Editorial

ઈનઓપરેટિવ ખાતાઓ પર પેનલ્ટી નહીં લગાડો, રિઝર્વ બેંકના આદેશથી લાખો ખાતાધારકોને રાહત

લોકો દ્વારા નાણાંકીય લેવડદેવડ કરવા માટે જે તે બેંકોમાં ખાતા ખોલાવવામાં આવે છે પરંતુ ઘણી વખત એવું બને છે કે કેટલાક ખાતાઓમાં ઘણા સમય સુધી કોઈ લેવડદેવડ કરવામાં આવતી નથી. આવા ખાતાઓ ઘણા સમય સુધી ઈનઓપરેટિવ રહે છે. અત્યાર સુધી બેંકોમાં જે ખાતામાં લેણદેણ થતી નહીં હોય તેવા ખાતામાં પણ બેંકો દ્વારા મિનિમમ બેલેન્સ રાખવાથી માંડીને અન્ય મુદ્દે ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો.

આ ચાર્જ વસૂલાતને કારણે અનેક લોકોએ બેંકોને નાણાં આપવાનો વખત આવતો હતો. ઘણી વખત તો આવા ખાતાઓમાં રહેલી રકમનું વ્યાજ પણ આપવામાં આવતું નહોતું. જોકે, હવે રિઝર્વ બેંક દ્વારા આવા ઈનઓપરેટિવ ખાતાઓ પર ચાર્જ વસૂલાતને અયોગ્ય ગણાવીને તેની પર 1લી એપ્રિલથી ચાર્જ નહીં લગાડવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકએ ત્યાં સુધી કહ્યું છે કે આવા ખાતાઓ માટે કોઈપણ બેંક કોઈપણ પ્રકારનો દંડ લાદી શકશે નહીં. જો ખાતામાં મિનિમમ બેલેન્સ નથી તો તેની પર પણ ચાર્જ લાદી શકાશે નહીં અને સ્કોલરશિપના ખાતાઓ પર પણ ચાર્જ લગાડી શકાશે નહીં.

રિઝર્વ બેંક દ્વારા તમામ બેંકોનું નિયમન કરવામાં આવે છે પરંતુ કેટલીક બેંકો એવી છે કે જે ગ્રાહકોને લૂંટવામાં જ માને છે. યેનકેન પ્રકારે બેંકો દ્વારા ગ્રાહકો પાસેથી ચાર્જ લઈ લેવાની જાણે એક પદ્ધતિ થઈ ગઈ છે. સમયાંતરે રિઝર્વ બેંક દ્વારા તેમાં સુધારાઓ કરવામાં આવે છે પરંતુ તેમ છતાં હજુ પણ કેટલીક બેંકો દ્વારા ચાર્જ વસૂલવાનું ચાલુ જ રાખવામાં આવ્યું છે. જોકે, ઈનઓપરેટ ખાતાઓ પાસેથી ચાર્જ નહીં વસૂલ કરવા માટે રિઝર્વ બેંક દ્વારા કરાયેલો આદેશ અનેક લોકોને રાહત આપનાર છે.

રિઝર્વ બેંકએ કહ્યું છે કે, બેંકો શિષ્યવૃત્તિની રકમ અથવા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે બનાવેલા ખાતાઓ પર કોઈપણ પ્રકારનો મિનિમમ બેલેન્સ ચાર્જ લાદી શકે નહીં. ભલે આ એકાઉન્ટ્સનો ઉપયોગ 2 વર્ષથી વધુ સમયથી ન થયો હોય. આ ઉપરાંત બેંકોએ હંમેશા સેવિંગ્સ એકાઉન્ટ ઇનઓપરેટિવ હોવા છતાં તેના પર વ્યાજ ચૂકવવાનું ચાલુ રાખવું પડશે. જો સરકારી યોજના ખાતાઓમાં ઝીરો બેલેન્સ હોય તો પણ તેને ઇનએક્ટીવ ગણવામાં આવશે નહીં.

ઉપરાંત, મિનિમમ બેલેન્સ પેનલ્ટી લાદવામાં આવશે નહીં. રિઝર્વ બેંકએ જણાવ્યું હતું કે, બેંકોમાં દાવા વગરના ખાતા અને દાવા વગરની રકમને ઘટાડી શકાય તે માટે આ પગલા લેવામાં આવ્યા છે. આ નિર્ણય ખાતાધારકોના માલિકો તેમજ દાવેદારોને ન કરેલી થાપણો પરત કરવામાં મદદ કરશે. નવા નિયમો હેઠળ, બેંકોએ ગ્રાહકોને તેમના ખાતાને ઇનઓપરેટિવ કરવા વિશે SMS, લેટર અથવા ઇમેઇલ દ્વારા જાણ કરવાની રહેશે. આ સિવાય જો તે ખાતાનો માલિક જવાબ ન આપે તો, જે વ્યક્તિએ એકાઉન્ટ હોલ્ડર અથવા તે ખાતાના નોમિનીનો સંપર્ક કરવાનો રહેશે.

થોડા સમય પહેલા રિઝર્વ બેંકએ પોતાના જ અહેવાલામં જણાવ્યું હતું કે, બેંકોમાં પડેલી થાપણોનો આંક 42272 કરોડ થઈ ગયો છે. જે 28 ટકાનો વધારો સૂચવે છે. રિઝર્વ બેંક દ્વારા અગાઉ પણ ન્યૂનત્તમ બેલેન્સ નહીં રાખવા બદલ જે તે ખાતાધારકોને પેનલ્ટી ચાર્જ નહીં લાદવા માટે કહેવાયું હતું તેમ છતાં પણ કેટલીક બેંકો દ્વારા આ ચાર્જ વસૂલવાનું ચાલુ જ રાખવામાં આવતા આખરે રિઝર્વ બેંક દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક દ્વારા કરાયેલો આ આદેશ લાખો ખાતાધારકો માટે એક રાહત છે.

જોકે, રિઝર્વ બેંક દ્વારા હજુ પણ બેિંકગ ક્ષેત્રમાં સુધારાઓ કરવામાં આવે તે જરૂરી છે. હજુ પણ એટીએમના વપરાશ સામે, લોનની પ્રોેસેસિંગ ફી, લોકર ચાર્જ અને લોકરની સામે ફિક્સ્ડ ડિપોઝિટ કરવા માટેની બેંકો દ્વારા પાડવામાં આવતી ફરજને કારણે ખાતાધારકો હેરાન થઈ રહ્યા છે. હાલમાં એટીએમ અને તેના થકી યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવાનો અને સ્વીકારનો નવો જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. રિઝર્વ બેંક દ્વારા આ મામલે પણ પગલા લેવામાં આવે તે જરૂરી છે.

Most Popular

To Top