Columns

કોઠાસૂઝ

South African Clayton Railmotor - Wikipedia

આફ્રિકામાં જયારે નવી નવી રેલવે શરૂ થઇ હતી ત્યારની વાત છે.નવી રેલવેની શરૂઆત માટે બધી તૈયારી થઇ ગઈ. પાટા નંખાઈ ગયા.પણ અમુક જંગલ વિસ્તારોમાં વિચિત્ર સમસ્યા ઊભી થઇ. કોઈ વિચિત્ર પ્રકારના જંતુઓ રાતભરમાં રેલવેના પાટા પર ઉભરાતાં અને રેલવેના પાટા પર તેમના શરીરમાંથી ઝરતો ચીકણો રસ આખા પાટા પર ફેલાઈ જતો અને પાટા ચીકણા થઇ જતા. ચીકણા પાટાને કારણે સમસ્યા થઈ.વરાળથી ચાલતી આગગાડીનું એન્જીન જયારે આ ચીકણા પાટા પર પહોંચતું ત્યારે એન્જીનના પૈંડા ચીકાશને લીધે એક જ જગ્યાએ પાટા પર ફર્યા કરતાં. ઘણી બધી વરાળનો પ્રયોગ કરવા છતાં પૈંડા ચીકાશને કારણે ઘર્ષણ ન મળતાં આગળ વધી જ ન શકતા.આથી ગાડી અટકી પડતી.

આ વિચિત્ર સમસ્યાનું કારણ સમજતાં જ ઘણો સમય લાગ્યો અને પછી પણ તેનો ઉકેલ મળતો ન હતો.જીવડાઓને પાટા સુધી આવતા કેમ અટકાવવા તે સમજાતું ન હતું.અને જો જીવડાઓ ન અટકે તો પછી તેમણે ફેલાવેલી ચીકાશ ગાડી આવતા પહેલાં સાફ કઈ રીતે કરવી તેનો પણ કોઈ ઉકેલ મળતો ન હતો.જો સમસ્યા દૂર ન થાય તો આ વિસ્તારમાં રેલવે બંધ કરવી પડે તેમ હતું. હવે આ સમસ્યા વિષે ધીમે ધીમે બધાને ખબર પડવા લાગી.એક વૃદ્ધ હબસી જ્યાં ગાડી અટકી જતી હતી તેની પહેલાંના સૌથી નજીકના રેલવે સ્ટેશન પર ગયો અને ત્યાં સ્ટેશન માસ્ટરને મળીને કહેવા લાગ્યો, ‘સાહેબ, આ સમસ્યાનો મારી પાસે ઉકેલ છે.’ સ્ટેશન માસ્ટરે કહ્યું, ‘જા..જા… મોટા મોટા એન્જિનિયરો જે સમસ્યા ઉકેલી શક્યા નથી.તેનો ઉકેલ તારા જેવા અભણ પાસે છે?’ હબસીએ ઘણી વિનંતી કરી એટલે સ્ટેશન માસ્ટર તેને મોટા એન્જિનિયર સાહેબ પાસે લઇ ગયા. 

કહ્યું, ‘સાહેબ, જીવડાંઓની સમસ્યાનો ઉકેલ છે આની પાસે.’ એન્જિનિયર સાહેબે પૂછ્યું, ‘ તમને ખબર છે સમસ્યા શું છે?’ હબસીએ કહ્યું, ‘હા, જીવડાંઓની ચીકાશને લીધે પૈંડાં ચીકણાં થઇ જાય છે અને એટલે આગગાડી આગળ વધી શકતી નથી, અટકી જાય છે.અને તેનો ઉપાય છે એન્જીનની આગળ બે રેતીના પાઈપ રાખો અને જ્યારે આ જીવડાંઓ દેખાય ત્યારે રેતીના પાઈપ ખોલી નાખવા.જેથી ચીકાશ જતી રહેશે અને ઘર્ષણ શક્ય થવાથી પૈડા આસાનીથી ચાલી શકશે.’

એન્જિનિયરને ઉપાય ગમ્યો અને તેની પર અમલ કરતાં ઉપાય સફળ પણ થયો.ભણેલા એન્જિનિયરો હજારો ખર્ચવાની તૈયારી સાથે જે સમસ્યાનો ઉપાય શોધી ન શક્યા હતા તે સમસ્યા અનુભવી અભણ હ્બસીએ પોતાની કોઠાસૂઝથી નજીવા ખર્ચે ઉકેલી આપી. અનુભવી વડીલો અને તેમની કોઠાસૂઝ જીવનમાં અવરોધો આવે ત્યારે માર્ગ બતાવે છે તે હંમેશા યાદ રાખવું.બીજી વાત ઘર્ષણ વિના ગતિ શક્ય નથી. વિજ્ઞાનનો આ નિયમ જીવનમાં પણ લાગુ પડે છે.એટલે જીવનમાં જયારે કોઈ અવરોધ કે સમસ્યાઓનો સામનો થાય ત્યારે ઘર્ષણથી ડરવું નહિ. અવરોધોનો ઉકેલ પ્રગતિ તરફ લઇ જાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top