Editorial

ભાજપનો ‘ભરતીમેળો’ ભાજપને જ ‘ભારે’ પડી રહ્યો છે

ભારતને કોંગ્રેસમુક્ત કરવા માટે ભાજપે જે રીતે કોંગ્રેસના આગેવાનોનો ભાજપમાં સમાવેશ કરવા માટે ભરતીમેળાઓ શરૂ કરી દીધા છે તેની આડઅસર હવે ચૂંટણી ટાણે બહાર આવવા માંડી છે. જે સમસ્યાથી કોંગ્રેસ પાર્ટી પિડીત હતી અને જેને કારણે કોંગ્રેસ પાર્ટી પતનના આરે પહોંચી ગઈ તે જ સમસ્યા હવે ભાજપમાં શરૂ થઈ ગઈ છે. ભાજપે પોતાના જ વર્ષો જૂના કાર્યકરોને બાજુ પર મુકીને કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવેલા સાંસદો, ધારાસભ્યો તેમજ કાર્યકરોને પોતાના પક્ષમાં સમાવ્યા તેનાથી ભાજપના જૂના કાર્યકરો તો નારાજ થયા જ છે પરંતુ સાથે સાથે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસની જુથબંધીની સમસ્યા પણ પોતાની સાથે જ લઈ આવ્યા છે. લોકસભાની ચૂંટણીમાં આ સમસ્યા ભાજપ માટે ઘેરી બની છે અને શિસ્તબદ્ધ પાર્ટી હોવાના ભાજપના દાવાના લીરેલીરા ઉડાડી દીધા છે. ભાજપ અગાઉ પાર્ટી વિથ ડિફરન્સ તરીકે ઓળખાતી હતી અને હવે ભાજપ પાર્ટીમાં જ મોટાપાયે ડિફરન્સીસ શરૂ થઈ ગયા છે.

ભાજપ માટે ગુજરાત છેલ્લા ત્રણ દાયકાથી ગઢ સમાન રાજ્ય રહ્યું છે. ભાજપે આ 3 દાયકામાં માત્ર 2015માં પાટીદાર આંદોલનનો સામનો કરવાનો આવ્યો છે અને તેની અસર 2017ની વિધાનસભાની ચૂંટણીમાં દેખાઈ હતી. જેમાં ભાજપને માત્ર 99 બેઠક જ મળી હતી. જોકે, છેલ્લા 3 દાયકામાં ભાજપે જે જીત મેળવી તે તેની સંગઠનની તાકાતને કારણે હતી પરંતુ ભાજપે કોંગ્રેસના આગેવાનોનો પક્ષમાં સમાવેશ કરવાની લ્હાયમાં સંગઠનની તાકાત પર જ કુઠરાઘાત કર્યો છે. 2024ની લોકસભાની ચૂંટણી માટે ભાજપે જે રીતે ભરતી મેળો શરૂ કર્યો અને કોંગ્રેસના આયાતી આગેવાનોને પોતાના ઉમેદવાર બનાવ્યા તેને કારણે ભાજપ માટે મુશ્કેલીઓ શરૂ કરી દીધી છે.

જોવા જેવી વાત એ છે કે ભાજપના જૂના કાર્યકરોનો નારાજ જરૂર છે પણ તેઓ વિરોધપ્રદર્શનમાં જોડાયા નથી. જ્યારે જે આગેવાનો કે કાર્યકરોને ભાજપે કોંગ્રેસમાંથી આયાત કર્યા તે જ આગેવાનો કે કાર્યકરો હવે ભાજપમાં જ રહીને આંતરિક જુથબંધી વકરાવી રહ્યા છે. ભાજપમાં ક્યારેય એક વખત ઉમેદવાર જાહેર કરી દેવાયા બાદ બદલવાની નોબત આવી નથી. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા બાદ તો ક્યારેય આવું થયું નથી. આ વખતની લોકસભાની ચૂંટણીમાં આ પ્રથમ વખત છે કે ઉમેદવારો બદલવા પડ્યા છે અને તેમાં બદલેલા ઉમેદવારો સામે પણ રોષએ ભાજપના આગેવાનોને મથાવી નાખ્યા છે.

રાજકોટના ભાજપના ઉમેદવાર રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો રોષ હજુ શમતો નથી. ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ માફી માંગી હોવા છતાં ભાજપની આંતરિક જુથબંધી અટકતી નથી. વડોદરામાં ભાજપના જ કાર્યકરો દ્વારા ભાજપ (શ્યામાપ્રસાદ મુખર્જી)ના નામે સાથે નવી પાર્ટી બનાવવાની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં જે કોંગ્રેસીઓ ભાજપમાં ગયા છે તે ભાજપના ફાડચા કરી દે તો નવાઈ નહીં હોય. ખરેખર ભાજપે ભરતી મેળા કરવાની કોઈ જ જરૂરીયાત નહોતી.

અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એવી જાહેરાત કરી હતી કે ભાજપમાં કોંગ્રેસીઓ માટે દ્વાર બંધ છે પરંતુ બાદમાં હાઈકમાન્ડે આ દ્વાર ખોલી નાખ્યા હતા. જ્યારે લોકસભાની ચૂંટણીની ચર્ચાઓ શરૂ થઈ ત્યારે સરવે એવું કહેતા હતા કે ગુજરાતમાં ભાજપ તમામ બેઠકો પર વિજયી બનશે પરંતુ હવે ભાજપમાં જ જુથબંધીના ભવાડા થયા બાદ ભાજપ ખૂદ આવી ખાતરી આપી શકે તેમ નથી. હજુ પણ મોડું થયું નથી. ભાજપે પોતાના જ કાર્યકરોના બળે પક્ષને સત્તા સુધી પહોંચાડ્યો હતો.

પરંતુ છેલ્લા એક દાયકાથી એવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે કે આખા દેશમાં સત્તા મેળવી લેવાના પ્રયાસમાં ભાજપે અન્ય પક્ષના કાર્યકરોને પક્ષમાં લેવા માંડ્યા છે. ભૂતકાળમાં પણ મહારાષ્ટ્રમાં મનસેના આખા ને આખા શહેર માળખાને ભાજપે પોતાનામાં સમાવી લીધા હતા. ભવિષ્યમાં કોંગ્રેસ ફરી જોખમ ઊભું નહીં કરે તે માટે ભાજપે કોંગ્રેસના આગેવાનોને પક્ષમાં લઈ લીધા. ઉપરથી જે ભ્રષ્ટાચારી આગેવાન ભાજપમાં આવે તેને ક્લિનચીટ પણ મળવા માંડી અને અન્ય લાભ તો ખરા જ. ભાજપને એવું લાગી રહ્યું હશે કે પક્ષની વિચારધારાથી પ્રેરાઈને આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે પરંતુ સત્ય હકીકત એ છે કે આ આગેવાનો રાજકારણની આડમાં પોતાના ધંધાને રક્ષણ આપવા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે.

જે દિવસે પોતાના ધંધાને જોખમ લાગશે તે દિવસે આ આગેવાનો ભાજપને પણ ‘રામરામ’ કરતાં અટકશે નહીં. ભૂતકાળની સરખામણીમાં ઉમેદવારોની પસંદગીમાં પણ વ્હાલાદવલાની નીતિ ભાજપમાં અપનાવવામાં આવી છે અને આ કારણે જ રોષની લાગણી પ્રબળ બની રહી છે. ભાજપ માટે હજુ પણ સમય છે. જો ભરતીમેળાને ભાજપ અટકાવશે નહીં તો ભાજપનું ભવિષ્ય ધુંધળું બની જશે તે નક્કી છે.

Most Popular

To Top