Columns

જાણો શ્રાદ્ધમાં કાગડાને જ કેમ વાસ નાખવામાં આવે છે?

દર વર્ષે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષ આવે છે. શ્રાદ્ધ પક્ષને શરાદીયાં અથવા પિતૃપક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમનાં પિતૃઓ કૈલાસવાસી થયાં હોય, એ સહુનાં આત્માની શાંતિ માટે,આ માસમાં પૂજાવિધિ, શ્રાદ્ધ, તર્પણ, દાન પુણ્ય, ધર્મકાર્ય, તથા પિંડદાન વિગેરે વિધિવત કરવામાં આવે છે.એવું કહેવાય છે કે, પિતૃઓ દર મહિને સુક્ષ્મ સ્વરૂપે, પોતાના સંતાનો પાસે પિંડદાન લેવા માટે આવે છે, પરંતુ શ્રાદ્ધ પક્ષમાં તો પિતૃઓ અચૂક પિંડદાન લેવા માટે આવે છે, એવું આપણાં શાસ્ત્રોમાં તથા ધાર્મિક પુસ્તકોમાં લખેલું છે. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ પિંડદાન લઈને તૃપ્ત થાય છે અને પોતાનાં સંતાનોને આશીર્વાદ આપે છે. “શ્રાદ્ધ એટલે મન, વચન તથા શ્રદ્ધાપૂર્વક, પોતાનાં પિતૃઓની તૃપ્તિ અને શાંતિ માટે કરવામાં આવતું શુભકામ”. ઘણાં લોકોની માન્યતા એવી પણ છે કે કોઈ કારણસર પોતાનાં પિતૃઓની દુર્ગતિ થઈ હોય તો શ્રાદ્ધ પક્ષમાં ભક્તિભાવપૂર્વક અને શ્રદ્ધાથી એમનાં પિતૃઓનું શ્રાદ્ધ, પિંડદાન કે તર્પણ કરવામાં આવે તો એમનાં પિતૃઓની સદ્દગતિ થાય છે.

શ્રાદ્ધ કુલ ૧૫ દિવસનાં હોય છે. ભાદરવા વદ એકમથી લઈને ભાદરવા વદ અમાસ સુધીના સમયને શ્રાદ્ધ પક્ષ, શ્રાદ્ધ કે શરાધિયાં કહેવામાં આવે છે.શ્રાદ્ધ અલગ અલગ પ્રકારનાં હોય છે, જેમકે નાંદી શ્રાદ્ધ, જેમનાં સંતાનો બાલ્યાવસ્થામાં શ્રીજી ચરણ પામ્યા હોય તેઓનાં આત્માની શાંતિ માટે બાલાભોલાનું શ્રાદ્ધ, નોમના શ્રાદ્ધને ડોશીઓનાં નોમનું શ્રાદ્ધ કહેવામાં આવે છે. આ ઉપરાંત, પાંચમના શ્રાદ્ધને ભરણી શ્રાદ્ધ, છઠ્ઠના શ્રાદ્ધને કૃતિકા શ્રાદ્ધ કહેવામાં આવે છે.બારસના શ્રાદ્ધને સંન્યાસીઓના શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે.

તેરસના શ્રાદ્ધને મઘા શ્રાદ્ધ કહેવામાં આવે છે. અકસ્માત કે અસ્ત્ર શસ્ત્રથી મૃત્યું પામેલાઓ માટે ચૌદશનું શ્રાદ્ધ અને છેલ્લે જાણે અજાણે કે ભુલેચૂકે કોઈના પણ પિતૃઓનું શ્રાદ્ધ કરવાનું નથી રહી ગયું હોય તો તેમને માટે સર્વપિતૃ અમાવસનું શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં લોકો પોતાનાં પિતૃઓની મનપસંદ રસોઈ બનાવે છે, પરંતુ ખાસ કરીને ખીર, દૂધપાક, પુરી તથા ભજિયાં વિશેષ પ્રમાણમાં બનાવે છે. જેમનાં ઘરે પોતાના પિતૃઓનું શ્રાદ્ધ હોય તે દિવસે ઘરનાં સભ્યો વ્હેલા ઉઠી નાહી પરવારીને પૂજાપાઠ કરે છે અને તૈયાર થયેલ રસોઈમાંથી એક વાટકી કે ડીશ માં બધી રસોઈ થોડી થોડી મૂકીને અગાસી કે ધાબા ઉપર જઈને “કાગવાસ કાગવાસ” એમ બોલીને વાસ નાંખે છે અને કાગડાઓ આવીને આ વાસ આરોગે છે.

લોકોની દ્દઢ માન્યતા છે કે કાગડાના માઘ્યમ થકી, શ્રાદ્ધ પક્ષમાં નાંખેલી વાસ એમનાં પિતૃઓ સુધી પહોંચે છે અને પિતૃઓ તૃપ્ત થઈને આશિષ આપે છે.હકીકતમાં આ કુદરતનો કરિશ્મા છે, કારણકે સામાન્ય દિવસોમાં આપણે સૌ કાગડાને અપશુકનિયાળ પક્ષી ગણીને ધિક્કારીએ છીએ અને તેનો કર્કશ અવાજ પણ આપણાંને બેચેન બનાવે છે. ખરેખર તો કાગડો એ કુદરતનો સફાઈ સેવક છે. આખું વર્ષ કાગડો માનવ વસ્તીની ગંદકી સાફ કરીને, વધેલું ઘટેલું કે એંઠવાડ આરોગીને ગંદકી, કોહવાટ કે સડો થતો અટકાવે છે. મરેલાં પશુ પક્ષીઓનાં મૃતદેહને પણ કાગડાઓ ફોલીને ખાઈ જાય છે.

આમ આડકતરી રીતે કાગડાઓ સફાઈ કામ અને પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ બને છે.કાગડાઓના ગુરૂ શ્રી કાકભુસુંડીજી એ ભગવાન સાથે બહુ તાર્કિક દલીલો કરી અને જણાવ્યું કે મારા હાથ નીચેની કાગસેનાને પણ ક્યારેક તો સારી વસ્તુ ખાવાનાં અભરખા જાગે કે નહીં? કાકભુસુંડીની દલીલોથી રાજી થઈને ભગવાને જણાવ્યું કે મને તમારી કાગસેના આખું વર્ષ પર્યાવરણ જાળવવામાં આડકતરી રીતે મદદરૂપ થાય છે એના ફળસ્વરૂપે,દર વર્ષે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષમાં પંદર દિવસ સુધી, જે માનવ સમૂદાય કાગસેનાને ધિક્કારે છે એજ માનવ સમૂદાય હોંશે હોંશે તમારી કાગસેનાને સામે ચાલીને અને આવાહન આપીને કાગવાસના રૂપમાં સારી સારી વાનગીઓ જમાડશે. માટે દર વર્ષે આપણે શ્રાદ્ધ પક્ષમાં આપણાં પિતૃઓનાં આત્માની શાંતિ માટે કાગવાસ નાંખીએ છીએ.આમ કુદરતે મનુષ્યને હાથો બનાવીને, કાગસેનાને વર્ષમાં એક વખત સારૂં જમવાનું મળી રહે એવી વ્યવસ્થા કરીને કાગડાઓ પ્રત્યેનું ઋણ ચૂકવી દીધું છે.

ભગવાન રામચંદ્રે પણ વનવાસ દરમિયાન એમના મૃત પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું. મુનિશ્રેષ્ઠ પરશુરામે પણ એમના દિવંગત પિતા શ્રી જમદગ્નિ મુનિના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કર્યાના દાખલા શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે.આમ શ્રાદ્ધ કરવાની પરંપરા વર્ષો પુરાણી છે. સામાન્ય રીતે શ્રાદ્ધ નદીના કિનારે અથવા ત્રિવેણી સંગમ પાસે કરવાનો અનેરો મહિમા છે.માતાનું શ્રાદ્ધ ગુજરાતમાં આવેલા સિદ્ધપુર ખાતે તથા પિતાનું શ્રાદ્ધ બિહારમાં આવેલા ગયાજીમાં કરવાનો અનોખો મહિમા છે.આ ઉપરાંત નર્મદા કિનારે (ચાણોદ), કરનાળી ખાતે, કાશી, હરિદ્વારમાં ગંગા કિનારે, રાજસ્થાનમાં પુષ્કર ખાતે, કચ્છમાં નારાયણ સરોવર ખાતે, મથુરામાં યમુના કિનારે વિશ્રામ ઘાટ ખાતે શ્રાદ્ધ કરવાથી પિતૃઓના આતમને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. માત પિતા કે વડીલોનું શ્રાદ્ધ કરવું એ દરેક સંતાનોની ફરજમાં આવે છે.

શ્રાદ્ધ પક્ષમાં કોઈ શુભ કાર્ય થઈ શકતું નથી. શ્રાદ્ધ પક્ષમાં ડુંગળી તથા લસણ જેવા તામસી ગુણધર્મ ધરાવતા કંદમૂળ ખાવા ઉપર નિષેધ છે. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓના આશીર્વાદ લેવા માટે પિતૃઓનું ભક્તિભાવપૂર્વક આવાહન કરી એમનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરી બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપવી જોઈએ.પિતૃઓની છબી સમક્ષ ધૂપ, દીપ અને અગરબત્તી કરી પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરવા જોઈએ.ટૂંકમાં શ્રાદ્ધ એટલે મન, વચન તથા શ્રદ્ધાપૂર્વક પોતાનાં પિતૃઓના આત્માની શાંતિ માટે કરવામાં આવતું કામ.

Most Popular

To Top