Dakshin Gujarat

વાંસકુઈમાં ત્રણ સવારી જઈ રહેલ મોટરસાઇકલ ચાલક વીજપોલ સાથે અથડાયો, એકનું મોત

બારડોલીના (Bardoli) ભેંસુંદલા ગામે રહેતા બે ભાઈઓ તેના મિત્ર (Friend) સાથે બુલેટ (Bullet) પર ટ્રિપલ સવારી જઈ રહ્યા હતા. ત્યારે વાંસકુઈ ગામ નજીક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બુલેટ રોડની સાઇડે વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં (Accident) ચાલકનું ગંભીર ઇજા થતાં મોત થયું હતું. જ્યારે પાછળ સવાર તેના નાના ભાઈ અને મિત્રને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી તાલુકાના ભેંસુંદલા ગામે નિશાળ ફળિયામાં રહેતા હેમાંશુ અશોક ચૌધરીના બે પુત્રો પૈકી હર્ષ (ઉં.વ.19) માંડવી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. જ્યારે બીજો પુત્ર વિવેક (ઉં.વ.18) પણ અભ્યાસ કરે છે. રવિવારે સવારે હર્ષ અને વિવેક તેના મિત્ર ઋત્વિક રમણ ચૌધરી સાથે બુલેટ પર ત્રણ સવારી દેવમોગરા જવા માટે નીકળ્યા હતા. બુલેટ હર્ષ ચલાવી રહ્યો હતો. સાંજે ઘરે પરત ફરતી વખતે વાંસકુઈ ગામ પાસે ચાલક હર્ષે મોટરસાઇકલ પરથી કાબૂ ગુમાવી દેતાં મોટરસાઇકલ વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી હર્ષને માથામાં ગંભીર ઇજા હોવાથી તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે બારડોલી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નવી પારડી નજીક રસ્તો ક્રોસ કરવા જતાં એસટી બસની અડફેટે વૃદ્ધાનું મોત
કામરેજ: સોમવારે નવી પારડી ગામની હદમાં એસ.ટી.બસની અડફેટે વેલંજાની વૃદ્ધાનું મોત થયું હતું. તેઓ રાજકોટના સરધાર ખાતે પુત્રને મળીને પરત આવ્યા હતા અને લક્ઝરી બસમાંથી ઊતરીને રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી.
મૂળ ગીરસોમનાથ જિલ્લાના જલુવડલી ગામના વતની અને હાલ કામરેજના વેલંજા ગામમાં સહજાનંદ વાટિકા સોસાયટીમાં મકાન નંબર 50 માં રહેતા જયશ્રીબેન અનંતરાય મહેતા(ઉ.વ.70) અઠવાડિયા પહેલા પતિ સાથે તેમના ભાણેજની અંતિમક્રિયામાં અમરેલી ગયા હતાં. ત્યાંથી બે દિવસ પહેલા તેઓ રાજકોટના સરધાર ખાતે સ્વામિનારાયણ મંદિરમાં સેવા આપતાં તેમના પુત્રને મળવા માટે ગયા હતાં અને ત્યાંથી ગઇકાલે લક્ઝરી બસમાં વેલંજા પરત આવવા માટે નીકળ્યાં હતાં. આજે વહેલી સવારે પોણા છ વાગ્યે તેઓ નવી પારડી ખાતે બસમાંથી ઊતર્યા હતા અને રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં. ત્યારે ઝાલોદથી સુરત તરફ જતી એસટી બસ નંબર જીજે 18 ઝેડ 2769ના ચાલકે તેમને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેમનું મોત થઇ ગયું હતું.

Most Popular

To Top