Dakshin Gujarat

સાપુતારા બોર્ડર ઉપર માલવાહક વાહન ચાલકોનો RTPCR ટેસ્ટ ફરજીયાત

ગુજરાત- મહારાષ્ટ્રની સાપુતારા બોર્ડર ઉપર માલવાહક વાહન ચાલકોનાં આજથી RT PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યા હતા. ચેકપોસ્ટ ઉપર ટેસ્ટની વ્યવસ્થા નહી હોવાનાં કારણે વાહન ચાલકોની લાંબી કતારો લાગી હતી. પરંતુ તંત્રએ અહી યુદ્ધનાં ધોરણે એન્ટીજન રિપોર્ટની વ્યવસ્થા કરતા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ચેકપોસ્ટ ઉપર મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવનાર વાહન ચાલકોનો ફરજીયાત RT PCR રિપોર્ટ ચેક કરતા ટ્રકોની લાંબી લાઈનો લાગી હતી. સાપુતારા ચેકપોસ્ટ ઉપર આજે સવારથી નવા નિયમને લઈને ફ્રૂટ અને શાકભાજી લઈને આવતા ટ્રક ચાલકો અટવાયા હતા. આ પહેલા ફક્ત પ્રવાસીઓનો જ RT PCR ટેસ્ટ ચેક કરવામાં આવતો હતો. પરંતુ આજથી નવા નિયમો લાગુ થતા માલવાહક વાહનચાલકો જોડેથી પણ ટેસ્ટ ચેક કરવામાં આવ્યો હતો. ડાંગ વહીવટી તંત્ર દ્વારા સાપુતારા ચેકપોસ્ટ ઉપર યુધ્ધનાં ધોરણે એન્ટીજન ટેસ્ટની વ્યવસ્થા ઉભી કરાઈ હતી.

અહી સાપુતારા પી.એચ.સીનાં આરોગ્ય કર્મીઓ દ્વારા મહારાષ્ટ્રથી આવનાર વાહન ચાલકોનો એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે 20 મિનિટમાં રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તેની તરત જાણ થયા બાદ જ વાહન ચાલકોને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે સાપુતારા સરહદીય ચેકપોસ્ટ ઉપર પોલીસની ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે. સાપુતારા બોર્ડર ઉપર મેડિકલ ટીમ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે જ એલ.સી.બી.પોલીસની ટીમનો કાફલો સાપુતારા ચેક પોસ્ટ પર તૈનાત કરવામાં આવ્યો હતો. અહીં પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનાં પાલન સાથે મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવનાર દરેક લોકોનો ટેસ્ટ કર્યા બાદ જ જવા દેવામાં આવ્યા હતા.

Most Popular

To Top