Entertainment

સલમાન ખાનને મળેલી ધમકીના મામલામાં મોટું અપડેટ સામે આવ્યું, અહીંથી આવ્યો હતો ઈમેલ

મુંબઈ: (Mumbai) બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના (Salman Khan) ફેન્સ અને તેના પરિવારના સભ્યો આ દિવસોમાં તેની ચિંતામાં છે. તેનું કારણ એ છે કે તાજેતરમાં જ સલમાન ખાનને એક ગેંગસ્ટર તરફથી જાનથી મારી નાખવાની ધમકી (Threat) મળી હતી. જે બાદ તેના ઘરની બહાર સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. સલમાનને ઇમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસને (Police) આ મામલે એક મોટું અપડેટ મળ્યું છે. આ ધમકીભર્યા ઈમેલનું કનેક્શન યુકેથી હોવાનું જાણવા મળ્યું છે.

  • સલમાન ખાનને મળેલી ધમકીના મામલામાં મોટું અપડેટ સામે આવ્યું
  • ધમકીભર્યા ઈમેલનું કનેક્શન યુકેથી હોવાનું જાણવા મળ્યું છે
  • પોલીસને જાણવા મળ્યું છે કે આ મેઈલ યુકેના મોબાઈલ નંબર સાથે જોડાયેલો છે

અભિનેતા સલમાન ખાનને મળેલા ધમકીના ઈ-મેલ કેસની તપાસ કરતી મુંબઈ પોલીસને બ્રિટિશ (યૂકે)ની લિંક મળી છે. આ મેઈલ કયા ઈમેલથી મોકલવામાં આવ્યો હતો તે અંગે વધુ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ પોલીસને જાણવા મળ્યું છે કે આ મેઈલ યુકેના મોબાઈલ નંબર સાથે જોડાયેલો છે. પોલીસ હવે તે વ્યક્તિને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે જેના નામે આ નંબર નોંધાયેલ છે.

ઈ-મેલમાં શું લખ્યું હતું
તમને જણાવી દઈએ કે સલમાન ખાનને એક ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. ત્યારબાદથી તેના પરિજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. 18 માર્ચે પોલીસની સામે સલમાનના મેનેજર પ્રશાંત ગુંજલકરને ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો. જેમાં સલમાન ખાન વિશે ગંભીર વાતો લખવામાં આવી હતી. આ ઈ-મેઈલમાં લખવામાં આવ્યું હતું કે, ગોલ્ડી બ્રારને તમારા બોસ એટલે કે સલમાન ખાન સાથે વાત કરવી છે. તેણે ઈન્ટરવ્યુ જોયો હશે, જો તમે ન જોયો હોય, તો જુઓ. જો તમે મામલો બંધ કરવા માંગતા હોવ તો વાત કરો. ફેસ ટૂ ફેસ વાત કરવી હોય તો તે પણ મને કહો. મેં તમને સમયસર જાણ કરી દીધી છે, આગલી વખતે તમને ફક્ત ઝટકો જોવા મળશે.

મહત્વપૂર્ણ છે કે આ મામલામાં મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને રોહિત બ્રાર વિરુદ્ધ FIR નોંધી છે. સાથે જ સલમાનના ઘરની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. તેમજ ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે ચાહકોને ઉભા રહેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Most Popular

To Top