Charchapatra

હસતા હુઆ ઇરાની ચહેરા, એલનાઝ

લોકો હવે હોલીવુડની ફિલ્મો જુએ છે અને બીજા દેશોની ફિલ્મો યા ટી.વી. શ્રેણી પણ જુએ છે. આ કારણે હવે દેશી-વિદેશી ચહેરાઓ જાણે જુદા પડવા મુશ્કેલ થયા છે. હિન્દી ફિલ્મોમાં અત્યારે અનેક વિદેશી એકટ્રેસ કામ કરી રહી છે અને લોકો ભુલી ગયા છે કે તે વિદેશી છે. તો હવે તેમાં એલનાઝ નવરોઝીનું નામ પણ ઉમેરી લો. તે મૂળ ઇરાની છે. ભારતની આસપાસના દેશોમાં અફઘાનિસ્તાન, ઇરાન, પાકિસ્તાનના ચહેરા એવા હોય છે કે જે ભારતીય ચહેરાની નજીક હોય. એલનાઝ પણ એવી જ છે. ઇરાની સૌંદર્ય લઇને આવેલી એલનાઝ અત્યંત સફળ ઇન્ટરનેશનલ મોડલ રહ્યા પછી હિન્દી વેબસિરીઝ અને ફિલ્મોમાં કામ કરી રહી છે. પર્શીયન પારંપરિક નૃત્ય શીખેલી એલનાઝ જયારે  જર્મનીમાં હતી ત્યારે હીપહોપ પણ શીખેલી અને ઇન્ડિયામાં તે કથકનૃત્ય શીખી રહી છે. જર્મની હતી ત્યારે એક વર્ષ માટે અભિનયની પણ તાલીમ લીધી છે.

તે સફળતા માટે મહેનત કરવામાં  માને છે અને કહે છે કે જો તમારે સકસેસફૂલ થવું હોય તો અનકર્મ્ફટેબલ સંજોગો સાથે કર્મ્ફટેબલ થવાનું શીખી જવું જોઇએ. અભિનયમાં પ્રવેશવા પહેલાં તે ૧૦ વર્ષ સુધી મોડેલ રહી છે તેથી અભિનય બાબતે તે આત્મવિશ્વાસ ધરાવે છે. જર્મની, ઇંગ્લિશ, ફ્રેન્ચ જાણનાર એલનાઝ હિન્દી, ઉર્દુ, પંજાબી પણ સરસ રીતે બોલી શકે છે.  ‘સેક્રેડ ગેમ્સ’ માં જો તમે તેને સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોઇ હોય તો તેની ટેલેન્ટ અને બ્યુટીને ઓળખી ગયા હશો. હમણાં તે હિજાબ વિરુધ્ધમાં પણ ઊભી થઇ હતી અને તેણે વસ્ત્રો ઊતારીને તેનો વિરોધ જાહેર કરેલો. તેણે કહેલું કે અમારે કેમ રહેવું તેનો અમને અધિકાર છે.

આ પ્રકારે હિજાબનો વિરોધ કરતી તેને જોઇને ઘણાએ દાદ પણ આપેલી. બાકી હોય ઇન્ડિયામાં તો ઇરાન વિશે વિરોધ શું કરવો? એવું કોઇ વિચારી શકે. પણ એલનાઝ મૂળ તહેરાન-ઇરાનની છે. એલનાઝ ૨૦૧૮ થી ફિલ્મોમાં કામ કરે છે. તેની પહેલી ફિલ્મ ‘માન જાઓ ના’ પાકિસ્તાનની હતી અને હિન્દીમાં પ્રથમવાર ‘હેલો ચાર્લી’ માં દેખાય હતી. એલનાઝે પંજાબી ફિલ્મ ‘ખિદ્દો ખુંડી’ (વોલ અને હોકી) માં પણ કામ કર્યું છે. અત્યારે તે ‘કંદહાર’ નામની ઇંગ્લિશ ફિલ્મમાં કામ કરી રહી છે. ‘જુગ જુગ જિયો’ માં તે રશિયન પાર્ટી ગર્લ બની હતી. પોતાના વિશે વધુ દાવા ન કરનારી એલનાઝ આવનારા સમયમાં મુખ્ય અભિનેત્રી તરીકે દેખાય તો નવાઇ ન પામશો. ‘સેક્રેડ ગેમ્સ’ની ઝોયા મિર્ઝાની ભૂમિકા પછી તે પાછી રહી જાય એવી નથી. તેની ‘સંગીન’ નામની ફિલ્મ નવાઝુદ્દીન સાથે છે. એલનાઝ મહત્વાકાંક્ષી છે અને મહેનતુ છે. સૌંદર્ય તો છે જ. હવે તેને કોઇ કેવી રીતે રોકી શકે? •

Most Popular

To Top