ્રવાહને ગંગોત્રી પછી ૧૪ કિલોમીટરે મોટો બંધ બાંધીને એક ભૂગર્ભ બોગદામાં ઉતારી દેવામાં આવશે. આ બોગદું આશરે ૧૩૦ કિલોમીટર લાંબું હશે. ગંગોત્રીની નજીક અદૃશ્ય થયેલી ગંગા છેક ઉત્તરકાશી નજીક ધરાસૂ પાસે જમીન ઉપર આવશે.

       ગંગોત્રી અને ઉત્તરકાશી વચ્ચે ગંગા નદી ઉપર જે ૬૦૦ બંધો બાંધવાની યોજના તૈયાર કરવામાં આવી છે, તે પૈકી કેટલાક બંધો તૈયાર થઇ ગયા છે, કેટલાક બંધાઇ રહ્યા છે અને કેટલાક હજી કાગળ ઉપર છે. આ બંધો દ્વારા ગંગા નદીના કુદરતી પ્રવાહને રોકીને ભોંયરામાં ઉતારી દેવામાં આવશે.

આ ભોંયરામાં ગોઠવવામાં આવેલાં ટર્બાઇન દ્વારા વીજળી પેદા કરવામાં આવશે. તેને લીધે ગંગોત્રી અને ઉત્તરકાશી વચ્ચે ગંગાનો જમીન ઉપર વહેતો પ્રવાહ અદૃશ્ય થઇ જશે. જે કરોડો લોકો સદીઓથી ગંગાના તટ ઉપર વસે છે, તેમને હવે પીવા માટે અને ખેતી માટે પણ ગંગાનું પાણી મળશે નહીં.

૧૩૦ કિલોમીટરના વિસ્તારમાં જેટલાં મંદિરો ગંગાતટે આવ્યાં છે એ બધા પણ ભેંકાર થઇ જશે. નદીના કિનારે જે  વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ છે, તેનો પણ નાશ થશે. વળી આ બંધોમાંથી પાણી છોડવામાં આવશે ત્યારે નદીના નીચેવાસમાં રહેતાં લોકોને પણ નુકસાન થશે.

ગંગા નદી ઉપર હિમાલયમાં જે બંધો બંધાઇ રહ્યા છે, તેમાં સૌથી મોટા બંધો ભૈરવ ઘાટી-૧ અને ૨ છે.  તેની બાજુમાં જ લોહારીનાગ પાલા નામનો બંધ બંધાઇ રહ્યો છે, જેમાં ૬૦૦ મેગાવોટ વીજળી પેદા થશે, એવો દાવો કરવામાં આવે છે.

આ ઉપરાંત અલકનંદા નદી ઉપર શ્રીનગર પાસે ૩૩૦ મેગાવોટનો એક ડેમ પણ બની રહ્યો છે. આ ડેમ બનાવવા માટે જે બ્લાસ્ટ કરવામાં આવે છે તેના કારણે લોકોનાં ઘરોમાં તિરાડો પડી જાય છે. આ ડેમ બાંધવાનો કોન્ટ્રેક્ટ સિકંદરાબાદની એક કંપનીને આપવામાં આવ્યો છે.

ગંગોત્રી અને ઉત્તરકાશી વચ્ચે ૬૦૦ બંધો બાંધીને વીજળી ઉત્પ્ન્ન કરવાની નહીં પણ ગંગા નદીને ખતમ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ગંગા નદી સદીઓથી વહેતી આવી છે. તેના પ્રવાહને ફાંસીના ફંદા દ્વારા રૂંધવાનો કોઇને અધિકાર નથી. 

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top