Charchapatra

લગ્નના વરઘોડામાં ડાન્સ અને પ્રદૂષણનો ત્રાસ

લગ્ન એક આનંદ, પ્રમોદ અને ઉત્સાહનો પ્રસંગ છે. પરંતુ એ પોતાના પરિવારજનો અને સગાં સંબંધીઓ પૂરતો સીમિત રહે તે અત્યંત જરૂરી છે. પરંતુ હવે લગ્નનો આખો માહોલ બદલાઈ ગયો છે. પાર્ટી પ્લોટમાં જાતજાતની રોશનીથી આંખો અંજવાઈ જાય એટલું ડેકોરેશન (સજાવટ) કરવામાં આવે છે. ભોજનમાં પણ ગજા બહારનો  ખર્ચ કરવામાં આવે છે. આ બધુ તો ઠીક છે, પરંતુ વરઘોડો શરૂ થાય કે તરતજ કાન ફાડી નાંખે એવા ડીજે વાગવાનું શરૂ થઈ જાય છે .સ્રી અને પુરૂષો રંગબેરંગી અને ભપકાદાર  કપડાં પહેરીને રસ્તા ઉપર ડાન્સ, ગરબા, તથા ડિસ્કો કરે છે. આને કારણે વાહન વ્યવહાર ઉપર ઝાઝી અસર થાય છે, અને આખો ટ્રાફિક જામ થઈ જાય છે.

એથી વાહનોમાંથી ધુમાડાના ગોટેગોટા નિકળે છે અને જાત જાતના હોર્નના અવાજો તથા ફટાકડાના ધુમાડાને કારણે આખું વાતાવરણ પ્રદૂષિત થઈ જાય છે. ટ્રાફિકના હવાલદારો પણ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોયા કરે છે. આમ પોતાના ઘરનો ખુશીનો પ્રસંગ પોતાના ઘરઆંગણે ઊજવવાને બદલે નિર્દોષ પ્રજા અને ટ્રાફિકને બાનમાં લેવાથી શું ફાયદો થવાનો છે અને આવા સંજોગોમાં રોડ બ્લોક થઈ જવાને કારણે અકસ્માત કે ઝઘડાઓ થવાના બનાવો બને છે તો ક્યારેક કોઈ મહિલા કે કિશોરીની છેડતીના બનાવો પણ બને છે.  આવા દૂષણ અને પ્રદૂષણથી બચવા,દરેક પ્રજાજન આ વાસ્તવિકતા સમજીને લગ્નનો કે કોઈ પણ પ્રકારનો શુભ અવસર પોતાના ઘર, ગલી કે આંગણ પૂરતો સીમિત રાખે એ સમજદારીભર્યુ પગલું ગણાશે.
હાલોલ    – યોગેશભાઈ આર જોષી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top