Madhya Gujarat

ઇસરવાડા પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

આણંદ : તારાપુર તાલુકાના ઇસરવાડા પાસેથી પસાર થતી કારને ટ્રેક્ટર ચાલકની બેદરકારી સાથે ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં સુરતના રત્નકલાકારનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. મુળ અમરેલીના રામપુર ગામે રહેતા અને સુરતના કામરેજ ખાતે સ્થાયી થયેલા નિલેશભાઈ વલ્લભભાઈ ગેવરીયા રત્નકલાકાર તરીકે કામ કરે છે. તેમની સાથે મુળ ગામના રહેવાસી પ્રકાશ ધનજીભાઈ બુહા (ઉ.વ.39) પણ સુરત મુકામે રત્નકલાકાર તરીકે કામ કરે છે. વતનમાં લગ્ન પ્રસંગ હોવાથી નિલેશભાઈ અને પ્રકાશભાઈ વતન જવા માટે કારમાં નિકળ્યાં હતાં.

તેમની સાથે એક મિત્ર ભરતભાઇ શામજીભાઈ (રહે. સુરત) પણ હતાં. 29મીની રાત્રે આઠેક વાગે નિલેશ અને તેના મિત્ર પ્રકાશભાઈ, ભરતભાઈ સાથે કારમાં સુરતથી રામપુર જવા નીકળ્યાં હતાં. કાર પ્રકાશભાઈ ચલાવતાં હતાં અને રાતના સાડા બારેક વાગે તારાપુર સર્કલ વટાવી વટામણ હાઈવે રોડ પર  ત્રણેક કિલોમીટર આગળ ઇસરવાડા ગામ નજીક ઓવરબ્રીજ પહેલા ટ્રેક્ટર અને ટ્રેલર સાથેનું ડિવાઇડર આગળ એકદમ રસ્તો ક્રોસ કરતા તેઓનું ટ્રેલર રોડ પર આવી ગયું હતું. જેના કારણે કાર ધડાકાભેર ટ્રેલર સાથે અથડાઇ હતી. જેમાં કાર ચાલક પ્રકાશભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્યને ઇજા પહોંચી હતી. આ અંગે તારાપુર પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top