Madhya Gujarat

ફરીથી વૈશ્વિક પ્રવાસ પ્રતિબંધોનો દોર શરૂ થયો: આ ક્યાં સુધી ચાલશે?

હજી થોડા દિવસ પહેલા જ અહેવાલ હતા કે વિશ્વમાં હવાઇ પ્રવાસો ફરી વધી રહ્યા છે. ભારત સહિત વિશ્વના અનેક દેશો આંતરરાષ્ટ્રીય પ્રવાસોની છૂટછાટો શરૂ કરવાનો વિચાર કરી રહ્યા હતા, ઘણા અંશે નિયંત્રણો હળવા થઇ પણ ગયા હતા. ભારત સરકારના ઉડ્ડયન મંત્રાલયે હજી તો થોડા દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે ૧પ ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફલાઇટોને સંપૂર્ણપણે શરૂ કરી દેવામાં આવશે, ફક્ત ઉંચુ જોખમ ધરાવતા ૧૪ દેશોમાંથી આવતા મુસાફરો પર જ આંશિક નિયંત્રણો ચાલુ રહેશે.

હજી તો આ જાહેરાત થઇ અને દક્ષિણ આફ્રિકામાં ઉદભવેલા કોવિડના નવા વેરિઅન્ટની વાતો બહાર આવી અને જોત જોતામાં તો ચિત્ર બદલાઇ ગયુ઼. વિશ્વના અનેક દેશોએ જ્યાંથી આ નવો વેરિઅન્ટ, જેને ઓમિક્રોન નામ આપવામાં આવ્યું છે તે ઉદભવ્યો હોવાનું મનાય છે તે દક્ષિણ આફ્રિકાના દેશો પર પ્રવાસ પ્રતિબંધો મૂકવા માંડ્યા. સૌપ્રથમ તો યુરોપિયન યુનિયનના દેશો અને યુકેએ પ્રતિબંધો મૂક્યા, પછી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિત અનેક દેશોએ દક્ષિણ આફ્રિકન દેશો સામે પ્રવાસ પ્રતિબંધો મુકવા માંડ્યા.

દક્ષિણ આફ્રિકન દેશો પર પ્રવાસ પ્રતિબંધો મૂકાવાના ચાલુ હતા ત્યાં કેટલાક દેશોએ તો વિશ્વના તમામ દેશોમાંથી આવતા મુસાફરો પર પ્રતિબંધો મૂકવા માંડ્યા. આમાં સૌથી પહેલું ઇઝરાયેલ હતું. તેણે તમામ વિદેશી મુસાફરો માટે પોતાના દરવાજા બંધ કરી દીધા. તેના પછી મોરોક્કોએ પણ તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો માટે બે સપ્તાહ માટે બંધી ફરમાવી દીધી. આના પછી જાપાને જાહેર કર્યું છે કે તે તમામ વિદેશી મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ અટકાવશે. મંગળવારથી જાપાનમાં આ પ્રતિબંધ અમલી બન્યા છે. 

મોરોક્કોએ જણાવ્યું હતું કે તે સોમવારથી શરૂ થાય તે રીતે બે સપ્તાહ માટે તમામ આવનારી ફ્લાઇટોને બંધ કરી દેશે. બીજા અનેક દેશોએ દક્ષિણ આફ્રિકાના નવ જેટલા દેશોથી આવનારા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેમાં યુરોપિયન યુનિયનના દેશો, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરેનો સમાવેશ થાય છે. ભારતે પણ ૧૫ ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો શરૂ કરવાના તેના આયોજનની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. ભારત હવે ૧૫ ડિસેમ્બરથી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો નહીં જ શરૂ કરી શકે તે સ્પષ્ટ સમજી શકાય છે. સ્પષ્ટપણે સમજી શકાય છે કે માંડ ફરીથી મુક્તપણે શરૂ થવા જઇ રહેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસો પર ફરીથી નિયંત્રણોનો દોર શરૂ થઇ ગયો છે.

નિયંત્રણોનો આ નવો દોર ખરેખર પહેલા દોર કરતા વધુ ચિંતાજનક અને હતાશા પ્રેરક છે. વર્ષ ૨૦૨૦ની શરૂઆતના મહિનાઓમાં જ્યારે કોવિડનો વૈશ્વિક રોગચાળો શરૂ થયો અને વિશ્વના દેશોએ પ્રવાસ પ્રતિબંધો અમલમાં મુકવા માંડ્યા ત્યારે એવી આશા રાખવામાં આવતી હતી કે થોડા સમય પછી બધુ ફરીથી ખુલ્લું થઇ જશે. જો કે પ્રતિબંધોનો દોર લાંબો ચાલ્યો. મુસ્લિમોની વાર્ષિક હજયાત્રા એક વર્ષ તો ફક્ત થોડાક સ્થાનિકોને બાદ કરતા અન્ય તમામ માટે બિલકુલ બંધ જેવી રહી.

બીજા વર્ષે એટલે કે ૨૦૨૧માં તેમાં રસી મૂકાવેલા સ્થાનિક લોકો વધુ પ્રમાણમાં જોડાઇ શક્યા પરંતુ આંતરરાષ્ટ્રીય હજયાત્રીઓ માટે તો આ હજયાત્રા બંધ જ રહી. વિશ્વના બીજા પણ અનેક વૈશ્વિક આયોજનો મુલતવી રાખવા પડ્યા છે. જો કે હવે રસીકરણ વ્યાપક બન્યા પછી ધીમે ધીમે પ્રવાસ પ્રતિબંધો ઉઠી રહ્યા હતા અને આંતરરાષ્ટ્રીય પ્રવાસો ફરી વધી રહ્યા હતા અને લોકો કંઇક આનંદમાં હતા ત્યાં રસીઓને નહીં ગાંઠે તેવો મનાતો ઓમિક્રોન વેરિઅન્ટ આવી પહોંચ્યો અને તેણે ઘણુ ખોરવી નાખ્યું. ફરીથી આવી રહેલા વૈશ્વિક પ્રવાસ પ્રતિબંધો વધુ દુ:ખદ જણાઇ રહ્યા છે, આવા પ્રતિબંધો ક્યાં સુધી સહન કરવા પડશે? તેવો પ્રશ્ન પૂછાવા માંડ્યો છે.

Most Popular

To Top