Dakshin Gujarat

‘તમારું વીજ બિલ બાકી છે, જો નહીં ભરશો તો કનેક્શન કપાઇ જશે’ મેસેજ આવે તો ચેતી જજો

વલસાડ : ફોન (Call) પર અવનવા મેસેજ (Message) કરી લોકોને પોતાની વાતમાં ભોળવી પૈસાની ઠગાઇ કરવાના અનેક કિસ્સા રોજબરોજ બનતા હોય છે. ફોન પર ઠગાઇ કરતી સાઇબર (Cyber) ઠગ ટોળકી દ્વારા નીત નવા પ્રયોગો થકી ઠગાઇ થતી રહે છે. જેના દ્વારા હાલ વીજ બિલ (Electricity bill) બાકી છે અને વીજ કનેક્શન કાપી નાખવાના હોવાનો ફોન કરી ઠગાઇ થતી હોવાનું બહાર આવ્યું છે. વલસાડના (Valsad) એક વ્યક્તિ પર આવો ફોન આવ્યો, પરંતુ તેની સમય સૂચકતાથી તેઓ ઠગાતા બચી ગયા હતા.

સાઇબર ઠગો અનેક મોબાઇલ પર બિલ બાકી હોવાનો મેસેજ કરે છે. આ મેસેજ વાંચી જ્યારે કોઇ વ્યક્તિ સામો ફોન કરે ત્યારે તેને વાતમાં ભોળવી તમારું પેમેન્ટ આવ્યું છે, પરંતુ હજુ સેટલમેન્ટ થયું નહીં હોવાનું જણાવી મોબાઇલ હેક કરતી ટીમ વિવર એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવે છે. જેના થકી તેઓ જે તે વ્યક્તિનો મોબાઇલ હેક કરી તેના એકાઉન્ટમાંથી પૈસા પડાવી લેતા હોય છે. આવું જ બીલીમોરાના એક વીજ ગ્રાહક સાથે બન્યું હોવાનું જીબીઈના ઇજનેર એમ.એમ.પટેલે જણાવ્યું હતુ. તેમણે જણાવ્યું કે, વલસાડના પણ એક વ્યક્તિ પર આવો મેસેજ આવ્યો. જેના પગલે તેમણે સામો ફોન કર્યો, પરંતુ સામા છેડેથી હિન્દી ભાષી વ્યક્તિ દ્વારા જુદી જ એપ્લિકેશન ડાઉનલોડ કરાવાતા તેને શંકા ગઇ અને તેઓ ડીજીવીસીએલની કચેરીએ આવ્યા હતા. જ્યાં તેમને આવા કોઇ પણ મેસેજ પર દોરવાવું નહીં એવું જણાવાયું હતુ. આવા મેસેજ અન્ય કોઇ પર પણ આવે તો ચેતીને રહેવું જરૂરી છે. ડીજીવીસીએલ દ્વારા આવા કોઇ મેસેજ થતા નથી અને મોબાઇલ પર વાત કરી પૈસા જમા કરાવાતા નથી.

ટીમ વિવર જેવી એપ નાખી મોબાઇલ હેક કરે છે
સાઇબર ઠગો મોબાઇલ પર અનેક કિસ્સામાં જુદી જુદી વાતો કરી લોકોને ભોળવી તેમના મોબાઇલમાં ટીમ વિવર એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે. ત્યારબાદ તેઓ આ એપ્લિકેશનમાં દેખાતા નંબર માંગી જે તે વ્યક્તિના મોબાઇલનો કંટ્રોલ મેળવી લે છે. ત્યારબાદ તેમના મોબાઇલમાંથી પૈસા ઉપાડી લેતા હોય છે. ત્યારે આવા ઠગોથી ચેતવું જરૂરી છે. ફોન પર કોઇ પણ સૂચના આપે તો કોઇ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહી. નહીં તો તમારૂ એકાઉન્ટ ખાલી થઇ શકે છે.

Most Popular

To Top