Entertainment

રામ્યા ક્રિષ્નન અમિતાભ બચ્ચનની ફેવરીટ

રામ્યા ક્રિષ્નનની ફિલ્મોની સંખ્યા બહુ મોટી છે. તેમાં સૌથી વધુ તેલુગુ, તમિલ અને પછી મલયાલમ, કન્નડ ફિલ્મો છે. પરંતુ હિન્દી ફિલ્મો પણ ઓછી નહીં કહેવાય. ઠેઠ ૧૯૮૮ માં ફિરોઝખાનની ‘દયાવાન’માં તે ડાન્સ તરીકે આવેલી. ત્યારે તે હિન્દી સાથે બહુ કમ્ફર્ટેબલ ન હતી પણ ‘ખલનાયક’માં તે સંજય દત્તની ગર્લફ્રેન્ડ સોફિયા હતી. તે સાઉથમાં વ્યસ્ત રહે છે પણ હિન્દી તરફનું તેનું વલણ હંમેશનું રહ્યું છે. તેણે મુખ્ય અભિનેત્રી બનવાનો પ્રયત્ન નથી કર્યો પણ મહેશ ભટ્ટની ‘ક્રિમીનલ’માં તે નાગાર્જૂન સાથે મુખ્ય ભૂમિકામાં જ હતી. એ જ મહેશ ભટ્ટે શાહરૂખ ખાન, પૂજા ભટ્ટ, નસીરુદ્દીન શાહને લઇ ‘ચાહત’ બનાવેલી તેમાં પણ રામ્યાની ભૂમિકા મોટી હતી.

હા, એ ખરું કે હિન્દી ફિલ્મો તરફ વળી ત્યારે તે ચાળીસી નજીક પહોંચી ચુકી હતી એટલે મુખ્ય અભિનેત્રી બનવાની તક પણ ઓછી હતી પણ એન. ચંદ્રની ‘વજૂદ’માં તેણે ત્રણ ભૂમિકા કરેલી અને ‘બડે મિયાં છોટે મિયાં’ માં તેણે અમિતાભ સાથે જોડી બનાવી હતી.  રામ્યા ક્રિષ્નનને ‘બાહુબલી’ની શિવગામી દેવી તરીકે ખૂબ જ નામના મળી. ત્યાર પછી તેણે બાયલિંગ્વલ ફિલ્મો વધારે કરવી જોઇતી હતી પણ હવે લાંબો સમય પછી તે ‘લાઇગર’માં આવી રહી છે જે હિન્દી અને તેલુગુમાં બની છે. પુરી જગન્નાથ દિગ્દર્શિત ફિલ્મ છે અને તેમાં તે મહત્વની ભૂમિકામાં છે. રામ્યા ક્રિષ્નન વર્કોહોલીક છે. તે ફિલ્મોમાં જ કામ નથી કરતી તે અનેક શોની હોસ્ટ બને.

જજ બને અને ટી.વી. સિરીયલોમાં પણ કામ કરે છે. આ બધું તમિલમાં હોય એટલે હિન્દીના પ્રેક્ષકોને જાણ નથી થતી. રામ્યા સાહસિક અભિનેત્રી છે ગયા વર્ષે તે ‘સુપર ડિલકસ’ નામની તમિલ ફિલ્મમાં પોર્ન સ્ટાર બની હતી. રામ્યાની સ્ટાર વેલ્યુ ઘણી મોટી છે. ‘શૈલજા રેડ્ડી અલ્લુડુ’ ફિલ્મમાં તે એક દિવસની શૂટિંગ ફી છ લાખ રૂપિયા લેતી હતી અને ૨૫ દિવસ શૂટિંગ થયેલું એટલે દોઢ કરોડ રોકડા કરેલા. તમન્ના ભાટિયાને ૬૫ લાખ કે રકુલ પ્રીત સીંઘને ફિલ્મ દીઠ એક કરોડ મળતા હોય ત્યારે રામ્યા આટલું મેળવી શકે એ જ સૂચવે છે કે તે સાઉથની ચાર ભાષામાં અસરદાર છે.  રામ્યા અત્યારે અન્ય એક હિન્દી – તમિલ ફિલ્મમાં આવી રહી છે અને તેમાં તે અમિતાભ બચ્ચન સાથે ફરીવાર પ્રોમિનંટ ભૂમિકામાં હશે. ‘તેરા યાર હું મે’ નામની આ ફિલ્મ ઉપરાંત ‘ધ ગ્રેટ મેન’માં પણ તે અમિતાભ સાથે છે.

સવા બસો જેટલી ફિલ્મોની અભિનેત્રી રામ્યા આવતા મહિનાની ૧૫મીએ બાવન વર્ષની થશે. સાઉથના ઘણા અભિનેતા કે અભિનેત્રી ઘણું કામ કરે પણ હિન્દીના પ્રેક્ષક માટે અજાણ રહે. જેમ અહીં શાહરૂખ, સલમાન કે કરીના, દિપીકા ગમે તેટલું કામ કરે સાઉથના પ્રેક્ષકોને મોટા લાગે જ નહીં. ખેર, રામ્યા તેનું કામ કરતી રહે છે. ક્રિષ્ના વમ્શી નામના તમિલ નિર્માતા – દિગ્દર્શક, કોરિયોગ્રાફરને પરણેલી રામ્યાનું લગ્નજીવન સારું રહ્યું છે. બાકી વમ્શીની તો બે જ ફિલ્મમાં તેણે કામ કરેલું અને તેમાં નાગાર્જૂન સાથેની ‘ચન્દ્રલેખા’ એક છે. રામ્યા ૨૦૦૩ માં જ વમ્શી સાથે પરણી છે. વર્સેટાઇલ ગણાતી રામ્યા ક્રિષ્નાનો હિન્દી પ્રેક્ષકોને ઓછો પરિચય થયો બાકી તે લાંબી યાત્રા કરી ચુકી છે. •

Most Popular

To Top