Dakshin Gujarat

‘તારૂ પિક્ચર પુરુ કરી નાંખીશું’ : સરપંચ પુત્રની માજી સરપંચને ધમકી

ઘેજ : મજીગામના મહિલા સરપંચના પુત્ર (Female Sarpanch Son) અને તેમના મળતિયાઓએ માજી સરપંચે કરેલા ૧૪ માં નાણાપંચના કામોનું પેમેન્ટ (Payment) નહીં ચૂકવી ધમકી આપી હોવાની લેખિત રજૂઆત ટીડીઓ (TDO) સમક્ષ કરવામાં આવી છે. મજીગામના પૂર્વ સરપંચ કમલેશભાઇ હળપતિ દ્વારા ટીડીઓને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે તેઓ ૨૦૧૬ થી ૨૦૨૧ દરમ્યાન મજીગામના સરપંચપદે ચૂંટાયા હતા. અને તે દરમ્યાન બ્લોક પેવરીંગ સહિતના વિકાસના કાર્યો કર્યા હતા. તે તમામ બ્લોકના વેપારીના પૈસા, મજૂરી કાર્ટીંગ વિગેરે ખર્ચાઓ ૧૪ – મા નાણાં પંચની સહાય મળે તેમાંથી લેવાના હોય છે. તે માટે હાલના સરપંચ મીનાબેન હળપતિને રજુઆત કરી ખર્ચાના તથા વેપારી – મજૂર જેવા વ્યક્તિઓના બાકી નીકળતા નાણાં ચૂકવાય એ માટે ઘણા પ્રયાસો કરાયા હતા. પરંતુ મીનાબેન પોતે સરપંચ છે. અને ગામના કાર્યો તેમણે કરવાના હોય છે. પણ તેઓ આ કાર્ય વ્યવસ્થિત નહીં કરીને તમામ જવાબદારી પોતાના છોકરા ગૌત્તમભાઇ અને તેમના પતિ બચુભાઇ હળપતિને તથા તેમના મળતિયાઓને સોંપેલી હોવાથી એમના છોકરા તથા મળતિયાઓ ધાક-ધમકી આપે છે. પેવિંગ બ્લોકના વેપારી ભાર્ગવભાઇ બિપિનભાઇ જોડે સરપંચના ઘરે જતા સરપંચનો છોકરા ગૌત્તમભાઇએ તારૂ પિકચર પુરુ કરી નાંખીશું. એવી ધમકી પણ આપી હતી અને તમે ગુંડાઓને લઇને કેમ આવો છો, એવો એક વેપારી માટે ઉલ્લેખ કર્યો હતો. સહભંડોળ એકાઉન્ટ તો હું ઝીરો કરી નાંખીશ એવા જવાબો એમણે આપ્યો હતો.

  • નાણાપંચના કામોનું પેમેન્ટ નહીં ચૂકવી ધમકી આપી હોવાની લેખિત રજૂઆત ટીડીઓ સમક્ષ કરવામાં આવી
  • ‘તારૂ પિક્ચર પુરુ કરી નાંખીશું, તમે ગુંડાઓને લઇને કેમ આવો છો’ કહી માજી સરપંચને ધમકી

પેમેન્ટ માટે જરૂરી ખરાઇ કરાવવી પડશે
મજીગામના સરપંચ પુત્ર ગૌત્તમભાઇએ જણાવ્યુ હતુ કે પૂર્વ સરપંચના સમયમાં ૧૫ – માં નાણાંપંચના કામો થયા હતા તે તમામનું પેમેન્ટ કરી જ દીધુ છે. પરંતુ આ તો ૧૪ માં નાણાંપંચનું જુનું કામ છે. તે તલાટી સાથે સ્થળ નિરીક્ષણ કરી તાલુકા પંચાયતના એસ.ઓ. પાસે પણ જરૂરી ચકાસણી કરાવી પેમેન્ટ કરવામાં આવશે. ૧૪ માં નાણાંપંચના જૂના કામનું પેમેન્ટ પૂર્વ સરપંચે એમના સમયમાં કેમ લીધુ નહીં તેવા સવાલ ઊભા થતા હોવાથી પેમેન્ટ માટે જરૂરી ખરાઇ કરાવી પડશે.

Most Popular

To Top