Gujarat

8 જૂનથી ફરી શાળાઓ ખુલશે

ગાંધીનગર : રાજ્યમાં વર્ષ 2026 માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ સ્વનિર્ભર શાળાઓમાં એકસરખી તારીખો મુજબ વેકેશન લાગુ કરવામાં આવશે. ઉનાળુ વેકેશન 4 મે 2026થી શરૂ થશે અને 7 જૂન 2026 સુધી ચાલુ રહેશે. ત્યારબાદ 8 જૂન 2026થી શાળાઓ નિયમિત રીતે ફરી શરૂ થશે. આ રીતે વિદ્યાર્થીઓને કુલ 35 દિવસનું ઉનાળુ વેકેશન મળશે.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ આ અંગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને સૂચના આપી છે કે, તેઓ પરસ્પર સંકલનથી આ વેકેશનની તારીખોનો અમલ સુનિશ્ચિત કરે. આ આદેશ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિરો અને બાલ અધ્યાપન મંદિરો માટે લાગુ પડશે. શિક્ષણ વિભાગ દ્વારા એકસમાન વેકેશન સમયપત્રક અમલમાં મૂકવાના નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સુવિધા રહેશે. શિક્ષણ વિભાગના આ નિર્ણયને કારણે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સુવ્યવસ્થા આવશે અને સમગ્ર રાજ્યમાં એકરૂપતા જળવાઈ રહેશે.

Most Popular

To Top