Gujarat

દેશમાં મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે મુસ્લિમ યુવકને બચાવવા જતાં હિન્દુ યુવાને જીવ ગૂમાવ્યો

કચ્છ: દેશના કેટલાક શહેરોમાં હિન્દુ(Hindu) -મુસ્લિમના (Muslim) નામે લોકો સામ-સામે આવી ગયા છે. ત્યારે કચ્છમાં એક એવી ઘટના બની છે જેમાં મુસ્લિમ યુવાનને બચાવવા જતા એક હિન્દુ યુવાને પોતાનો જીવ ગૂમાવ્યો છે. બે દિવસ અગાઉ કચ્છના (Kutch) ભચાઉ (Bhachau) નજીક નર્મદા કેનાલમાં (Narmada Canal) એક મુસ્લિમ યુવાન ડૂબી રહ્યો હતો જેને બચાવવા જતા ક્ષત્રિય સમાજનો યુવક પણ ડૂબી ગયો હતો. આ ઘટનામાં બંનેના કરૂણ મોત (Death) થયાં હતા.

કચ્છમાં બે દિવસ અગાઉ ભચાઉ નજીક નર્મદા કેનાલમાં અક્રમ અબડા નામનો મુસ્લિમ યુવાન ડૂબી રહ્યો હતો, તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા જિતેન્દ્રસિંહ જાડેજાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેેને બચાવવા કેનાલમાં કૂદી પડ્યો હતો. આ ઘટનામાં બંનેના કરુણ મોત થયાં હતાં.

24 વર્ષીય જિતેન્દ્રસિંહ જાડેજા જ્યારે ભચાઉ SRP કેમ્પ નજીક આવેલી નર્મદા કેનાલ પાસેથી પસાર થઈ રહ્યો હતા ત્યારે તેને કેનાલમાં મુસ્લિમ યુવાન અક્રમ યુસુફભાઈ અબડને ડૂબતો જોયો હતો, અક્રમ તેની માતાની સામે જ ડૂબી રહ્યો અને તેની માતા બચાવ બચાવ બૂમો પાડી રહી હતી. આ જોઈ જિતેન્દ્રસિંહ અને તેના મિત્રએ અક્રમને બચાવવાનો નિર્ણય કર્યો હતો. જિતેન્દ્રસિંહને તરતા આવડતું હતું તેથી તેણે એક પણ ક્ષણ વિલંબ કર્યા વગર કેનાલમાં કૂદી અક્રમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે તેનો મિત્ર દોરડું લેવા માટે ગયો હતો. જિતેન્દ્રસિંહ મિત્ર દોરડું લઈને આવે તે પહેલાં જ પાણીમાં કૂદીને અક્રમને બચાવવા ગયો, જેમાં તેને સફળતા પણ મળી હતી. જો કે અક્રમે જિતેન્દ્રસિંહનો હાથ પકડી લેતા બંને ડૂબવા લાગ્યા હતા. ઘટના બાદ અક્રમનો મૃતદેહ મળ્યો હતો જ્યારે જિતેન્દ્રસિંહનો મૃતદેહ 24 કલાક બાદ 10 કિલોમીટર દૂરથી મળ્યો હતો.

મૃતક જિતેન્દ્રસિંહ જાડેજાના પિતરાઈ જોગરાજસિંહ જણાવ્યું હતું કે જિતેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામમાં તેના મામાને ત્યાં નોકરી કરતો હતો. રવિવારે તેને રજા હોવાથી તે ઘરે આવ્યો હતો. તે કેનાલના રસ્તે ભચાઉ વાળ કપાવવા જતો હતો. ત્યારે રસ્તામાં આ ઘટના બની હતી. જિતેન્દ્રસિંહ જો પાંચ મિનિટ મોડા ગયા હોત તો તે આજે જીવંત હોત. જોગરાજસિંહ જણાવ્યું હતું કે મુસ્લિમ યુવક અક્રમ તેની માતા અને નાના ભાઈ સાથે વિધિ માટે આવ્યો હતો. તે દરમિયાન અક્રમનો પગ લપસી જતા તે કેનાલમાં પડી ગયો હતો. અક્રમની ઉંમર લગભગ 35 વર્ષની હશે અને તે ભચાઉના માનસરોવર વિસ્તાર નજીકના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના બાદ મુસ્લિમ અગ્રણીઓએ જિતેન્દ્રસિંહ જાડેજાના ઘરે જઈ જિતેન્દ્રસિંહના પરિવારને દિલાસો આપ્યો હતો. દિલ્હીના માજી સાંસદ મૌલાના ઉબેદુલાખાન આઝમી, હાજી જુમાભાઈ રાયમા સહિતના મુસ્લિમ અગ્રણીઓએ પણ જિતેન્દ્રસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે જિતેન્દ્રસિંહ જાડેજાએ મુસ્લિમ યુવાનને બચાવવા શહીદી વહોરી એક ક્ષત્રિય ધર્મને છાજે એવું કાર્ય કર્યું છે. અને આ વાત મુસ્લિમ સમાજ ક્યારેય ભૂલશે નહીં.

Most Popular

To Top