પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળની મહત્વાકાંક્ષી ‘સમુદ્ર મંથન’ રાષ્ટ્રીય ઓફશોર એક્સપ્લોરેશન યોજનાને મંજૂરી આપી છે. આ કેન્દ્રીય યોજના માટે માર્ચ 2031 સુધીના અમલીકરણ માટે કુલ ₹84,084 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ યોજના દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવાની સાથે ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે.
ભારત માટે ઊર્જા સુરક્ષા કેમ જરૂરી છે?
ભારત હાલમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ વપરાશકર્તા દેશ છે. દેશ દર વર્ષે લગભગ USD 144 બિલિયન એટલે કે અંદાજે ₹13 લાખ કરોડનું ક્રૂડ ઓઇલ આયાત કરે છે. વૈશ્વિક રાજકીય પરિસ્થિતિમાં સતત થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને સરકારે સ્થાનિક સ્તરે તેલ અને ગેસના ઉત્પાદનને વધારવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક મહત્વપૂર્ણ સુધારા કર્યા છે.
2014 બાદ સરકારે હાઇડ્રોકાર્બન શોધને પ્રોત્સાહન આપવા માટે મોટા સુધારા અમલમાં મૂક્યા છે. અગાઉના ‘નો-ગો’ ઝોનમાંથી 99 ટકાથી વધુ વિસ્તાર ખુલ્લો મુકાતા ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનનો 10 લાખ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર શોધખોળ માટે ઉપલબ્ધ બન્યો છે. સરકારે પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રાક્ટની જગ્યાએ રેવન્યૂ શેરિંગ કોન્ટ્રાક્ટની વ્યવસ્થા અમલમાં મૂકી છે, જેના કારણે પારદર્શિતા વધી છે અને વહીવટી પ્રક્રિયા વધુ સરળ બની છે.
કાયદાકીય સુધારાથી મળશે વધુ ગતિ
2025માં અમલમાં આવેલા ઓઇલફિલ્ડ્સ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) સુધારા કાયદા દ્વારા આ ક્ષેત્રના કાયદાકીય માળખાને આધુનિક બનાવવામાં આવ્યું છે. સાથે જ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમો-2025 અમલમાં આવતા પરવાનગી પ્રક્રિયા સરળ બની છે અને રોકાણકારોને વધુ અનુકૂળ વાતાવરણ મળ્યું છે.
સમુદ્ર મંથન યોજનામાં શું હશે ખાસ?
સમુદ્ર મંથન યોજના માત્ર નીતિગત સુધારાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ ઓફશોર તેલ અને ગેસ શોધને ઝડપી બનાવવા માટે વ્યાપક અમલી યોજના છે. યોજનાના મુખ્ય ભાગરૂપે અદ્યતન સિસ્મિક ડેટા એકત્રિત કરવા અને તેની પ્રક્રિયા માટે ₹28,534 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત ઊંડા સમુદ્રમાં 60 નવા એક્સપ્લોરેશન કૂવા ખોદવા માટે ₹43,200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સરકાર દરેક કૂવા માટે પાત્ર ખર્ચના મહત્તમ 50 ટકા અથવા ₹675 કરોડ સુધીની સહાય આપશે, જેમાંથી જે રકમ ઓછી હશે તે મુજબ સહાય મળશે.
ઓફશોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગને મળશે પ્રોત્સાહન
નવી શોધોને ઝડપથી વ્યાવસાયિક ઉત્પાદન સુધી પહોંચાડવા માટે ₹10,000 કરોડના ખર્ચે કોમન ઓફશોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર હબ બનાવવામાં આવશે. ઉપરાંત ઓઇલ અને ગેસ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ ઝોન વિકસાવવા માટે ₹2,000 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેથી સ્થાનિક ઉત્પાદન અને જરૂરી સાધનોના સ્વદેશીકરણને વેગ મળશે.
દેશની આયાતમાં થશે મોટો ઘટાડો
સરકારના અંદાજ મુજબ યોજના સફળતાપૂર્વક અમલમાં આવશે તો ભારતનું સ્થાનિક તેલ અને ગેસ ઉત્પાદન હાલના લગભગ 62 MMTOEથી વધીને દર વર્ષે 80 MMTOE સુધી પહોંચી શકે છે. સાથે જ દેશનો હાઇડ્રોકાર્બન સંસાધન આધાર 1.6 બિલિયન ટન ઓઇલ ઇક્વિવેલન્ટથી વધીને 2.2 બિલિયન ટન સુધી પહોંચવાની શક્યતા છે.
આ વધારાના ઉત્પાદનના કારણે દર વર્ષે લગભગ ₹1 લાખ કરોડ જેટલી ક્રૂડ ઓઇલ આયાતમાં ઘટાડો થઈ શકે છે. પરિણામે ભારતની ઊર્જા સુરક્ષા વધુ મજબૂત બનશે અને વિદેશી આયાત પરની નિર્ભરતા પણ ઘટશે.