Gujarat Main

રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ગુસ્સે થયા, જામનગરના મેયર અને સાંસદ સાથે જાહેરમાં ઝઘડ્યા

જામનગર (Jamnagar): ક્રિકેટર (Cricketer) રવિન્દ્ર જાડેજાના (RavindraJadeja) પત્ની અને ધારાસભ્ય રીવાબા જાડેજાનો (MLARivabaJadeja) એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં તેઓ જામનગરના મેયર બીના કોઠારી અને સાંસદ પૂનમ માડમ (MPPoonamMadam) સાથે ઝઘડતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

રીવાબા જાડેજા અને જામનગરના મેયર બીના કોઠારી વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ પછી બીના કોઠારીએ રીવાબાને કહ્યું, તમે તમારી મર્યાદામાં રહો, બહુ સ્માર્ટ ન બનો. તે સાંભળી રીવાબા પણ ગુસ્સે થઈ ગયા હતા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. આ ઝઘડો જોઈને સાંસદ પૂનમ મેડમ વચ્ચે પડ્યા હતા ત્યારે રીવાબાએ ઝઘડા માટે તેમને જવાબદાર ઠેરવી એલફેલ બોલ્યા હતા.

ભાજપની ત્રણ મહિલા નેતાઓ વચ્ચેના ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કાર્યકર્તાઓ અને પોલીસકર્મીઓની હાજરીમાં ભાજપની ત્રણ મહિલા નેતાઓ એકબીજા સાથે કેવી રીતે ઝઘડો કર્યો તે જોઈ શકાય છે. જામનગર શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન ત્રણેય વચ્ચે ઝઘડો થયો હોવાની વિગતો સાંપડી છે.

રીવાબાએ સાંસદ પૂનમ માડમને કહ્યું કે, તમે જ ઝઘડો કરાવ્યો છે અને હવે તમે જ મામલો શાંત પાડવાનો પ્રયાસ કરો છો. તમે જાહેરમાં મારા માટે સ્માર્ટ, ઓવર સ્માર્ટ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે, પરંતુ મને તેનાથી કોઈ ફરક પડતો નથી.

આ સમગ્ર વિવાદ પછી રીવાબાએ કહ્યું કે, આપણા દેશના સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી મનપા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ 9 વાગ્યે શરૂ થવાનો હતો. પૂનમ માડમ 10.30 કલાકે પહોંચ્યા હતા. સ્વતંત્રતા સૈનાનિઓને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેઓએ ચપ્પલ પહેરી રાખ્યા હતા. જ્યારે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાની મને તક મળી ત્યારે મેં ચપ્પલ ઉતારી દીધા હતા. કેમ કે હું સૈનિકોનું સન્માન કરું છું.

રીવાબા અનુસાર જ્યારે હું ચપ્પલ ઉતારી રહી હતી ત્યારે તેમણે મારી તરફ ઈશારો કરતા કહ્યું કે દેશના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમમાં પોતાની ચપ્પલ ઉતારતા નથી. પરંતુ તેને ખબર નથી કારણ કે તેને આ મામલે જાણકારી નથી. સાંસદની આ ટીપ્પણીથી મને ગુસ્સો આવ્યો હતો. જ્યારે વાત આત્મસમ્માન હોય ત્યારે હું મારા વિશે આવી ટીપ્પણીઓ સાંભળી શકતી નથી.

Most Popular

To Top