Business

અન્નનો અનાદર પર્યાવરણ માટે પણ હાનિકર્તા છે

ઈસુનું નવું વરસ શરૂ થયું એની ઉજવણીનો ઉન્માદ માંડ શમવામાં હશે ને ઉત્તરાયણનો તહેવાર આવશે. એ પછી લગ્નસરા શરૂ થશે. એક સમય એવો હતો કે એકધારા જીવનમાં કંઈક બદલાવ રહે એ માટે લોકો ઉજવણી કરતા, જ્યારે હવે ઉજવણીઓમાં એ હદે એકવિધતા આવી ગઈ છે કે તેમાં બદલાવની જરૂર જણાય. આપણી સામાજિક ઉજવણીઓમાં સૌથી મહત્ત્વનો જે બદલાવ જોવા મળે છે એ વધી ગયેલા ભપકાનો, ફિલ્મો અને ધારાવાહિકોની દેખાદેખીએ દાખલ કરાયેલી ચિત્રવિચિત્ર, વિસ્તારપૂર્વક થતી વિધિઓનો અને સૌથી ઉપર ખોરાકના વેડફાટનો.

એક અંદાજ અનુસાર, વિશ્વભરમાં પ્રતિ વર્ષ જેટલો આહાર તૈયાર કરવામાં આવે છે એમાંથી એક તૃતીયાંશ ફેંકી દેવામાં આવે છે. આનો અર્થ એ કરી શકાય કે આ સમસ્યા કેવળ આપણા દેશ પૂરતી મર્યાદિત નથી, પણ સાર્વત્રિક છે. ખોરાકનો વેડફાટ એ રીતે અક્ષમ્ય ગણાય કે બીજી તરફ અનેક લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યાં છે. આ ઉપરાંત તેના વેડફાટનું એક મહત્ત્વનું પરિણામ એટલે પર્યાવરણ પર થતી તેની વિપરીત અસર. ખોરાકના વેડફાટના પરિણામનું આ પાસું હમણાં હમણાં પ્રકાશમાં આવ્યું છે અને તેને ગંભીરતાપૂર્વક લેવામાં આવી રહ્યું છે.

‘ખોરાકનો વેડફાટ’એટલે માનવ માટે બનેલો ખોરાક નકામો જાય એવી સ્થિતિ, જે ખેતરથી લઈને ઘર સુધીની પુરવઠાસાંકળમાં ગમે તે તબક્કે થઈ શકે. તેને બે પ્રકારમાં વિભાજીત કરી શકાય. પ્રથમ પ્રકાર તે ‘ખોરાકનું નુકસાન’ એટલે કે ઉત્પાદન પ્રક્રિયાના આરંભિક તબક્કે ખોરાકને થતું નુકસાન. બીજો પ્રકાર એટલે ‘ખોરાકનો વેડફાટ’એટલે કે માનવ માટે એકદમ સુયોગ્ય રીતે તૈયાર થયેલા ખોરાકનો કોઈક કારણથી નિકાલ કરી દેવામાં આવે એ.

ખોરાકની ઉત્પાદન પ્રક્રિયામાં તેને ઉગાડવા, પ્રક્રિયા કરવા, વિભાજન કરવા, પૅક કરવા, વહન કરવા અને વેચાણ કરવા જેવા તબક્કા સમાયેલા છે. આથી ખોરાકનો વેડફાટ થાય ત્યારે આ તમામ તબક્કે ઉપયોગમાં લેવાયેલાં સંસાધનોનો પણ વેડફાટ થતો હોય છે. ખોરાકના ઉત્પાદનથી વેચાણ સુધીના તબક્કાને ‘અપસ્ટ્રીમ’કહેવાય છે, જ્યારે એ પછીનો એટલે કે વેચાણ થકી ગ્રાહક સુધી પહોંચવાનો તબક્કો ‘ડાઉનસ્ટ્રીમ’કહેવાય છે.

જેટલા મોડા તબક્કે ખોરાક વેડફાય એમ પર્યાવરણ પર તેની વિપરીત અસર વધુ થવાની, કેમ કે, તેની પ્રક્રિયામાં વધુ ઊર્જા અને નૈસર્ગિક સ્રોતની જરૂર પડે છે. 2013માં ‘ફુડ એન્‍ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન ઑફ ધ યુનાઈટેડ નેશન્‍સ (એફ.એ.ઓ.)ના એક અહેવાલમાં વૈશ્વિક સ્તરે ખોરાકના વેડફાટની પર્યાવરણ પર અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એ મુજબ, મધ્યમથી ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં ખોરાકનો વેડફાટ ‘ડાઉનસ્ટ્રીમ’તબક્કે થાય છે, જે મુખ્યત્વે ગ્રાહકો અને વ્યાપાર થકી છે. અહેવાલ અનુસાર વિકાસશીલ દેશોમાં આ વેડફાટ ‘અપસ્ટ્રીમ’ તબક્કે થાય છે, જે મુખ્યત્વે સંગ્રહની તેમજ અન્ય સુવિધાઓના અભાવને કારણે હોય છે.

આ વેડફાટ પર્યાવરણને શી રીતે અસર કરે? ખોરાકના વેડફાટથી તેના ઉત્પાદન માટે વપરાયેલાં ઊર્જા, ઈંધણ અને પાણી પ્રાકૃતિક સ્રોત પણ વેડફાય છે. ખોરાકને લેન્‍ડફીલ તરીકે ઓળખાતા, ઘન કચરાને ઠાલવવા માટેના ખુલ્લા મેદાન જેવા સ્થાને ફેંકીને સડવા દેવામાં આવે ત્યારે તે મિથેન વાયુનું ઉત્સર્જન કરે છે. એક શક્તિશાળી ગ્રીનહાઉસ વાયુ મિથેન વાતાવરણમાં લાંબા સમય સુધી ફરતો રહે છે. ખોરાકના વેડફાટથી જમીનને સીધું નુકસાન પણ થાય છે અને એ પણ બે રીતે. એક તો જેમાં તેને ઉગાડવામાં આવ્યો એ જમીનને અને જ્યાં તેને ફેંકવામાં આવ્યો એ જમીનને.

આ ઉપરાંત જૈવવિવિધતાને પણ વ્યાપક પ્રમાણમાં હાનિ થાય છે. એકનો એક પાક લેતાં રહેવાથી તેમજ વન્ય ભૂમિને ગોચર યા કૃષિલક્ષી ઉપયોગમાં પરિવર્તિત કરવું સામાન્ય બની રહ્યું છે. તેને લઈને જે તે વિસ્તારમાં સામાન્યપણે ઊગતી અનેક વનસ્પતિ અને જીવસૃષ્ટિને નુકસાન થતું રહે છે. તદુપરાંત મોટા પ્રમાણમાં મત્સ્યોદ્યોગના વિકાસથી દરિયાઈ જીવોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાતો રહ્યો છે.

વૈશ્વિક સ્તરે જ્યાં આ પરિસ્થિતિ હોય ત્યાં સ્વાભાવિકપણે જ આપણને થાય કે આમાં વ્યક્તિગત ધોરણે, એક નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? ખરું જોતાં ‘અન્નનો અનાદર’ન કરવાનો વિચાર આપણી સંસ્કૃતિમાં વણાયેલો છે, પણ તેનું પાલન ક્યાં થતું જોવા મળે છે? પહેલાં સમૂહભોજનની પરંપરા હતી ત્યારે અને આજે એ જ પ્રથા નવા સ્વરૂપે ચલણી બની રહી છે ત્યારે પણ ખોરાકનો વેડફાટ ખરેખર તો વધ્યો હોય એમ લાગે છે.

વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીમાં તૈયાર કરાતી વૈવિધ્યપૂર્ણ, છતાં મોટા ભાગે વિરોધાભાસી વાનગીઓ આમાં વધારો કરી રહી છે. એક એક ઉજવણીના પ્રસંગે થતા ખોરાકના વેડફાટ ઉપરાંત પેદા થતા પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ પણ ચિંતાજનક હોય છે. સામાન્ય સંજોગોમાં આ પ્રકારના વેડફાટ બાબતે ચિંતા વ્યક્ત કરતા લોકો પોતાને ત્યાં પ્રસંગ આવે ત્યારે તત્પૂરતી ચિંતાને કોરાણે મૂકી દે છે અને શક્ય એટલો ખોરાકી તેમજ પ્લાસ્ટિકી કચરો પેદા કરે છે. આવાં લોકો કોઈ અન્ય ગ્રહ પરથી નથી આવતાં, પણ મારા અને તમારા જેવાં સામાન્ય લોકો જ હોય છે.

હોટેલમાં જઈને ઢગલાબંધ ઓર્ડર આપ્યા પછી ભોજન છાંડતાં લોકોનો પણ આગવો વર્ગ છે. તેમના માટે ‘બહાર જમવું’ પોતાના નાણાંના પ્રદર્શન સમું હોય છે. પોતાને અમુકતમુક મોંઘી હોટેલમાં જમવું જ નહીં, વેડફવું પણ પોસાય છે એમ તેઓ માને છે. તેમને એ અંદાજ જ નથી કે તેઓ કિંમતી નૈસર્ગિક સંસાધનોનો વેડફાટ કરી રહ્યા છે. વ્યક્તિગત ધોરણે આપણે જરૂર પૂરતો જ ખોરાક થાળીમાં લઈએ અને એને ન વેડફીએ તો પણ એ પર્યાવરણને બગડતું અટકાવવા માટેનું મહત્ત્વનું યોગદાન હશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top