Dakshin Gujarat

સાપુતારા ફરવા જનારાઓને હવે સપ્તશ્રૃંગી ગઢ સુધી જવાનો લ્હાવો મળશે

સાપુતારા: (Saputara) મહારાષ્ટ્ર રાજ્યની સરહદને (Border) અડીને આવેલા ડાંગ જિલ્લામાં (Dang District) વસતાં ખાસ કરીને મહારાષ્ટ્રીયન પરિવારોની કુળ દેવી તથા સૌ ડાંગવાસીઓની આસ્થાનું કેન્દ્ર એવા તીર્થ ક્ષેત્ર નાંદુરીના ‘સપ્તશૃંગી’ (Saptasrungi) ગઢ સુધીની સીધી બસ સેવા ડાંગનાં આહવાથી શરૂ થવા પામી છે. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિતે આહવા-સપ્તશૃંગી નવીન બસને આહવા બસ ડેપોથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળા વલસાડ એસ.ટી.ડિવિઝનના વિભાગીય નિયામક શૈલેષભાઇ ચૌહાણ, સુરત શહેર કારોબારી સભ્ય મુકેશભાઈ દેસાઇ, આહવા ડેપો મેનેજર કિશોરભાઈ પરમાર વગેરેએ ઉપસ્થિત રહી, મુસાફિર જનતા માટે ઉપલબ્ધ સેવાઓની વિગતો મહાનુભાવોને પુરી પાડી હતી.

  • ડાંગ જિલ્લામાંથી આહવા-સપ્તશ્રુંગી નવા બસ રૂટનો લીલી ઝંડી આપી પ્રારંભ કરાયો
  • આહવા-સપ્તશૃંગી લોકલ બસ આહવાથી ગલકુંડ, શામગહાન, સાપુતારા, વની, નાંદુરી માર્ગે સપ્તશૃંગી ગઢ પહોંચશે
  • ડાંગવાસીઓની આસ્થાનું કેન્દ્ર એવા તીર્થ ક્ષેત્ર નાંદુરીના ‘સપ્તશૃંગી’ ગઢ સુધીની સીધી બસ સેવા ડાંગનાં આહવાથી શરૂ થવા પામી છે

આહવાથી દરરોજ સવારે 7:30 વાગ્યે ઉપડનારી આહવા-સપ્તશૃંગી લોકલ બસ આહવાથી ગલકુંડ, શામગહાન, સાપુતારા, વની, નાંદુરી માર્ગે બપોરે 11 વાગ્યે સપ્તશૃંગી ગઢ પહોંચશે. ₹125 રૂપિયાના લોકલ ભાડે સંચાલિત આ બસ બે કલાકના વિરામ બાદ પરત બપોરે 1 વાગ્યે આજ માર્ગે આહવા આવવા રવાના થશે. આ બસ સાપુતારા થઈ જશે. જેથી પ્રવાસીઓ પણ સપ્તશૃંગી માતાનાં દર્શન કરી શકશે. ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઇ સંઘવી સહિત આ રૂટના રજુઆત કર્તાઓ અને તેમની રજૂઆતને વાચા આપનાર ભાજપા ઉપપ્રમુખ ગિરીશભાઈ મોદી અને એસ.ટી. સંચાલકોનો આભાર વ્યક્ત કરી, સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

તીર્થક્ષેત્ર સપ્તશૃંગી બસના પ્રસ્થાન કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ દિપકભાઈ પીંપળે, જિલ્લા ભાજપા પ્રમુખ દશરથભાઈ પવાર, ઉપપ્રમુખ ગિરીશભાઈ મોદી, યુવા કાર્યકરો સર્વમાં સંજય પાટીલ, પ્રકાશ આહિરે, બસના મુસાફરો, ચાલક, કંડકટર અને કર્મચારીઓ સહિત નગરજનોએ ઉપસ્થિત રહી સરકારનાં પ્રયાસને બિરદાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત તા.1લી નવેમ્બર 2022થી આહવા-મુલ્હેર આંતરરાજ્ય બસ સેવાને પણ તાહરાબાદ સુધી લંબાવવામાં આવી છે. જેનો પણ ગુજરાત મહારાષ્ટ્રના મુસાફરો લાભ લઇ રહ્યા છે. જ્યારે ગત સપ્તાહે જ આહવાથી દેવમોગરા નવીન બસ રૂટ પણ શરૂ થવા પામ્યો છે.

Most Popular

To Top