National

કર્ણાટકમાં ચૂંટણી પહેલા રાજકીય ઉથલ પાથલ: બીજેપીને મળ્યો મોટો ઝટકો

નવી દિલ્હી: કર્ણાટકમાં (Karnatak) ચૂંટણીનો (Election) સમય નજીક આવી રહ્યો છે ત્યારે રાજકારણમાં ઉથલપાથલ થતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે ચૂંટણી પંચે કર્ણાટકમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી 2023ની તારીખોની જાહેરાત કરી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન (Voting) થશે અને પરિણામ 13 મેના રોજ આવશે. ત્યારે હવે ચૂંટણીના સમયે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.

ભાજપના ધારાસભ્ય એનવાય ગોપાલકૃષ્ણે ભાજપમાંથી રાજીનામુ આપી દીધું હતું અને તેઓ કોંગ્રેસમાં જોડાયા હતાં. કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે સોમવારે કહ્યું હતું કે 10 મેની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને જનતા દળ (એસ) ના ઘણા ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આ પરથી કહી શકાય કે જનતા લહેર પાર્ટીને સફાયો કરી રહી છે. કુદલિગી મતવિસ્તારના વર્તમાન ભાજપના ધારાસભ્ય એન વાય ગોપાલકૃષ્ણને પાર્ટીમાં સામેલ કર્યા પછી તેમના ભાષણમાં તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસની સત્તામાં આવશે.

જાણકારી મળી આવી છે કે ગોપાલકૃષ્ણે ભાજપમાંથી શુક્રવારે જ રાજીનામું આપી દીધું હતું. શિવકુમારે કહ્યું કે, “ભાજપ અને જેડીએસના ઘણા નેતાઓ અમારા દરવાજા ખટખટાવી રહ્યા છે. આ એ વાતનો પુરાવો છે કે રાજ્યની જનતાનો અવાજ કોંગ્રેસની તરફેણમાં છે અને સત્તા તરફનો અમારો રસ્તો સાચી દિશામાં છે.’ જેના કારણે અન્ય પાર્ટીના નેતા પણ અમારી પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે જેડી(એસ)ના ધારાસભ્ય કે. એમ. શિવલિંગે ગૌડાએ પણ રાજીનામું આપી દીધું છે અને ટૂંક સમયમાં તેઓ પણ અમારી સાથે અમારી પાર્ટી એટલે કે કોંગ્રેસમાં જોડાશે. ભાજપ અને જેડી(એસ)ના નેતાઓ સ્વેચ્છાએ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, કેપીસીસીના વડા કહે છે, ‘ડબલ એન્જિન સરકારની નિષ્ફળતા’ને કારણે લોકોએ પોતાનું મન બદલ્યું છે જે આ વાતનો મોટો પુરાવો છે કે અન્ય પાર્ટીના લોકો પણ અમારી પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે .”

જાણકારી મળી આવી છે કે ભાજપમાં 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા ગોપાલકૃષ્ણ અગાઉ કોંગ્રેસમાં હતા. તેઓ ચિત્રદુર્ગ જિલ્લાના મોલાકલમુરુ વિધાનસભા મતવિસ્તારમાંથી ચાર વખત અને બેલ્લારી બેઠક પરથી એક વખત ચૂંટાયા હતા. ભાજપમાં જોડાયા બાદ તેઓ કુડલીગીથી ધારાસભ્ય બન્યા હતા. તાજેતરમાં જ ભાજપના બે MLC (પુત્તન્ના અને બાબુરાવ ચિંચનસુર) રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા હતા. તેવી જ રીતે જેડી(એસ)ના ધારાસભ્ય એસ. આર. શ્રીનિવાસ પણ રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા હતા.

કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 25 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે કર્ણાટકની મતદાર યાદીમાં 9.17 લાખ નવા મતદારો ઉમેરાયા છે. તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે. આ વખતે કર્ણાટકમાં 58 હજારથી વધુ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.

Most Popular

To Top